TrendingWorldઅર્થતંત્રઆંતરરાષ્ટ્રીયભારતમુખ્ય સમાચાર

50 વર્ષ પછી અમેરિકામાં નવી રિફાઈનરી! રિલાયન્સ કરશે રોકાણ

વિશ્વના ઊર્જા રાજકારણમાં ફરી એક વખત અમેરિકાએ મોટો દાવ ખેલ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યું કે ટેક્સાસ રાજ્યના બ્રાઉન્સવિલે પાસે નવી વિશાળ ઓઈલ રિફાઈનરી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને 300 અબજ ડોલરની “હિસ્ટોરિક ડીલ” તરીકે રજૂ કરવામાં આવ્યો છે અને સૌથી મોટી વાત એ છે કે આ રિફાઈનરીમાં ભારતની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પણ રોકાણ કરશે. ટ્રમ્પના જણાવ્યા મુજબ આ રિફાઈનરી અમેરિકામાં છેલ્લા લગભગ 50 વર્ષમાં બનનારી પહેલી નવી મોટી રિફાઈનરી હશે.ટ્રમ્પે નવી રિફાઈનરી અંગે જાહેરાત કરતા સ્પષ્ટ કહ્યું કે તેમનું વહીવટીતંત્ર “અમેરિકન એનર્જી ડોમિનેન્સ” નીતિ પર કામ કરી રહ્યું છેઆ જાહેરાત સાથે જ ઊર્જા બજારોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ભારત-અમેરિકા ઊર્જા સહયોગ અંગે નવી ચર્ચાઓ તેજ બની છે.

ટ્રમ્પનું ‘એનર્જી ડોમિનેન્સ’ મિશન

ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી અમેરિકાને ઊર્જા ક્ષેત્રમાં વિશ્વમાં સૌથી શક્તિશાળી બનાવવાની નીતિ પર કામ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. તેમનું માનવું છે કે પેટ્રોલિયમ અને ઊર્જા સ્ત્રોતો પર નિયંત્રણ જાળવવું એ વૈશ્વિક રાજકારણમાં પ્રભુત્વ જમાવવાનો સૌથી મોટો રસ્તો છે. અહેવાલો અનુસાર અમેરિકાએ અગાઉ પણ તેલ રાજકારણને લઈને અનેક વિવાદાસ્પદ પગલાં લીધા છે. કેટલાક રાજકીય વિશ્લેષકોના દાવા પ્રમાણે પેટ્રોલિયમ સ્ત્રોતોને લઈને અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ ઉભો થયો હતો. કેટલાક અહેવાલોમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે વેનેઝુએલાના રાજકીય પરિવર્તન પાછળ ઊર્જા રાજકારણનું મોટું કારણ હતું. તે ઉપરાંત મધ્ય પૂર્વમાં પણ અમેરિકાની સક્રિયતા વધી રહી છે અને ઈરાન સાથેનો તણાવ પણ વારંવાર ચર્ચામાં રહે છે.

ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પની ઐતિહાસિક પોસ્ટ

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી. પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું: “હું ગર્વ સાથે જાહેરાત કરું છું કે America First Refining ટેક્સાસના બ્રાઉન્સવિલે ખાતે નવી ઓઈલ રિફાઈનરી ખોલી રહ્યું છે. આ છેલ્લા 50 વર્ષમાં અમેરિકાની પહેલી નવી રિફાઈનરી હશે.” ટ્રમ્પે વધુમાં લખ્યું: “આ 300 અબજ ડોલરની ઐતિહાસિક ડીલ છે — અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી ડીલ. આ અમેરિકન કામદારો, એનર્જી સેક્ટર અને દક્ષિણ ટેક્સાસના લોકો માટે મોટી જીત છે.” ટ્રમ્પે પોસ્ટમાં ભારતનો ખાસ ઉલ્લેખ કરતા લખ્યું: > “આ વિશાળ રોકાણ માટે ભારતના અમારા ભાગીદારો અને તેમની સૌથી મોટી ખાનગી ઊર્જા કંપની રિલાયન્સનો આભાર.”

ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં બનશે રિફાઈનરી

નવી રિફાઈનરી ટેક્સાસ રાજ્યના બ્રાઉન્સવિલે બંદર પાસે બનાવવાની યોજના છે. બ્રાઉન્સવિલે ગલ્ફ ઓફ મેક્સિકો પાસે આવેલું એક મહત્વપૂર્ણ ઊર્જા અને શિપિંગ કેન્દ્ર છે. અહીંથી આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલિયમ ઉત્પાદનો મોકલવા માટે અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ વિસ્તારને પસંદ કરવાનો મુખ્ય કારણ છે:

  • ગલ્ફ કિનારે વ્યૂહાત્મક સ્થાન
  • મોટા પાઈપલાઈન નેટવર્ક સાથે જોડાણ
  • અમેરિકાના મુખ્ય તેલ ઉત્પાદક ક્ષેત્રો નજીક
  • નિકાસ માટે અનુકૂળ બંદર

આ કારણોસર બ્રાઉન્સવિલેને ઊર્જા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે.

દરરોજ 160,000 બેરલ ઓઈલનું પ્રોસેસિંગ

અહેવાલો અનુસાર આ નવી રિફાઈનરીમાં દરરોજ લગભગ 160,000 થી 168,000 બેરલ ક્રૂડ ઓઈલ પ્રોસેસ કરવાની ક્ષમતા હશે.આ પ્લાન્ટમાં અમેરિકામાં ઉત્પન્ન થતું ઓઈલપ્રોસેસ કરવામાં આવશે. તેમાંથી નીચેના મુખ્ય ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે:

  • પેટ્રોલ
  • ડીઝલ
  • જેટ ફ્યુઅલ
  • પેટ્રોકેમિકલ ફીડસ્ટોક

આ ઉત્પાદનોમાંથી કેટલાક અમેરિકન બજાર માટે રહેશે જ્યારે મોટા પ્રમાણમાં ઈંધણ વૈશ્વિક બજારમાં નિકાસ કરવામાં આવશે.

“વિશ્વની સૌથી ક્લીન રિફાઈનરી” બનવાનો દાવો

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે આ રિફાઈનરી વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઈનરીઓમાંની એક હશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જે:

  • ઉત્સર્જન ઘટાડશે
  • ઊર્જા કાર્યક્ષમતા વધારશે
  • પર્યાવરણ પર અસર ઘટાડશે

આ કારણે આ પ્રોજેક્ટને આધુનિક અને પર્યાવરણમિત્ર રિફાઈનરી તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.

હજારો રોજગાર સર્જાશે

આ પ્રોજેક્ટથી દક્ષિણ ટેક્સાસના અર્થતંત્રને મોટો ફાયદો થવાની શક્યતા છે. રિફાઈનરીના નિર્માણ દરમિયાન હજારો કામદારોને રોજગાર મળશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી સૈંકડો કાયમી નોકરીઓ પણ ઉભી થશે. આ ઉપરાંત નીચેના ક્ષેત્રોમાં પણ વિકાસ થઈ શકે છે:

  • બાંધકામ ઉદ્યોગ
  • પરિવહન અને લોજિસ્ટિક્સ
  • પોર્ટ સેવાઓ
  • પેટ્રોકેમિકલ ઉદ્યોગ

સ્થાનિક અર્થતંત્ર માટે આ પ્રોજેક્ટ મોટો ગેમ ચેન્જર બની શકે છે.


300 અબજ ડોલર — સાચો ખર્ચ કે આર્થિક અસર?

ટ્રમ્પે આ પ્રોજેક્ટને 300 અબજ ડોલરની ડીલ ગણાવી છે. પરંતુ ઊર્જા નિષ્ણાતો કહે છે કે આ આંકડો સીધો બાંધકામ ખર્ચ દર્શાવતો નથી. આટલી ક્ષમતાવાળી રિફાઈનરી બનાવવા માટે સામાન્ય રીતે અંદાજિત ખર્ચ: 4 થી 7 અબજ ડોલર હોઈ શકે છે. 300 અબજ ડોલરનો આંકડો સંભવિત રીતે લાંબા ગાળાના ઉત્પાદન અને વેપાર મૂલ્ય દર્શાવે છે. અર્થાત વર્ષો સુધી પ્રોસેસ થનારા તેલ અને વેચાતા ઈંધણની કુલ કિંમત.


અગાઉ પણ થઇ હતી જાહેરાત

અહેવાલો મુજબ આ પ્રોજેક્ટની શરૂઆત અગાઉ પણ ચર્ચામાં આવી હતી. જૂન 2024માં Element Fuels નામની કંપનીએ ટેક્સાસમાં નવી રિફાઈનરી બનાવવા અંગે જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી અને દરરોજ લગભગ 160,000 બેરલ ઓઈલ પ્રોસેસિંગ માટેની ક્ષમતાવાળા પ્લાન્ટ માટે પરવાનગીઓ પણ મેળવી લેવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે Element Fuelsની વેબસાઇટ હવે America First Refining ની વેબસાઇટ પર રીડાયરેક્ટ થઈ રહી છે. આથી માનવામાં આવે છે કે પ્રોજેક્ટના વિકાસમાં કંપનીનું નામ અને માળખું બદલવામાં આવ્યું હોઈ શકે છે. ટ્રમ્પે હવે સત્તાવાર રીતે જણાવ્યું છે કે America First Refining આ નવી રિફાઈનરી બનાવશે.