ગુજરાતમુખ્ય સમાચાર

દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ

નવસારી-વલસાડમાં રેડ એલર્ટ, જનજીવન અસ્તવ્યસ્ત

22 July 2026 Gujarat Updates Team: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ હવે સંપૂર્ણ તાકાત સાથે એન્ટ્રી કરી છે. સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રે સુરક્ષાના ભાગરૂપે અનેક સાવચેતીના પગલાં અમલમાં મૂક્યા છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નવસારીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા
હવામાન વિભાગની ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો, આઈટીઆઈ તેમજ આંગણવાડીઓમાં એક દિવસની રજા જાહેર કરી છે. આ નિર્ણય સરકારી તેમજ ખાનગી બંને પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓને સમાન રીતે લાગુ કરવામાં આવ્યો છે. કલેક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X મારફતે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી અને નાગરિકોને અનિવાર્ય કારણ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

વલસાડમાં વરસાદે સર્જ્યો જળપ્રલય જેવો માહોલ
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર વલસાડ જિલ્લામાં જોવા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન કપરાડા તાલુકામાં આશરે 15.63 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નાનાપોંઢા, પારડી, વલસાડ શહેર અને વાપી સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે જિલ્લાના 150થી વધુ માર્ગો અને નીચાણવાળા કોઝવે બંધ થઈ ગયા છે. અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે અને વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે. વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

વાપીમાં રહેણાંક વિસ્તારો પાણીમાં
વાપી શહેરમાં સતત વરસતા વરસાદને કારણે અનેક રહેણાંક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. જગનપાર્ક, સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, કસ્ટમ રોડ, હરિયા હોસ્પિટલ રોડ અને ગુરુકુલ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના મહત્વના બંને રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે.

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાફિક ઠપ્પ
વલસાડ જિલ્લામાં સતત વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવેના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. કુંડી અને સરોણ વચ્ચેના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વાહનો રસ્તા પર જ બંધ પડી ગયા હતા. ટ્રાફિક પોલીસે સલામતીના ભાગરૂપે કેટલાક માર્ગો પર અવરજવર અસ્થાયી રીતે રોકી દીધી હતી. હજારો મુસાફરોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડ્યું.

વેજલપોલમાં ઘરોમાં ઘૂસ્યા નદીના પાણી
વલસાડ જિલ્લાના વેજલપોલ ગામમાં ઔરંગા નદીના પાણી રહેણાંક વિસ્તારમાં પ્રવેશતા 20થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક તંત્રે તાત્કાલિક શેલ્ટર હોમ શરૂ કરીને અસરગ્રસ્ત લોકોને રહેવા અને ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતત એલર્ટ પર રાખવામાં આવી છે.

મધુબન ડેમમાંથી દમણગંગામાં છોડાયું પાણી
ઉપરવાસમાં સતત વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમની જળસપાટી સુરક્ષિત મર્યાદા નજીક પહોંચતા સત્તાવાળાઓએ અનેક દરવાજા ખોલીને આશરે 99 હજાર ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડ્યું છે.તેના પગલે નદી બંને કાંઠે વહેતી થઈ છે. નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને માછીમારોને પણ નદી તથા દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

સુરતમાં પણ વરસાદનો પ્રચંડ પ્રહાર
સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ સતત ચાલુ રહેતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભેસ્તાન રોડ, ઉધના-નવસારી રોડ, લીંબાયત, વેસુ અને અન્ય વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યોલીંબાયત-ઉધના ગરનાળું છેલ્લા કેટલાક દિવસોથી પાણીમાં ગરકાવ હોવાથી આ માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છે.

પાલિકા તંત્ર મેદાનમાં
સુરત મહાનગરપાલિકાના કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ડ્રેનેજ અને પાણી નિકાલની કામગીરીની સમીક્ષા કરી હતી. પમ્પિંગ સ્ટેશનો સતત કાર્યરત રાખવામાં આવ્યા છે અને પાણી ઝડપથી ઉતરે તે માટે વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે.

અંબિકા નદી બે કાંઠે
દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને કારણે ઉમરા ગામ નજીકથી પસાર થતી અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે. ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમ પણ છલકાઈ ગયો છે. ડેમમાંથી વહેતા પાણીના મનોહર દ્રશ્યો જોવા માટે લોકો ઉમટી રહ્યા છે.ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે, કારણ કે સિંચાઈ માટે પાણીની પૂરતી ઉપલબ્ધતા સર્જાઈ છે.

ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો
તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂર પડે તો નિયંત્રિત રીતે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવશે.

રાજ્યના 173 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાતા નદીઓ, નાળા અને ડેમોમાં નવા પાણીની આવક થઈ છે.વલસાડ, નવસારી, ડાંગ અને સુરત ઉપરાંત તાપી, ભરૂચ, વડોદરા, આણંદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને મોરબી સહિતના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની નવી આગાહી
ભારતીય હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર દક્ષિણ ગુજરાતમાં આગામી 24થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત છે. ખાસ કરીને નવસારી, વલસાડ અને આસપાસના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓમાં જળસ્તર વધવા અને માર્ગ વ્યવહારમાં વિક્ષેપ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના અનેક ખેડૂતો માટે આ વરસાદ ખરીફ પાક માટે લાભદાયી માનવામાં આવી રહ્યો છે. ડેમો અને જળાશયોમાં પાણીની આવક વધતા સિંચાઈની ચિંતા ઘટી છે. જોકે નીચાણવાળા વિસ્તારોમાં ઉભા પાકમાં પાણી ભરાઈ જવાથી નુકસાનની શક્યતા પણ વધી છે. કૃષિ વિભાગે ખેડૂતોને ખેતરોની સતત દેખરેખ રાખવાની સલાહ આપી છે.

સ્થિતિ પર સતત નજર
રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ સહિતની તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે અને જરૂરિયાત મુજબ બચાવ કામગીરી માટે ટીમો તૈયાર રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓને અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.