ભારતમુખ્ય સમાચાર

સોનમ વાંગચુક પરનો NSA હટાવ્યો, કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય

લદ્દાખના જાણીતા પર્યાવરણ કાર્યકર અને ઇનોવેટર સોનમ વાંગચુકને મોટી રાહત મળતા કેન્દ્ર સરકારે તેમના પર લાગુ કરાયેલ નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય (MHA) દ્વારા શનિવારે જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું કે લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી લદ્દાખની રાજનીતિ અને સામાજિક પરિસ્થિતિમાં એક નવી દિશા જોવા મળી શકે છે. છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને રાજકીય તણાવ વચ્ચે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

સોનમ વાંગચુક માત્ર પર્યાવરણ કાર્યકર જ નથી, પરંતુ એક પ્રખ્યાત ઇનોવેટર અને શિક્ષણ સુધારક પણ છે. તેઓ લદ્દાખમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક વિકાસ માટે લાંબા સમયથી કાર્ય કરી રહ્યા છે.તેમણે “આઇસ સ્ટૂપા” જેવી અનોખી ટેક્નોલોજી વિકસાવી છે, જે હિમાલયી વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બની છે. તેમના કામને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે.

સોનમ વાંગચુકને 26 સપ્ટેમ્બર 2025ના રોજ લદ્દાખના લેહમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. તે સમયે લેહના જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર વ્યવસ્થા જાળવવા માટે આ પગલું લીધું હતું. આ પ્રદર્શન 24 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ થયું હતું, જેમાં લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને સંવિધાનની છઠ્ઠી અનુસૂચીમાં સામેલ કરવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા. કેટલાક સ્થળોએ સ્થિતિ તંગ બની હતી, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઉભી થઈ હતી. સરકારે જણાવ્યું કે તે સમયે લદ્દાખના “શાંતિપ્રિય શહેર” લેહમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. તેથી જાહેર વ્યવસ્થા જાળવવા માટે વાંગચુકને NSA હેઠળ અટકાવવામાં આવ્યા હતા.અટકાયત બાદ સોનમ વાંગચુકને રાજસ્થાનની જોધપુર જેલમાં રાખવામાં આવ્યા હતા. NSA હેઠળ કોઈ વ્યક્તિને ટ્રાયલ વિના લાંબા સમય સુધી અટકાવવામાં આવી શકે છે. વાંગચુક લગભગ અડધો સમય જેલમાં વિતાવી ચૂક્યા હતા. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી જે. અંગમોએ તેમની અટકાયતને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે વાંગચુકની અટકાયતને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે વાંગચુકે હિંસક પ્રદર્શનનો ક્યારેય સમર્થન કર્યો નહોતો. તેઓએ પોતાના સોશિયલ મીડિયા પર હિંસાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે હિંસા લદ્દાખના શાંતિપૂર્ણ આંદોલનને નુકસાન પહોંચાડશે. તેમણે આંદોલનને “પાંચ વર્ષથી ચાલતી તપસ્યા” ગણાવી હતી અને લોકોને શાંતિપૂર્ણ માર્ગ અપનાવવા અપીલ કરી હતી.
આ કેસને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી હતી. ઘણા સામાજિક કાર્યકરો, પર્યાવરણવાદીઓ અને વિદ્યાર્થી સંગઠનો વાંગચુકની મુક્તિ માટે અવાજ ઉઠાવી રહ્યા હતા.

ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે સરકાર લદ્દાખમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જવા માટે પ્રતિબદ્ધ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર તમામ હિતધારકો સાથે “રચનાત્મક અને અર્થપૂર્ણ સંવાદ” માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી કરવા માંગે છે. આ દિશામાં વિચારણા કર્યા બાદ સોનમ વાંગચુકની અટકાયત રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સરકારે એ પણ સ્વીકાર્યું કે લદ્દાખના લોકોની આશાઓ અને ચિંતાઓ અંગે સરકાર સતત ચર્ચા કરી રહી છે. આ માટે વિવિધ સમુદાયના નેતાઓ અને હિતધારકો સાથે વાતચીત ચાલી રહી છે.

સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે સતત બંધ અને વિરોધ પ્રદર્શનના માહોલે લદ્દાખના સમાજના અનેક વર્ગોને અસર કરી છે. વિદ્યાર્થીઓ, નોકરી માટે તૈયારી કરતા યુવાનો, વેપારીઓ, ટૂર ઓપરેટરો અને પ્રવાસન ઉદ્યોગ પર તેનો સીધો પ્રભાવ પડ્યો છે. લદ્દાખનું અર્થતંત્ર મોટા ભાગે પર્યટન પર આધારિત છે, તેથી લાંબા સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનથી સ્થાનિક અર્થતંત્રને નુકસાન થયું હોવાનું સરકારનું માનવું છે.કેન્દ્ર સરકારે અગાઉ આરોપ લગાવ્યો હતો કે સોનમ વાંગચુકે જનરેશન Z ના યુવાનોને નેપાળ અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ સર્જવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકારના આ દાવાને લઈને પણ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા ચાલી હતી. વાંગચુકના સમર્થકોનું કહેવું હતું કે તેઓ હંમેશા અહિંસક અને શાંતિપૂર્ણ આંદોલનના સમર્થક રહ્યા છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.