અમદાવાદગુજરાતભારતમુખ્ય સમાચાર

ધોલેરાથી ગગનમાં સ્ટાર્ટઅપની કમાલ: રાજ્યનો પ્રથમ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ, અવકાશ ક્ષેત્રે નવો ઈતિહાસ સર્જાયો

ધોલેરાથી ગગનમાં ગુંજી ઉઠ્યો ગુજરાતનો ગૌરવ: બાવળીયારીથી રાજ્યનો પ્રથમ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ, અવકાશ ક્ષેત્રે નવો ઈતિહાસ સર્જાયો

ગુજરાતે ફરી એકવાર ટેકનોલોજી અને નવોચારના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. અમદાવાદથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલ ધોલેરા નજીક બાવળીયારી ગામથી રાજ્યનો પ્રથમ સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ અમદાવાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ ‘ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ’ (OSRE) દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે. આ સફળ લોન્ચિંગ સાથે ગુજરાતે અવકાશ સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને દેશના ખાનગી સ્પેસ ઇકોસિસ્ટમમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. આ લોન્ચિંગ માત્ર ટેકનિકલ સિદ્ધિ જ નથી, પરંતુ રાજ્યના યુવા વૈજ્ઞાનિકો અને સ્ટાર્ટઅપ્સ માટે પ્રેરણાદાયક મોંઢું પણ બની ગયું છે. ‘મેક ઇન ઇન્ડિયા’ના અભિગમ સાથે સ્વદેશી ટેકનોલોજીના આધારે બનાવાયેલા આ રોકેટે ગુજરાતને નવા અવકાશીય યુગ તરફ આગળ ધપાવ્યું છે.

14 માર્ચના રોજ બપોરે લગભગ 1 વાગ્યે ધોલેરા નજીક બાવળીયારી ખાતે બનાવવામાં આવેલા અસ્થાયી લોન્ચ કોમ્પ્લેક્સમાંથી આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ સાઉન્ડિંગ રોકેટે ગગન તરફ ઉડાન ભરી હતી. લોન્ચિંગ દરમિયાન ખાસ કન્ટ્રોલ રૂમ અને મોનિટરિંગ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી હતી. રોકેટે લગભગ 3 કિલોમીટર સુધીની ઊંચાઈ (Apogee) પ્રાપ્ત કરી હતી. આ ઉડાન દરમિયાન રોકેટની અનેક મહત્વપૂર્ણ ટેકનિકલ સિસ્ટમોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પ્રોપલ્શન સિસ્ટમ, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ પરીક્ષણો સફળ થતાં સ્ટાર્ટઅપ ટીમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સાઉન્ડિંગ રોકેટ સાથે એક નાનું પ્રાયોગિક પેલોડ પણ જોડવામાં આવ્યું હતું. આ પેલોડ તરીકે એક મીની સેટેલાઈટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો જે હવામાન સંબંધિત ડેટા એકત્ર કરવા માટે બનાવવામાં આવ્યો છે.આ મીની સેટેલાઈટ દ્વારા વાતાવરણની સ્થિતિ, તાપમાન, દબાણ અને અન્ય હવામાન સંબંધિત માહિતી એકત્ર કરવામાં આવશે. આ માહિતી ભવિષ્યના વૈજ્ઞાનિક સંશોધન તેમજ મોસમના અભ્યાસ માટે ઉપયોગી બની શકે છે.આ રીતે સાઉન્ડિંગ રોકેટ માત્ર ટેકનિકલ પરીક્ષણ માટે જ નહીં પરંતુ વૈજ્ઞાનિક ડેટા મેળવવા માટે પણ મહત્વપૂર્ણ સાધન બની શકે છે.

રાજ્ય સરકારે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ‘ગુજરાત સ્પેસટેક પોલિસી (2025-2030)’અમલમાં મૂકી છે. આ પોલિસીના કારણે ખાનગી સંસ્થાઓને જરૂરી ટેકનિકલ સહયોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થઈ રહ્યું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા આપવામાં આવતા સહયોગથી આજે ગુજરાતે અવકાશ ક્ષેત્રે ગગનચુંબી ઉડાન ભરી છે. આ નીતિ હેઠળ યુવા વૈજ્ઞાનિકો, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સને નવી તક અને પ્રોત્સાહન મળી રહ્યું છે.આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પણ સ્વદેશી સ્પેસ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો અને યુવા વૈજ્ઞાનિકો માટે નવી સંભાવનાઓ ઊભી કરવાનો છે.આ રોકેટ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ આ રોકેટનું એરફ્રેમ કાર્બન ફાઈબર અને એડવાન્સ કમ્પોઝિટ મટીરિયલનો ઉપયોગ કરીને અમદાવાદ સ્થિત ઓમસ્પેસની લેબમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આધુનિક મટીરિયલના ઉપયોગથી રોકેટ વધુ મજબૂત અને હળવું બને છે. જેના કારણે તેની કાર્યક્ષમતા પણ વધે છે.આ પ્રોજેક્ટથી ભારતના ખાનગી સ્પેસ સેક્ટરમાં નવા સંશોધન અને ઉત્પાદન માટે પ્રેરણા મળશે.

આ ઐતિહાસિક લોન્ચિંગ પ્રસંગે રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ હાજર રહ્યા હતા. તેમણે આ સફળતાને ગુજરાત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.મંત્રીએ યુવા વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન આપતા કહ્યું હતું કે આ સિદ્ધિ રાજ્ય સરકારના આત્મનિર્ભર ભારત અને અવકાશ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.તેમણે આ લોન્ચિંગનો વિડિયો પણ શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઓમસ્પેસના સ્થાપક અને CEO ડૉ. રવિન્દ્ર રાજેએ જણાવ્યું હતું કે આ સફળ લોન્ચિંગ ભવિષ્યના મોટા પ્રોજેક્ટ માટે પાયો સાબિત થશે. તેમના જણાવ્યા મુજબ આગામી સમયમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ‘ઇન્ફિનિટી વન’ (Infinity One)ના વિકાસ માટે આ પ્રયોગ મહત્વપૂર્ણ રહેશે. રિયુઝેબલ લોન્ચ વ્હીકલ એટલે કે એવું રોકેટ જેનો ઉપયોગ એકથી વધુ વખત કરી શકાય. આ ટેકનોલોજીથી સેટેલાઈટ લોન્ચિંગનો ખર્ચ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે.વિશ્વમાં હાલ માત્ર થોડા દેશો પાસે જ આવી ટેકનોલોજી ઉપલબ્ધ છે.

વિવિધ એજન્સીઓનો સહયોગ

આ મહત્વપૂર્ણ મિશન માટે અનેક સરકારી સંસ્થાઓ દ્વારા જરૂરી ટેકનિકલ સહયોગ અને મંજૂરી આપવામાં આવી હતી. આ લોન્ચિંગ માટે નીચેની સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી:

  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)
  • ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ
  • ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)

આ ઉપરાંત આ મિશન IN-SPACe (ISROની અધિકૃત સંસ્થા)ની મંજૂરી અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.

શું હોય છે સાઉન્ડિંગ રોકેટ?

સાઉન્ડિંગ રોકેટ સામાન્ય રીતે એક અથવા બે સ્ટેજ ધરાવતું ઘન ઇંધણ આધારિત રોકેટ હોય છે. તેનો મુખ્ય ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધન માટે થાય છે.આ રોકેટ દ્વારા પૃથ્વીના ઉપરના વાતાવરણમાં વિવિધ પ્રયોગો કરવામાં આવે છે. સામાન્ય રીતે સાઉન્ડિંગ રોકેટ 50 કિલોમીટરથી લઈને 1500 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી પહોંચી શકે છે.આ રોકેટનો ઉપયોગ નીચેના ક્ષેત્રોમાં થાય છે:

  • ઉપરના વાતાવરણનો અભ્યાસ
  • મોસમી સંશોધન
  • નવી અવકાશ ટેકનોલોજીનું પરીક્ષણ
  • વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવું

સાઉન્ડિંગ રોકેટનું સૌથી મોટું ફાયદો એ છે કે તે ખૂબ ઓછા ખર્ચમાં ઝડપથી વૈજ્ઞાનિક માહિતી મેળવી શકે છે.

1965થી શરૂ થયો હતો સાઉન્ડિંગ રોકેટ કાર્યક્રમ
ભારતીય અવકાશ સંસ્થા ISROએ 1965થી સ્વદેશી રીતે સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતે અનેક વૈજ્ઞાનિક પ્રયોગો અને ટેકનોલોજી પરીક્ષણો સાઉન્ડિંગ રોકેટ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. હવે ગુજરાતમાંથી પણ આ ક્ષેત્રે મહત્વપૂર્ણ શરૂઆત થઈ છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.