DFCથી ગુજરાતને મળ્યો વૈશ્વિક ફાયદો
ભારતની આર્થિક ધમની બનતો પશ્ચિમ DFC; વડોદરા કેન્દ્રસ્થાને
22 June 2026 Gujarat Updates Team: ગુજરાત હંમેશા વેપાર, ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં દેશને દિશા બતાવતું રાજ્ય રહ્યું છે. હવે વડોદરા જિલ્લાના વરણામા ખાતે કાર્યરત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) રાજ્યના વિકાસમાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરતો જોવા મળી રહ્યો છે. આગામી 29 અને 30 જૂને વડોદરા ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલાં વરણામા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) દેશના પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે કેવી ક્રાંતિ લાવી રહ્યો છે તેની ચર્ચા વિશેષ મહત્વ ધરાવે છે.
ભારતીય રેલવેના પરંપરાગત ટ્રેક પર વર્ષો સુધી મુસાફરો અને માલપરિવહન બંનેનો ભારે બોજ રહ્યો હતો. પરિણામે માલગાડીઓની સરેરાશ ઝડપ માત્ર 25 કિમી પ્રતિ કલાક જેટલી રહી જતી હતી. માલગાડીઓને વારંવાર પેસેન્જર ટ્રેનોને માર્ગ આપવા માટે રોકાવું પડતું હોવાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થતો હતો. આ પડકારને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું વિઝન અમલમાં મૂક્યું, જે આજે દેશના લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યું છે. પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) (Western DFC) દાદરી – NCR થી જવાહરલાલ નેહરુ પોર્ટ JNPT , Mumbai સુધી લગભગ 1,500 કિમી લાંબો વિશિષ્ટ માલપરિવહન માર્ગ છે, જેમાં વડોદરા અને વરણામા મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભર્યા છે.
વડોદરા જિલ્લાના લગભગ 30 ગામોમાંથી પસાર થતો આ કોરિડોર મધ્ય ગુજરાતને નવા ઔદ્યોગિક અને વેપારી યુગમાં લઈ જઈ રહ્યો છે. હાલમાં વડોદરા-મુંબઈ રૂટ પર દરરોજ 50થી 70 માલગાડીઓ દોડી રહી છે. આગામી મહિનાઓમાં મોટાભાગની માલગાડીઓને સંપૂર્ણપણે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) ટ્રેક પર ખસેડવાની યોજના છે. ત્યારબાદ આ રૂટ પર દરરોજ 110થી 140 જેટલી માલગાડીઓ દોડશે. આ બદલાવ માત્ર ક્ષમતા વધારવાનો નથી, પરંતુ સમગ્ર રેલવે વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ છે.
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) શરૂ થયા પછી માલગાડીઓની સરેરાશ ઝડપ 25-26 કિમી પ્રતિ કલાકથી વધીને 60થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. ભવિષ્યમાં તેને 100 કિમી પ્રતિ કલાક સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. વિશ્વસ્તરીય ડબલ લાઇન, ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક, આધુનિક સિગ્નલિંગ અને 32.5 ટન સુધીના એક્સલ લોડની ક્ષમતાને કારણે આ શક્ય બન્યું છે.
આ પરિવર્તનનો સૌથી મોટો લાભ કૃષિ અને ડેરી ક્ષેત્રને મળ્યો છે. મહેસાણાથી દિલ્હી સુધી દૂધના ટેન્કરો પહોંચાડવાનો સમય અગાઉ આશરે 17 કલાક હતો, જે હવે માત્ર 7 કલાક સુધી સીમિત રહ્યો છે. એટલે કે પરિવહન સમયમાં આશરે 60 ટકા ઘટાડો નોંધાયો છે. પરિણામે દૂધ અને અન્ય નાશવંત ઉત્પાદનો વધુ તાજગી સાથે બજારમાં પહોંચે છે અને ઉત્પાદકોને વધુ સારો ભાવ મળે છે.
ગુજરાત રાજ્યમાં પશ્ચિમ સમર્પિત માલવાહક કોરિડોર (WDFC) નો આશરે 560 કિમી (38%) ભાગ આવેલો છે, જે ઉત્તર ભારતને પશ્ચિમ બંદરો સાથે જોડે છે. આ કોરિડોર દાદરી (ઉત્તર પ્રદેશ) થી જેએનપીટી (મુંબઈ નજીક) સુધી વિસ્તરેલો છે, જેના કારણે માલ પરિવહનનો સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ માર્ગ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જેવા મુખ્ય જિલ્લાઓમાંથી પસાર થાય છે. પાલનપુર, મહેસાણા અને સાણંદ મુખ્ય જંક્શન તરીકે કાર્ય કરે છે, જે સૌરાષ્ટ્ર, કચ્છ અને પાટણ વિસ્તારને સરળ માલવહન સુવિધા પૂરી પાડે છે.
WDFC દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (DMIC) નો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન સહિત છ મોટા ઔદ્યોગિક કેન્દ્રો આ કોરિડોર સાથે જોડાયેલા છે. નવા ફ્રેઇટ ટર્મિનલ, ઇનલૅન્ડ કન્ટેનર ડિપો (ICD) અને મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્કોના વિકાસથી ગુજરાત વૈશ્વિક ઉત્પાદન અને લોજિસ્ટિક હબ તરીકે વિકસી રહ્યું છે. આ કોરિડોરમાં આધુનિક કમ્પ્યુટરાઈઝ્ડ નિયંત્રણ પ્રણાલી અને ઉચ્ચ ક્ષમતાવાળી માલગાડીઓ ચલાવવામાં આવે છે. ઉપરાંત, રો-રો (Roll-on/Roll-off) સેવા દ્વારા ભરેલા ટ્રકોને સીધા રેલવે વેગનો પર લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે, જે ઇંધણ અને સમય બંનેની બચત કરે છે.
ગુજરાતના નિકાસકારો માટે પણ DFC આશીર્વાદરૂપ સાબિત થયો છે. મુંબઈ ઉપરાંત મુન્દ્રા, પીપાવાવ અને કંડલા જેવા મહત્વપૂર્ણ બંદરો સાથેની ઝડપી રેલ કનેક્ટિવિટીના કારણે નિકાસ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે. ખાસ કરીને પીપાવાવ બંદર પશ્ચિમ DFC સાથે સીધું જોડાયેલું હોવાથી કન્ટેનર ટ્રાફિકની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ જ્યાં નેશનલ કેપિટલ રીજનથી પીપાવાવ સુધી કન્ટેનર પહોંચવામાં લગભગ 73 કલાક લાગતા હતા, ત્યાં હવે સમય ઘટીને આશરે 36 કલાક સુધી આવી ગયો છે.
વરણામા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) નો એક મહત્વપૂર્ણ ફાયદો એ છે કે પરંપરાગત ટ્રેક હવે માલગાડીઓના ભારે બોજથી મુક્ત થઈ રહ્યા છે. માલપરિવહન DFC તરફ ખસતાં પેસેન્જર ટ્રેનો માટે વધુ ટ્રેક ક્ષમતા ઉપલબ્ધ બની રહી છે. નિષ્ણાતોના મતે આ કારણે ભવિષ્યમાં વધુ પેસેન્જર ટ્રેનો શરૂ કરી શકાશે, તેમની સમયપાલન ક્ષમતા સુધરશે અને સરેરાશ ઝડપમાં પણ વધારો થશે.
આર્થિક દૃષ્ટિએ જોવામાં આવે તો DFC દેશના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રેલવે દ્વારા માલપરિવહનનો ખર્ચ માર્ગ પરિવહન કરતાં ઘણો ઓછો છે. ઝડપી ગતિ, ઓછો ટ્રાન્ઝિટ સમય અને વધુ વહન ક્ષમતાને કારણે ઉદ્યોગો માટે સપ્લાય ચેઇન વધુ સ્પર્ધાત્મક બની રહી છે. દેશના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરીને ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને નિકાસ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે.
પર્યાવરણીય દૃષ્ટિએ પણ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) અત્યંત મહત્વનો સાબિત થઈ રહ્યો છે. મોટી માત્રામાં માલસામાન માર્ગ પરિવહનમાંથી રેલવે તરફ ખસતાં ડીઝલ ટ્રકોની સંખ્યા ઘટી રહી છે. પરિણામે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, ઇંધણ બચત અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો જેવા લાભો પ્રાપ્ત થઈ રહ્યા છે. વિવિધ અભ્યાસો મુજબ આગામી દાયકાઓમાં લાખો ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં DFC મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પૂર્વસંધ્યાએ વરણામા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) ગુજરાતની વિકાસયાત્રાનું જીવંત પ્રતિક બનીને ઉભર્યો છે. આ પ્રોજેક્ટ માત્ર રેલવેનો વિકાસ નથી, પરંતુ વેપાર, ઉદ્યોગ, કૃષિ, નિકાસ, રોજગારી અને પર્યાવરણ સહિત અનેક ક્ષેત્રોને સ્પર્શતો સર્વાંગી વિકાસનો મોડેલ છે. મધ્ય ગુજરાતને ‘લોજિસ્ટિક્સ પાવરહાઉસ’ બનાવવામાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) ની ભૂમિકા આગામી વર્ષોમાં વધુ મહત્વપૂર્ણ બનશે તેમાં કોઈ શંકા નથી.
આ પરિવહન ક્રાંતિ હવે સમગ્ર ગુજરાત અને દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપી રહી છે. વિકાસના સુપરફાસ્ટ ટ્રેક પર દોડી રહેલું ગુજરાત આજે ફરી એકવાર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
