કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારમાં આવેલા પાંચકુવા રેવડી બજારમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો છે. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ પળોમાં અનેક દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. શરૂઆતમાં 5-6 દુકાનોમાં લાગી આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું અને હાલમાં 30થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હોવાની માહિતી સામે આવી રહી છે. ખાસ કરીને સિંધી માર્કેટ વિસ્તારમાં 15થી વધુ દુકાનો સળગી ઉઠતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.આગને કારણે આખા વિસ્તારમાં ઘેરો ધુમાડો છવાઈ ગયો છે, જેના કારણે આસપાસના રસ્તાઓ પર અવરજવર પ્રભાવિત થઈ છે. લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે અને પોલીસ દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.
આગની જાણ થતા જ ફાયર કંટ્રોલ રૂમ હરકતમાં આવ્યો હતો અને તાત્કાલિક 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે. ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.રેવડી બજાર કાપડના મોટા વેપાર માટે જાણીતું હોવાથી દુકાનોમાં ભારે પ્રમાણમાં માલ સંગ્રહિત હતો. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, જે રાહતની બાબત છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ અજાણ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
