Trendingભારતમુખ્ય સમાચારવિશેષ

“ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર”: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ભારતમાં માનવ અધિકારો, આરોગ્ય વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીના ઇતિહાસમાં 11 માર્ચ, 2026નો દિવસ મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે નોંધાયો છે. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે એક ઐતિહાસિક ચુકાદામાં 32 વર્ષીય હરિશ રાણા માટે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી છે.સુપ્રીમ કોર્ટએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ડોક્ટરનો ધર્મ જીવન બચાવવાનો છે, પરંતુ જ્યારે દર્દીના સ્વસ્થ થવાની કોઈ આશા ન હોય ત્યારે એ ફરજ માનવ ગૌરવ સામે ટકી શકતી નથી. આ નિર્ણય માત્ર એક વ્યક્તિના જીવનસંબંધિત પ્રશ્નને ઉકેલતો નથી, પરંતુ “ગૌરવપૂર્વક મૃત્યુનો અધિકાર” અંગે ભારતના કાનૂની અને નૈતિક ચર્ચાને પણ નવી દિશા આપે છે. આ નિર્ણયનો આધાર લાંબા સમયથી ચાલી રહેલા ન્યાયિક વિકાસ, માનવ અધિકારો અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પર છે. આ કેસમાં હરિશ રાણા છેલ્લા 13 વર્ષથી “પરસિસ્ટન્ટ વેજીટેટિવ સ્ટેટ” એટલે કે અર્ધચેતનાની સ્થિતિમાં હતા. ડોક્ટરોના મત મુજબ તેમના સ્વસ્થ થવાની સંભાવના લગભગ શૂન્ય હતી. આ પરિસ્થિતિમાં તેમના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં પેસિવ યુથેનેશિયાની અરજી કરી હતી.

શું છે હરિશ રાણાનો કેસ: દુર્ઘટનાથી દાયકાની પીડા

હરિશ રાણા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી છે અને તેઓ પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. વર્ષ 2013માં તેઓ તેમના પેઇંગ ગેસ્ટ રહેતા મકાનની ચોથી માળ પરથી પડી ગયા હતા. આ અકસ્માતમાં તેમને ગંભીર મસ્તિષ્ક ઇજા થઈ હતી. ત્યારથી તેઓ કોમામાં અને પછી વેજીટેટિવ સ્થિતિમાં હતા. આ સ્થિતિમાં દર્દીનો શ્વાસ, ખોરાક અને અન્ય શરીરીક પ્રક્રિયાઓ મશીન અથવા ટ્યુબ દ્વારા ચાલતી હોય છે. હરિશ રાણા માટે પણ શ્વાસ માટે ટ્રેકિઓસ્ટોમિ ટ્યુબ અને ખોરાક માટે ગેસ્ટ્રોજેજ્યુનોસ્ટોમિ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ સ્થિતિમાં તેઓ પોતે કંઈ કરી શકતા નહોતા અને સંપૂર્ણપણે અન્ય લોકો પર નિર્ભર હતા. તેમના માતા-પિતાએ વર્ષો સુધી સારવાર ચાલુ રાખી. પરંતુ સમય જતાં ડોક્ટરોના રિપોર્ટ મુજબ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થવાની શક્યતા નહોતી. અંતે પરિવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો.


સુપ્રીમ કોર્ટનો નિર્ણય

આ કેસની સુનાવણી દરમિયાન બેંચમાં ન્યાયમૂર્તિ જસ્ટિસ જે.બી. પરડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન હતા. કોર્ટે એમ્સ દિલ્હી દ્વારા બનાવવામાં આવેલી પ્રાથમિક અને સેકન્ડરી મેડિકલ બોર્ડના રિપોર્ટનો અભ્યાસ કર્યો. બંને મેડિકલ બોર્ડે સ્પષ્ટ કહ્યું કે દર્દીના સ્વસ્થ થવાની શક્યતા અત્યંત નગણ્ય છે. કોર્ટે અંતે જીવન સહાય આપતી સારવાર, ખાસ કરીને ક્લિનિકલી અસિસ્ટેડ ન્યુટ્રિશન (CAN) અને અન્ય જીવનરક્ષક ઉપકરણો હટાવવાની મંજૂરી આપી. પરંતુ સાથે સાથે કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે આ પ્રક્રિયા “માનવ ગૌરવ જળવાય તે રીતે” અને “કોઈ પ્રકારના ત્યાગની જેમ નહીં પરંતુ માનવિય રીતે” કરવામાં આવવી જોઈએ. આ માટે હરિશ રાણાને એમ્સ દિલ્હીના પેલિયેટિવ કેર વિભાગમાં દાખલ કરવાની પણ સૂચના આપવામાં આવી.


પેસિવ યુથેનેશિયા શું છે?

યુથેનેશિયા (ઈચ્છામ્રૂતિયું ) એટલે કોઈ વ્યક્તિને અતિશય પીડા અને નિરાશાજનક આરોગ્ય સ્થિતિમાંથી મુક્તિ આપવા માટે મૃત્યુની મંજૂરી આપવી. તેના બે મુખ્ય પ્રકાર છે:

પેસિવ યુથેનેશિયા (ઈચ્છામ્રૂતિયું): તેમાં દર્દીને જીવંત રાખતી સારવાર અથવા જીવનરક્ષક ઉપકરણો દૂર કરવામાં આવે છે અથવા બંધ કરવામાં આવે છે. એટલે કે, મૃત્યુ સ્વાભાવિક રીતે થવા દેવામાં આવે છે.

એક્ટિવ યુથેનેશિયા (ઈચ્છામ્રૂતિયું) : તેમાં દર્દીને સીધી રીતે મૃત્યુ આપવા માટે કોઈ દવા અથવા ઇન્જેક્શન આપવામાં આવે છે.

ભારતમાં પેસિવ યુથેનેશિયા કડક શરતો સાથે કાનૂની રીતે માન્ય છે, પરંતુ એક્ટિવ યુથેનેશિયા હજુ પણ ગેરકાનૂની છે.

“ગૌરવપૂર્વક મૃત્યુનો અધિકાર”

ભારતના બંધારણના કલમ 21 હેઠળ દરેક વ્યક્તિને “જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા”નો અધિકાર આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટએ અગાઉના ચુકાદાઓમાં જણાવ્યું છે કે જીવનનો અધિકાર માત્ર જીવતા રહેવાનો અધિકાર નથી, પરંતુ ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર પણ છે. આ જ તર્કને આધારે કોર્ટએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ અતિશય પીડા અને અસાધ્ય સ્થિતિમાં હોય અને સ્વસ્થ થવાની આશા ન હોય, તો તેને ગૌરવપૂર્વક મૃત્યુ મેળવવાનો અધિકાર હોવો જોઈએ.

2018નો ઐતિહાસિક ચુકાદો

પેસિવ યુથેનેશિયા (ઈચ્છામ્રૂતિયું) ને કાનૂની માન્યતા આપતો મહત્વપૂર્ણ ચુકાદો 2018માં આવ્યો હતો. “કોમન કૉઝ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા” કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કહ્યું હતું કે ગૌરવપૂર્વક મૃત્યુનો અધિકાર બંધારણના કલમ 21નો ભાગ છે. આ ચુકાદામાં કોર્ટએ “લિવિંગ વિલ” અથવા “એડવાન્સ મેડિકલ ડિરેક્ટિવ”ને પણ મંજૂરી આપી હતી. એટલે કે કોઈ વ્યક્તિ પહેલાથી લખિતમાં કહી શકે છે કે જો તે ગંભીર સ્થિતિમાં પહોંચી જાય તો તેને કૃત્રિમ જીવનસહાય પર રાખવામાં ન આવે.

2023માં પ્રક્રિયા સરળ

જાન્યુઆરી 2023માં સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી. પહેલા લિવિંગ વિલને અમલમાં મૂકવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હતી. નવી માર્ગદર્શિકાઓ અનુસાર:

  • બે અલગ મેડિકલ બોર્ડની મંજૂરી જરૂરી છે
  • પરિવારજનોની સંમતિ મહત્વપૂર્ણ છે
  • દર્દીની સ્થિતિ અપરિવર્તનીય હોવી જોઈએ
  • આખી પ્રક્રિયા પારદર્શક રીતે થવી જોઈએ

હરિશ રાણાનો કેસ આ માર્ગદર્શિકાઓનો સુપ્રીમ કોર્ટ દ્વારા સીધો અમલ કરાવતો પ્રથમ મહત્વપૂર્ણ કેસ માનવામાં આવે છે.


શું છે અરુણા શાનબાગ કેસ: શરૂઆતનું પાયાનું પથ્થ

આ કેસને ભારતમાં “રાઈટ ટુ ડાય વિથ ડિગ્નિટી” ચર્ચાનો પાયો માનવામાં આવે છે. ભારતમાં યુથેનેશિયા અંગે ચર્ચા પ્રથમ વખત મોટા પાયે ત્યારે થઈ જ્યારે અરુણા શાનબાગનો કેસ સામે આવ્યો. 1973માં મુંબઈના કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હોસ્પિટલમાં કામ કરતી નર્સ અરુણા શાનબાગ પર હોસ્પિટલના એક કર્મચારીએ ક્રૂર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના ગળામાં ડોગ ચેઇન વડે ઘુંટણ કરવામાં આવ્યું હતું, જેના કારણે મસ્તિષ્કમાં ઓક્સિજનની અછત થઈ અને તેઓ વેજીટેટિવ સ્થિતિમાં પહોંચી ગયા. અરુણા શાનબાગ લગભગ 42 વર્ષ સુધી એ જ સ્થિતિમાં રહી. તેમના સહકર્મીઓએ હોસ્પિટલમાં જ તેમની વર્ષો સુધી સેવા કરી. 2009માં લેખિકા અને પત્રકાર પિંકી વિરાણી એ તેમની તરફથી યુથેનેશિયાની અરજી દાખલ કરી. 2011માં સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી, પરંતુ સાથે સાથે ભારતમાં પેસિવ યુથેનેશિયાની મંજૂરી માટે માર્ગદર્શિકા આપી

નૈતિક અને સામાજિક ચર્ચા

યુથેનેશિયા (ઈચ્છામ્રૂતિયું) મુદ્દે સમાજમાં બે અલગ-અલગ મત જોવા મળે છે. એક તરફ કેટલાક લોકો માને છે કે જો દર્દી અતિશય પીડામાં હોય અને તેની સ્વસ્થ થવાની આશા ન હોય, તો તેને ગૌરવપૂર્વક મૃત્યુ મેળવવાની તક આપવી માનવિય છે. બીજી તરફ કેટલાક લોકો માને છે કે જીવન પવિત્ર છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેને સમાપ્ત કરવાની મંજૂરી આપવી યોગ્ય નથી. તેઓને ભય છે કે આ વ્યવસ્થા ભવિષ્યમાં દુરુપયોગ માટે પણ ખુલ્લી થઈ શકે છે. આ કારણે જ કોર્ટએ પેસિવ યુથેનેશિયા (ઈચ્છામ્રૂતિયું) માટે કડક પ્રક્રિયા અને મેડિકલ તપાસ જરૂરી બનાવી છે.

આગળનો રસ્તો

સુપ્રીમ કોર્ટએ આ કેસમાં કેન્દ્ર સરકારને પણ સૂચન કર્યું છે કે પેસિવ યુથેનેશિયા (ઈચ્છામ્રૂતિયું) અંગે સ્પષ્ટ કાયદો બનાવવો જોઈએ. હાલમાં આ મુદ્દો મુખ્યત્વે ન્યાયાલયના માર્ગદર્શક ચુકાદાઓ દ્વારા નિયંત્રિત થાય છે. કાયદાકીય માળખું બનવાથી દર્દીઓ, પરિવારજનો અને ડોક્ટરો માટે સ્પષ્ટ માર્ગદર્શન મળશે અને સંભવિત ગેરસમજ અથવા દુરુપયોગ અટકાવી શકાય છે.