અમદાવાદમાં ITનો મેગા દરોડો, 20 સ્થળોએ તપાસ શરૂ
અમદાવાદ શહેરમાં ઇનકમ ટેક્સ વિભાગે આજે વહેલી સવારથી મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરીને કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલી મયૂર ડાયકેમ કંપની અને તેના ભાગીદારો પર ત્રાટક્યું છે. શહેરના આશરે 20 સ્થળોએ એકસાથે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વટવા GIDC ખાતે આવેલી કંપનીની ઓફિસ અને ફેક્ટરી ઉપરાંત ભાગીદારોના નિવાસસ્થાનો અને સંબંધિત અન્ય સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. કંપનીના ભાગીદારો મયૂર પટેલ અને સુજલ પટેલ હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી સંભવિત ટેક્સ ચોરી અને બેનામી લેવડદેવડના મામલાને લઈને કરવામાં આવી રહી છે. ઇનકમ ટેક્સ વિભાગની ટીમો દ્વારા નાણાકીય હિસાબી દસ્તાવેજો, બેંક ખાતાઓ, લોકર્સ અને ડિજિટલ રેકોર્ડ્સની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો જણાવે છે કે આ દરોડામાં બેનામી મિલ્કતો,અજાણ્યા સ્ત્રોતમાંથી પ્રાપ્ત આવક, રોકડ રકમ અને દાગીના સંબંધિત મહત્વના પુરાવા મળી શકે છે. જોકે, ઇનકમ ટેક્સ વિભાગ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ કાર્યવાહી હજુ ચાલુ છે અને આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
