અમદાવાદમાં મતદારોમાં મોટો ઘટાડો, ચૂંટણી સમીકરણ બદલાયા
Ahmedabad 25 March 2026: અમદાવાદ શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ રાજકીય વાતાવરણમાં ઉથલપાથલ મચી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ પ્રાથમિક મતદાર યાદી મુજબ શહેરમાં મતદારોની સંખ્યામાં આશરે 8.34 લાખનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે રાજકીય પક્ષોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.વર્ષ 2026 માટેની ડ્રાફ્ટ મતદાર યાદી મુજબ અમદાવાદમાં કુલ 38,00,507 મતદારો નોંધાયા છે, જ્યારે વર્ષ 2021માં આ સંખ્યા 46,24,638 હતી. નોંધનીય છે કે હાલની સંખ્યા વર્ષ 2015ના 38,79,771 મતદારો કરતા પણ ઓછી છે. સૂત્રો મુજબ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) તથા વ્યાપક ચકાસણી પ્રક્રિયાને કારણે મોટી સંખ્યામાં નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
શહેરના 48 વોર્ડમાંથી 45 વોર્ડમાં મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને નવરંગપુરા વોર્ડ સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાંથી 29,939 મતદારોના નામો કાઢી નાખવામાં આવ્યા છે. બીજી તરફ નિકોલ વોર્ડમાં 3,902 નવા મતદારો ઉમેરાયા છે. ચાંદખેડા અને મક્તમપુરા જેવા વિસ્તારોમાં પણ થોડો વધારો નોંધાયો છે. મહત્વપૂર્ણ વાત એ છે કે શહેરના 24 વોર્ડમાં 20,000થી વધુ મતદારો ઘટ્યા છે. સામાન્ય રીતે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં 5,000થી 20,000 મતોના અંતરથી જીત-હાર નક્કી થતી હોય છે, ત્યારે આ ઘટાડો ચૂંટણીના પરિણામોને અસરકારક રીતે બદલી શકે છે.
ચૂંટણી પ્રક્રિયામાં પણ આ સુધારાને કારણે વિલંબ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટાયેલી પાંખની મુદત 9 માર્ચે પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. હાલ શહેરનો વહીવટ વહીવટદાર સંભાળી રહ્યા છે.રાજ્ય સ્તરે પણ ચૂંટણીની તૈયારી તેજ બની રહી છે. ગુજરાત માં 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટેની ચૂંટણી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. પ્રાથમિક મતદાર યાદી પર 27 માર્ચ સુધી દાવા-આપત્તિઓ સ્વીકારવામાં આવશે, ત્યારબાદ અંતિમ યાદી જાહેર થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક જિલ્લાઓમાં ડિલિમિટેશન સંબંધિત મુદ્દાઓને કારણે ચૂંટણી કાર્યક્રમમાં વિલંબ થયો હતો. હવે અંતિમ મતદાર યાદી જાહેર થયા પછી રાજકીય પક્ષો નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરશે.આ રીતે મતદારોની સંખ્યામાં થયેલો મોટો ઘટાડો અમદાવાદની આવનારી ચૂંટણીને વધુ રસપ્રદ અને અનિશ્ચિત બનાવી રહ્યો છે.
