પંજાબ પોલીસને સરહદી સુરક્ષા મામલે મોટી સફળતા મળી છે. પાકિસ્તાન આધારિત સ્મગલરો સાથે જોડાયેલા ક્રોસ-બોર્ડર હથિયાર અને ડ્રગ્સ સ્મગલિંગ રેકેટમાં સંડોવાયેલા છ આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે 6 આધુનિક પિસ્તોલ, 60 જીવંત કારતૂસ અને આશરે 3.51 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પંજાબના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) ગૌરવ યાદવએ આ બાબતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ પાકિસ્તાનમાં બેઠેલા સ્મગલરોના સૂચન પર ભારત તરફ હથિયાર અને નશીલા પદાર્થોની સપ્લાય કરવામાં મદદ કરતું હતું. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ કરણ સિંહ (26), ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી (22), રાકેશ ઉર્ફે કેશુ (26), ચમકોર સિંહ ઉર્ફે ચમકોર (23), મખંદીન ઉર્ફે મખન (22) અને જસબીર સિંહ ઉર્ફે બીરા ઉર્ફે રઘુ (19) તરીકે થઈ છે. આ પૈકી કેટલાક આરોપીઓ તરણતારણ જિલ્લાના ખેમકરણ વિસ્તારના છે જ્યારે અન્ય અમૃતસર જિલ્લાના ગામોના રહેવાસી છે.
પોલીસના જણાવ્યા મુજબ આ આરોપીઓ સરહદ નજીક હથિયારો અને નશીલા પદાર્થો ભારત તરફ પહોંચાડવાના કામમાં સંકળાયેલા હતા. તેઓ એક પાકિસ્તાન સ્થિત “ક્રોસ-બોર્ડર હેન્ડલર”ના નિયંત્રણ હેઠળ કામ કરતા હતા, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ એક મોટું અને સંગઠિત સ્મગલિંગ નેટવર્ક છે.હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. જપ્ત કરાયેલા હથિયારો અને હેરોઈન ક્યાંથી આવ્યા અને દેશના કયા વિસ્તારમાં પહોંચાડવાના હતા તે અંગે માહિતી મેળવવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસનો ઉદ્દેશ આ સમગ્ર સ્મગલિંગ નેટવર્કના તમામ કડીઓ શોધીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો છે. પંજાબ પોલીસનું કહેવું છે કે સરહદ પરથી થતા હથિયાર અને નશીલા પદાર્થોના સ્મગલિંગને રોકવા માટે આવા ઑપરેશન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.
