Trendingઆંતરરાષ્ટ્રીયમુખ્ય સમાચાર

ઈરાનની શાંતિ માટે 3 શરતો: નુકસાનની ભરપાઈ અને સુરક્ષા ગેરંટીની માંગ

પશ્ચિમ એશિયામાં યુદ્ધનો તણાવ વધી રહ્યો: ઈરાનની શાંતિ માટે ત્રણ શરતો :: ટ્રમ્પનો દાવો – “અમેરિકા પહેલાજ કલાકમાં જીતી ગયું”,

પશ્ચિમ એશિયામાં હાલની પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા વધી છે. સતત થતા સૈન્ય હુમલાઓ, રાજકીય નિવેદનો અને આર્થિક અસરને કારણે આ સંઘર્ષ હવે વૈશ્વિક ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે.

ઈરાને યુદ્વ સમાપ્ત કરવા મુકેલી શરતો

બીજી તરફ ઈરાન પણ આ સંઘર્ષ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી રહ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને જણાવ્યું છે કે યુદ્ધ સમાપ્ત કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો સ્વીકારવી જરૂરી છે. તેમણે કહ્યું કે જો આ શરતો સ્વીકારવામાં આવશે તો શાંતિ તરફ આગળ વધવાની શક્યતા વધી શકે છે.

ઈરાનની પ્રથમ શરત એ છે કે તેના કાનૂની અને આંતરરાષ્ટ્રીય અધિકારોને માન્યતા આપવામાં આવે. ઈરાન લાંબા સમયથી કહી રહ્યું છે કે તેને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વતંત્રતા જાળવવાનો સંપૂર્ણ અધિકાર છે.

બીજી શરત તરીકે ઈરાને યુદ્ધ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે. ઈરાનનું કહેવું છે કે સૈન્ય હુમલાઓના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે અને તેની ભરપાઈ માટે જવાબદાર દેશોએ આર્થિક સહાય આપવી જોઈએ.

ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ શરત તરીકે ઈરાને આંતરરાષ્ટ્રીય ગેરંટીની માંગ કરી છે. ઈરાનનું કહેવું છે કે ભવિષ્યમાં તેના પર ફરીથી કોઈ સૈન્ય હુમલો નહીં થાય તેની ખાતરી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ ગેરંટી આપવામાં આવવી જોઈએ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ અંગે મહત્વપૂર્ણ નિવેદનો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે અમેરિકા આ યુદ્ધમાં પહેલેથી જ જીત મેળવી ચૂક્યું છે.

ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તેમના જણાવ્યા મુજબ ઈરાન પાસે હવે નિશાન બનાવવા જેવી સૈન્ય ક્ષમતા લગભગ બચી નથી. તેમણે કહ્યું કે જ્યારે તેઓ ઈચ્છશે ત્યારે આ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના આ નિવેદનને કારણે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું ખરેખર આ સંઘર્ષ સમાપ્ત થવાની નજીક છે કે પછી આ માત્ર રાજકીય દબાણ ઉભું કરવા માટેનું નિવેદન છે.

ટ્રમ્પે એક દિવસ અગાઉ પણ દાવો કર્યો હતો કે ઈરાન સામેનું યુદ્ધ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તેમના જણાવ્યા મુજબ અમેરિકી અને ઈઝરાયલી હુમલાઓના કારણે ઈરાનની નૌસેના, વાયુસેના અને સંચાર વ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ઈરાનની મિસાઈલ ક્ષમતા પણ ઘણી હદ સુધી ઘટી ગઈ છે અને તેના ઘણા ડ્રોનને અમેરિકી અને ઈઝરાયલી સેનાએ તોડી પાડ્યા છે. ટ્રમ્પના મતે હવે ઈરાન પાસે હુમલો કરવા જેવી મોટી સૈન્ય શક્તિ લગભગ બાકી રહી નથી.

ટ્રમ્પે વધુમાં ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે હવે કોઈ ચાલાકી કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેમના જણાવ્યા મુજબ ઈરાન જે હુમલા કરી શકતું હતું તે કરી ચૂક્યું છે. જો હવે ઈરાન તરફથી કોઈ ખોટું પગલું ભરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. ટ્રમ્પે કડક શબ્દોમાં જણાવ્યું કે જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો ઈરાનને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે અને તેની સૈન્ય શક્તિ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ શકે છે.

આ વચ્ચે ઈઝરાયલ પણ ઈરાન સામેના અભિયાનમાં સક્રિય રીતે જોડાયેલું છે. ઈઝરાયલના રક્ષા પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જરૂરી રહેશે ત્યાં સુધી ઈરાન સામેના હુમલા ચાલુ રહેશે. તેમના જણાવ્યા મુજબ આ સૈન્ય અભિયાનનો મુખ્ય હેતુ ઈરાનના મહત્વપૂર્ણ સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાઓને નિશાન બનાવવાનો છે. ઈઝરાયલે કહ્યું છે કે અલગ અલગ સ્થળોએ હુમલા કરીને ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઈઝરાયલના નેતાઓએ એ પણ જણાવ્યું છે કે આ અભિયાનનો એક હેતુ ઈરાનની અંદર રાજકીય દબાણ ઊભું કરવાનો છે. તેમના મતે ઈરાનની જનતા દેશના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈના નેતૃત્વ હેઠળની સરકાર સામે ઉભી થાય અને રાજકીય પરિવર્તનની માંગ કરે. આ પ્રકારના નિવેદનોને કારણે સંઘર્ષ હવે માત્ર સૈન્ય યુદ્ધ નહીં પરંતુ રાજકીય અને માનસિક દબાણનું સ્વરૂપ પણ ધારણ કરી રહ્યો છે.

આ સમગ્ર સંઘર્ષ દરમિયાન અમેરિકાએ મોટો સૈન્ય ખર્ચ કર્યો છે. અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોન દ્વારા સંસદને આપવામાં આવેલી માહિતી અનુસાર ઈરાન સાથેના યુદ્ધના શરૂઆતના છ દિવસમાં અમેરિકાએ લગભગ 11.3 અબજ ડોલર ખર્ચ્યા છે. ભારતીય ચલણમાં આ રકમ લગભગ એક લાખ કરોડ રૂપિયાની આસપાસ થાય છે. આમાંથી લગભગ પાંચ અબજ ડોલર માત્ર હથિયારો અને દારૂગોળા પર ખર્ચવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

સૈન્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આટલો મોટો ખર્ચ દર્શાવે છે કે આ સંઘર્ષ ખૂબ જ ગંભીર છે. જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો તેની અસર માત્ર પશ્ચિમ એશિયા સુધી સીમિત નહીં રહે પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ અસર થઈ શકે છે. ખાસ કરીને તેલના ભાવ અને વૈશ્વિક વેપાર પર તેનો સીધો પ્રભાવ જોવા મળી શકે છે. આ દરમિયાન પશ્ચિમ એશિયામાં સમુદ્રી માર્ગો પર પણ તણાવ વધ્યો છે. તાજેતરના હુમલાઓને કારણે આ વિસ્તારમાં અનેક જહાજો નિશાન બન્યા છે. સંઘર્ષ શરૂ થયા પછી ઓછામાં ઓછા 16 જહાજો પર હુમલા થયાની માહિતી સામે આવી છે. આ ઘટનાને કારણે વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠા પર અસર થવાની શક્યતા વધી ગઈ છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) પણ સતર્ક થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી દ્વારા જણાવાયું છે કે જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો વિશ્વમાં તેલની અછત ન થાય તે માટે ઈમરજન્સી તેલ સંગ્રહમાંથી રેકોર્ડ પ્રમાણમાં તેલ બજારમાં છોડવાની યોજના બનાવવામાં આવી રહી છે.