ચૂંટણીના કારણે સરકારી પરીક્ષાઓની તારીખ બદલાઈ
Ahmedabad, Guajrat 02 April, 2026: રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઓફિશિયલ જાહેરાત કરી છે. રાજ્યના 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી 26 એપ્રિલ, 2026ના રોજ એક જ તબક્કામાં યોજાશે. જ્યારે પરિણામો 28 એપ્રિલને જાહેર કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. .રાજ્ય જાહેર સેવા આયોગ (GPSC) અને TATની પરીક્ષા તારીખ બદલાઈ.
આ ચૂંટણીનો અસર અન્ય મહત્વપૂર્ણ પરીક્ષાઓ પર પણ પડી રહી છે. રાજ્ય જાહેર સેવા આયોગ (GPSC)દ્વારા અગાઉ જાહેર કરાયેલા 10 જાહેરાતોની પ્રાથમિક કસોટી (સંબંધિત વિષય)ની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આયોગે જણાવ્યું કે, પૂર્વમાં 26 એપ્રિલ, 2026ના રોજ યોજાવાનું નક્કી કરાયેલા પરીક્ષાઓને રાજ્ય ચૂંટણી પંચની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને ધ્યાનમાં રાખી નવી તારીખ 3 મે, 2026 નિર્ધારિત કરવામાં આવી છે.
આ 10 પરીક્ષાઓમાં ઇન્સ્પેક્ટર ઓફ ઇન્સ્પેક્શન, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ/બાંધકામ), મદદનીશ ઇજનેર અને અધિક સીટી ઇજનેર સહિત વર્ગ-૧ અને વર્ગ-૨ની મહત્વપૂર્ણ જગ્યાઓનો સમાવેશ થાય છે. તમામ પદોની પ્રાથમિક કસોટી હવે 3 મે, 2026, સવારે 11:00 થી 1:00 કલાક સુધી યોજાશે.

તે ઉપરાંત, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાવાનારી શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – 2026 (TAT) પણ પ્રથમ 26 એપ્રિલ, 2026ના રોજ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, હવે ચૂંટણીને કારણે આ પરીક્ષા પણ 3 મે, 2026ના રોજ લેવામાં આવશે તેવી માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

