Trendingગુજરાતમુખ્ય સમાચાર

ઉનાનો ચકચારી કેસ: કોર્ટનો મોટો નિર્ણય, 5ને દોષિત ઠેરવ્યા

ગુજરાતને હચમચાવી દેનાર ઉના દલિતકાંડ કેસમાં આખરે 10 વર્ષ પછી મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સેશન કોર્ટએ પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે જ્યારે પુરાવાના અભાવે 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.હવે સૌની નજર કોર્ટના અંતિમ સજા નિર્ણય અને આગળના કાનૂની પગલાં પર રહેશે. આ નિર્ણય સાથે એક જૂના ઘાવ ફરી ચર્ચામાં આવ્યો છે અને સમાજમાં ન્યાય અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે.

શું હતું ઉનાનું દલિતકાંડ?
11 જુલાઈ 2016ના રોજ ગીર સોમનાથ જિલ્લાના મોટા સમાધિયાળા ગામ નજીક બનેલી ઘટનાએ સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાવ્યો હતો. દલિત યુવાનો વશરામ સરવૈયા અને તેમના સગાઓ મરેલી ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા. એ સમયે કેટલાક લોકોએ તેમને ગાય કાપવાનો આરોપ લગાવીને જાહેરમાં બેરહેમીથી માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા અને દલિત સમાજ માટે ન્યાયની માંગ ઉઠી.

વેરાવળની એડિશનલ સેશન જજ જિગ્નેશ પંડ્યાની કોર્ટએ પાંચ આરોપીઓને દોષિત ગણાવ્યા છે.

દોષિત ઠેરવાયેલા આરોપીઓ

  • રમેશ જાદવ
  • રાકેશ જોશી
  • નાગજીભાઈ વાણિયા
  • પ્રમોદગિરિ ગૌસ્વામી
  • બલવંતગિરિ ગૌસ્વામી

આ આરોપીઓને IPCની કલમો 323, 324, 504, 506(2) તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત ઠેરવાયા છે. કોર્ટ દ્વારા સજાની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે.

પોલીસકર્મીઓ અંગે શું થયું?
આ કેસમાં ઉના પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સામે પણ કેસ ચાલતો હતો. તેમાંના એક પોલીસ ઇન્સ્પેક્ટરનું ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું, જ્યારે બાકીના ત્રણને કોર્ટએ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે.

ફરિયાદીનો રોષ અને નિરાશા
કેસના ફરિયાદી વશરામ સરવૈયાએ ચુકાદા અંગે નિરાશા વ્યક્ત કરતા કહ્યું: “આ નિર્ણય અમને દુઃખદ લાગ્યો છે. અમે હાઈકોર્ટમાં અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ લડીશું.” તેમણે જણાવ્યું કે ઘણા આરોપીઓ છૂટી ગયા હોવાથી સંપૂર્ણ ન્યાય મળ્યો નથી.

ઉનાની આ ઘટના માત્ર એક ફોજદારી કેસ નથી; તે સમાજમાં સમાનતા, માનવ અધિકાર અને દલિતો પર થતા અત્યાચાર વિશેનો મોટો પ્રશ્ન છે.દસ વર્ષ બાદ આવેલા આ ચુકાદા છતાં પીડિતો માટે ન્યાયની લડત હજી પૂર્ણ થઈ નથી.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.