સાંણદમાં Nestlé નો માસ્ટરસ્ટ્રોક!

FMCG ક્ષેત્રની દિગ્ગજ કંપની Nestlé India Limited એ અમદાવાદ નજીક આવેલા Sanand સ્થિત તેના પ્લાન્ટમાં જાણીતા ચોકલેટ બ્રાન્ડ Nestlé Munch માટે નવી મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરી છે. આશરે ₹225 કરોડના રોકાણ સાથે થયેલ આ વિસ્તરણ રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે તેમજ રોજગાર અને ઉત્પાદન ક્ષમતા બંનેમાં વધારો કરશે. આ નવી ઉત્પાદન લાઇન શરૂ થવાથી કંપનીની કુલ ક્ષમતા દર વર્ષે અંદાજે 8,300 ટન જેટલી વધશે. Nestlé India દ્વારા કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, આ પગલું કંપનીના લાંબા ગાળાના વિઝનનો ભાગ છે, જેમાં વધતી ગ્રાહક માંગને પહોંચી વળવા માટે ગ્રીનફીલ્ડ અને બ્રાઉનફીલ્ડ પ્રોજેક્ટ્સ પર ભાર મુકાયો છે. Sanandમાં શરૂ થયેલી આ નવી યુનિટ માત્ર ઉત્પાદન ક્ષમતા વધારશે નહીં, પરંતુ “Make in India” અભિયાનને પણ મજબૂત બનાવશે. સાથે સાથે ગુજરાતને એક વિશ્વસનીય મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન તરીકે વધુ પ્રતિષ્ઠા મળશે.
Nestlé India છેલ્લા કેટલાક વર્ષોથી તેના મુખ્ય પ્રોડક્ટ્સ—જેમ કે Munch, KitKat અને Maggi—માટે ઉત્પાદન ક્ષમતા વધારવા સતત પ્રયત્નશીલ છે. ખાસ કરીને ચોકલેટ અને કન્ફેક્શનરી સેગમેન્ટમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નવી યુનિટ શરૂ કરવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ રોકાણ ભવિષ્યમાં આવનારી માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેથી માર્કેટમાં સતત સપ્લાય જાળવી શકાય.
ગુજરાત માટે ગૌરવની વાત
Sanand પહેલેથી જ અનેક મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ માટે ઓળખાય છે. હવે Nestlé Indiaના આ નવા વિસ્તરણ સાથે આ વિસ્તાર વધુ મજબૂત ઔદ્યોગિક હબ તરીકે ઉભરી રહ્યો છે. રાજ્ય સરકારની પ્રો-બિઝનેસ નીતિઓ અને સુવિધાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે દેશ-વિદેશની મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થઈ રહી છે. ₹225 કરોડના આ પ્રોજેક્ટથી સીધો અને પરોક્ષ રીતે રોજગારીના નવા અવસરો ઊભા થશે. સ્થાનિક લોકો માટે રોજગારના વિકલ્પો વધશે, જેનાથી વિસ્તારની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. સાથે સાથે સપ્લાય ચેઇન, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય સહાયક ક્ષેત્રોને પણ લાભ મળશે.
કંપનીની આર્થિક પરિણામો
Nestlé Indiaના તાજેતરના આર્થિક પરિણામો પણ ખૂબ જ પ્રભાવશાળી રહ્યા છે. ડિસેમ્બર 2025 સુધીના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ આશરે ₹998.42 કરોડનો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ લગભગ 45% જેટલો વધારો દર્શાવે છે. વેચાણમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે ₹5,643 કરોડથી વધુ સુધી પહોંચી ગયું છે. કંપનીએ જણાવ્યું હતું કે આ વૃદ્ધિ પાછળ મુખ્ય કારણ તરીકે વોલ્યુમ ગ્રોથ અને બ્રાન્ડમાં કરવામાં આવેલા ટાર્ગેટેડ ઇન્વેસ્ટમેન્ટ જવાબદાર રહ્યા છે. ખાસ કરીને કન્ફેક્શનરી સેગમેન્ટમાં “ડબલ ડિજિટ ગ્રોથ” નોંધાઈ છે, જે બજારમાં Munch જેવા પ્રોડક્ટ્સની લોકપ્રિયતા દર્શાવે છે.
શેર બજાર પર અસર
આ જાહેરાત બાદ કંપનીના શેરોમાં થોડી ગિરાવટ જોવા મળી હતી. જો કે તે માર્કેટ પરિબળો ના લીધે છે.NSE પર Nestlé Indiaનો શેર ₹1,186.30 પર બંધ થયો, જેમાં આશરે 1.54% નો ઘટાડો નોંધાયો. જોકે, લાંબા ગાળે આવા રોકાણો કંપનીના વિકાસ માટે હકારાત્મક માનવામાં આવે છે.
