ભારતમુખ્ય સમાચાર

લખનૌ અગ્નિકાંડ

15નાં મોત, અનેક ઘાયલ; કોચિંગ સેન્ટરમાં મચી ચીસોચીસ

22 June 2026 Gujarat Updates Team: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલિગંજ વિસ્તારમાં સોમવારે બનેલી ભયાનક આગની દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે. એક વ્યાવસાયિક ઇમારતમાં અચાનક ભડકેલી આગમાં 15 લોકોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અલિગંજ વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારતમાં કોચિંગ સેન્ટર, લાઇબ્રેરી, ગેમિંગ ઝોન અને અન્ય વ્યાવસાયિક એકમો કાર્યરત હતા. બપોર દરમિયાન ઇમારતમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ઝડપથી ફેલાતા અંદર હાજર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ બહાર નીકળવા માટે સંઘર્ષ કરવા લાગ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અનેક વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીઓ અને ગેલેરીઓ તરફ દોડી ગયા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ આગ અને ધુમાડાથી બચવા માટે ઉપરના માળેથી છલાંગ પણ લગાવી હતી. ઘટનાના હૃદયદ્રાવક દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર દેશનું ધ્યાન આ દુર્ઘટના તરફ ખેંચાયું છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો, પોલીસ દળ અને રાહત-બચાવ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કલાકો સુધી ચાલેલી બચાવ કામગીરી દરમિયાન અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝેલા અને ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્તર પ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે તેમજ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

પ્રાથમિક તપાસમાં આગનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે અધિકૃત રીતે હજુ કોઈ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. ફાયર વિભાગ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઇમારતમાં ફાયર સેફ્ટી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં અને ઇમરજન્સી એક્ઝિટ જેવી સુવિધાઓ પૂરતી હતી કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર કોચિંગ સેન્ટરો, લાઇબ્રેરીઓ અને વ્યાવસાયિક ઇમારતોમાં ફાયર સેફ્ટીના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. નિષ્ણાતોનું માનવું છે કે નિયમિત ફાયર ઓડિટ, ઇમરજન્સી ડ્રિલ અને સુરક્ષા સાધનોની ફરજિયાત ઉપલબ્ધતા વિના આવી દુર્ઘટનાઓને રોકવી મુશ્કેલ છે.

મોદી સહીત નેતાઓએ લખનૌમાં થયેલી દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. CM યોગી આદિત્યનાથે આ ઘટના પર તાત્લાકિક રિપોર્ટ માંગ્યો છે.

લખનૌના આ અગ્નિકાંડમાં અનેક પરિવારોના સપનાઓ ભસ્મીભૂત થઈ ગયા છે. પોતાના સંતાનોને ગુમાવનાર પરિવારોના આક્રંદથી સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયો છે. હવે લોકો સરકાર પાસેથી જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.