રાજકોટમાં સ્થિત પ્રતિષ્ઠિત All India Institute of Medical Sciences (AIIMS)માં અભ્યાસ કરતા એક યુવા ઇન્ટર્ન ડૉક્ટરે કરેલા આપઘાતના બનાવે સમગ્ર તબીબી જગતને ઝંઝોળી નાખ્યું છે. 25 વર્ષીય ઇન્ટર્ન ડૉક્ટર ડૉ. રતનકુમાર મેઘવાલ આપઘાત કરતાં પહેલાં લખેલી 17 પાનાની સુસાઇડ નોટમાં પોતાના પાંચ સહપાઠીઓ પર શારીરિક અને માનસિક હેરાનગતિના ગંભીર આરોપો મૂક્યા છે. આ નોટના આધારે પોલીસે પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આ ઘટના બાદ દેશભરના મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડૉક્ટરોમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ડૉ. રતનકુમાર મેઘવાલ મૂળ જેસલમેર જિલ્લાના ફાલસૂંદ ગામના રહેવાસી હતા. છેલ્લા ચાર વર્ષથી તેઓ All India Institute of Medical Sciences Rajkotમાં MBBS અભ્યાસ કરી રહ્યા હતા અને હાલ ઇન્ટર્નશિપ કરી રહ્યા હતા. 14 માર્ચ 2026ના રોજ વહેલી સવારે લગભગ 4 વાગ્યે તેમણે રાજકોટના ઘંટેશ્વર અને પરા પીપળિયા વિસ્તાર વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર ટ્રેન સામે ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સવારે લગભગ 5:30 વાગ્યે રેલવે પોલીસને ટ્રેક પર મૃતદેહ મળ્યો હતો.સ્થળ પરથી રતનકુમારનો બેગ પણ મળી આવ્યો હતો, જેમાં તેમનો મોબાઇલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, મેડિકલ ફાઈલ અને ઓળખ કાર્ડ મળ્યા હતા.
પોલીસને બેગમાં રાખેલી એક નોટબુકમાંથી 17 પાનાની લાંબી સુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખવામાં આવી હતી.આ નોટમાં ડૉ. રતનકુમારે પોતાના પાંચ સહપાઠીઓ પર ગંભીર આરોપ લગાવતા લખ્યું હતું કે પાંચ સહપાઠીઓ છેલ્લા કેટલાક મહિનાથી તેમને સતત હેરાન કરી રહ્યા હતા. નોટમાં શારીરિક હુમલો, અપમાનજનક શબ્દો, માનસિક ત્રાસ અને દબાણ વિશે વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.પોલીસ માટે 17 પાનાની સુસાઇડ નોટ આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો બની શકે છે. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે નોટમાં લખાયેલા દરેક આરોપની તપાસ કરવામાં આવશે. તે ઉપરાંત ડૉ. રતનકુમારના મોબાઇલ, લેપટોપ અને અન્ય ડિજિટલ ડિવાઇસમાંથી પણ ડેટા રિકવર કરવામાં આવશે જેથી ઘટના પાછળનું સંપૂર્ણ સત્ય બહાર આવી શકે.
તપાસ દરમિયાન એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે. જાન્યુઆરી 2026માં ડૉ. રતનકુમારે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પણ તેમણે એ જ પાંચ વિદ્યાર્થીઓના નામ લીધા હતા. પરંતુ તે સમયે પરિવાર તરફથી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, જેના કારણે પોલીસ કાર્યવાહી થઈ નહોતી. હવે આ મુદ્દે અનેક પ્રશ્નો ઊભા થયા છે કે જો ત્યારે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો કદાચ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ટાળી શકાય હતી.
આ બનાવ પછી રતનકુમારના પિતા મોહનલાલ મેઘવાલે Gandhigram પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તરત જ કાર્યવાહી કરીને તમામ પાંચ આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુસાઇડ નોટ, ડિજિટલ ડિવાઇસ અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધી રહી છે.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે AIIMS રાજકોટમાં MBBS ફાઇનલ યરની પરીક્ષાઓ શરૂ થઈ રહી હતી. ધરપકડ કરાયેલા પાંચેય વિદ્યાર્થી ફાઇનલ યરના છે. આરોપીઓએ કોર્ટમાં અરજી કરીને પરીક્ષા આપવા માટે મંજૂરી માગી હતી. કોર્ટએ શરતી મંજૂરી આપી છે.કોર્ટના આદેશ મુજબ આરોપી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે પરંતુ તેઓ પોલીસ કસ્ટડીમાં જ રહેશે. તેમને પોલીસ સુરક્ષા વચ્ચે પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાશે અને પરીક્ષા પૂર્ણ થયા પછી ફરી કસ્ટડીમાં લઈ જવાશે.
આ ઘટના બાદ AIIMS રાજકોટના કેમ્પસમાં પણ ભારે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. મેડિકલ વિદ્યાર્થીઓનું કહેવું છે કે રેગિંગ અને માનસિક હેરાનગતિ જેવી સમસ્યાઓ આજે પણ અનેક મેડિકલ કોલેજોમાં જોવા મળે છે. તેઓએ આવા કેસોમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
ડૉ. રતનકુમારના પરિવારજનો પર આ ઘટનાથી દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે રતનકુમાર બાળપણથી જ ખૂબ મહેનતી અને શાંત સ્વભાવનો હતો. ડૉક્ટર બનવું તેનું સ્વપ્ન હતું. પરિવારે સરકાર અને સંસ્થાઓને અપીલ કરી છે કે તેમના પુત્રને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા કરવામાં આવે.
આ ઘટના માત્ર એક વિદ્યાર્થીના મૃત્યુ સુધી સીમિત નથી પરંતુ સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થામાં રહેલી સમસ્યાઓ તરફ પણ ઇશારો કરે છે. વિદ્યાર્થીઓ પર વધતું માનસિક દબાણ, રેગિંગ અને હેરાનગતિ જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. નિષ્ણાતોના કહેવા મુજબ કોલેજોમાં મેન્ટલ હેલ્થ સપોર્ટ સિસ્ટમ મજબૂત બનાવવાની તાતી જરૂર છે.
હાલ પોલીસ સમગ્ર કેસની વિગતવાર તપાસ કરી રહી છે. સુસાઇડ નોટ, ડિજિટલ પુરાવા અને સાક્ષીઓના આધારે આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.આ બનાવે એકવાર ફરી પ્રશ્ન ઉભો કર્યો છે કે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જો આવી પરિસ્થિતિનો સામનો કરે છે તો શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારાની કેટલી જરૂર છે.સમગ્ર દેશ હવે રાહ જોઈ રહ્યો છે કે આ કેસમાં સત્ય બહાર આવે અને યુવા ડૉક્ટર રતનકુમાર મેઘવાલને ન્યાય મળે.
