Trendingઅમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

સુસાઇડ નોટે ખોલ્યા ભેદ: પિતા-દાદા સહિત 4 સામે કેસ નોંધાયો

અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી એક અત્યંત સંવેદનશીલ અને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. 17 વર્ષીય વિદ્યાર્થી આરવ સમીર બારોટે પરિવારજનો તરફથી મળતા સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત લાવ્યો છે. આ બનાવે સ્થાનિકોમાં ભારે ચકચાર મચાવી છે અને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટનાસ્થળે તપાસ દરમિયાન પોલીસે બેડની નીચે છુપાવેલી ત્રણ પાનાની અંગ્રેજીમાં લખાયેલી સુસાઇડ નોટ મળી આવી છે. આ નોટમાં આરવે પોતાના પિતા સમીર બારોટ, દાદા કાંતીલાલ બારોટ, દાદી સરિલાબેન બારોટ અને ફોઈ અંજલી બારોટ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ આધારે પોલીસે ચારેય સામે આપઘાત માટે ઉશ્કેરણીનો ગુનો નોંધ્યો છે.

ઘરનું વાતાવરણ બન્યું અસહ્ય
આરવ તેની માતા હેતલબેન બારોટ, પિતા સમીર બારોટ અને નાની બહેન સાથે છેલ્લા સાત મહિનાથી રાણીપ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો અને તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઓળખાતો હતો. પરંતુ ઘરના વાતાવરણને કારણે તેની માનસિક સ્થિતિ સતત બગડતી જતી હતી. માતાની ફરિયાદ અનુસાર, સમીર બારોટને દારૂ પીવાની લત હતી અને તેઓ રોજ નશાની હાલતમાં ઘરે આવી પત્ની અને દીકરાને મારતા હતા. આરવ ઘણી વખત આ બાબતે પોતાના દાદા-દાદી અને ફોઈને કહતો, પરંતુ તેમને સમજાવવાને બદલે તેઓ સમીર બારોટનું જ સમર્થન કરતા હતા.માત્ર એટલું જ નહીં, પરંતુ પરિવારજનો દ્વારા આરવ અને તેની માતાને અપમાનજનક શબ્દો બોલવામાં આવતા હતા, જે તેની પર માનસિક દબાણ વધારતા હતા.

ભયમાં જીવતો કિશોર
હેતલબેનના જણાવ્યા મુજબ, એક વખત સમીર બારોટ પોતાના દીકરાને મારવા માટે શાળાની બહાર ચપ્પુ લઈને પહોંચ્યા હતા. આ ઘટનાએ આરવને અંદરથી હચમચાવી દીધો હતો. ત્યારથી તે સતત ડર અને ચિંતામાં રહેતો હતો.આ પરિસ્થિતિમાં આરવ માટે ઘર સુરક્ષિત જગ્યા ન રહી, પરંતુ ભય અને તણાવનું કેન્દ્ર બની ગયું હતું.

એકલતા બની ઘાતક
ઘટનાના થોડા દિવસો પહેલા હેતલબેન પોતાની દીકરી સાથે નરોડા ખાતે બહેનના ઘરે ગયા હતા. આરવ ટ્યુશનના કારણે ઘરે એકલો રહ્યો હતો. 11 માર્ચના રોજ સવારે તેણે માતાને ફોન કરીને કહ્યું હતું કે તે આરામ કરી રહ્યો છે. પરંતુ ત્યારબાદ તેનો ફોન બંધ મળ્યો.વારંવાર સંપર્ક ન થતા માતાએ પડોશીઓને જાણ કરી.પડોશીઓએ બારીમાંથી અંદર જોયું ત્યારે આરવ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.

અંતિમ ચિઠ્ઠીનો ખુલાસો
પોલીસને મળેલી સુસાઇડ નોટમાં આરવે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેણે સ્પષ્ટ લખ્યું હતું કે પરિવારજનો દ્વારા મળતા સતત અપમાન અને ત્રાસને કારણે તે જીવવાનું ઇચ્છતો નથી.આ નોટ હાલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે, જેથી તેની સાચાશની પુષ્ટિ થઈ શકે.

કાયદેસરની કાર્યવાહી શરૂ
આ મામલે હેતલબેન બારોટે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમીર બારોટ, કાંતીલાલ બારોટ, સરિલાબેન બારોટ અને અંજલી બારોટ સામે આપઘાત માટે પ્રેરણા આપવાના ગુનામાં કેસ નોંધ્યો છે. માતા દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, પિતા દારૂના નશામાં ઘરે આવી વારંવાર મારઝૂડ કરતા હતા. જ્યારે આ બાબત દાદા-દાદી અને ફોઈને જણાવવામાં આવતી, ત્યારે તેઓએ સહાનુભૂતિ બતાવવાને બદલે “તું મરી જાય તો સારું” જેવા અપમાનજનક શબ્દો વડે વધુ ત્રાસ આપ્યો હતો.પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.