સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં રહેવાની સગવડ
Ahmedabad Gujarat 27 March 2026: અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાઓ માટે એક મહત્વપૂર્ણ અને માનવતાવાદી પહેલ રૂપે અદ્યતન ‘રેન બસેરા’ (શેલ્ટર હોમ) સુવિધા તૈયાર કરવામાં આવી છે. દરરોજ ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાંથી હજારો દર્દીઓ સારવાર માટે અહીં પહોંચે છે, ત્યારે તેમની સાથે આવેલા સગાઓને રહેવા માટે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો છે. આશરે ₹60 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ આઠ માળની ઈમારત ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ ‘રેન બસેરા’ (શેલ્ટર હોમ) નું મુખ્ય ઉદ્દેશ દર્દીઓના સગાઓને સુરક્ષિત, સ્વચ્છ અને સસ્તું રહેઠાણ પૂરું પાડવાનું છે. અત્યાર સુધીમાં ઘણા લોકો હોસ્પિટલના બહારના ફૂટપાથ પર કે ખુલ્લી જગ્યાઓમાં રહેવા મજબૂર બનતા હતા. હવે આ નવી સુવિધા તેમના માટે રાહતરૂપ સાબિત થશે.
ક્ષમતા
આ આઠ માળની ઇમારત ત્રણ બ્લોક—A, B અને C—માં વહેંચાયેલ છે. કુલ મળીને અહીં 858 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. બ્લોક Aમાં લગભગ 480 લોકો માટે વ્યવસ્થા છે, જેમાં દરેક માળ પર 10 પાર્ટિશન અને દરેક પાર્ટિશનમાં 6 બેડ છે. બ્લોક Bમાં 288 લોકો માટે જગ્યા છે, જ્યારે બ્લોક Cમાં 90 લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે સમગ્ર સંકુલમાં એક સાથે મોટી સંખ્યામાં લોકો માટે રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.ખાસ વાત એ છે કે અહીં 44 ફેમિલી રૂમ પણ બનાવવામાં આવ્યા છે, જેથી પરિવાર સાથે આવેલા લોકો વધુ આરામદાયક રીતે રહી શકે. આ વ્યવસ્થા લાંબા સમય સુધી સારવાર માટે આવેલા દર્દીઓના સગાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ
‘રેન બસેરા’(શેલ્ટર હોમ) માં દરેક પાર્ટિશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દરેક બેડ સાથે વ્યક્તિગત લોકર આપવામાં આવ્યું છે, જેથી સગાઓ પોતાનો સામાન સુરક્ષિત રાખી શકે. બેડની બાજુમાં ચાર્જિંગ પોઈન્ટ, લાઈટ અને પંખાની સુવિધા ઉપલબ્ધ છે, જે રોજિંદા જીવનને સરળ બનાવે છે.દરેક માળ પર સ્વચ્છતા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પુરુષો અને મહિલાઓ માટે અલગ ટોયલેટ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, દરેક માળ પર ત્રણ બાથરૂમ અને ત્રણ શૌચાલય છે. ગરમ પાણી માટે ગીઝર અને પીવાના પાણી માટે કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી રહેતા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.
વિશાળ ડાઈનિંગ હોલ
આ સંકુલના ગ્રાઉન્ડ ફ્લોર પર એક વિશાળ ડાઈનિંગ હોલ બનાવવામાં આવ્યો છે, જેમાં એકસાથે લગભગ 300 લોકો ભોજન કરી શકે છે. અહીં ટેબલ-ખુરશીઓ અને વોશિંગ એરિયાની પણ વ્યવસ્થા છે. આ સુવિધા ખાસ કરીને બહારથી આવેલા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે તેઓને ભોજન માટે અલગથી સ્થળ શોધવાની જરૂર નહીં રહે.
વધારાની સુવિધાઓ
‘રેન બસેરા’(શેલ્ટર હોમ)માં ચાર દુકાનો પણ બનાવવામાં આવી છે, જેથી રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ સરળતાથી મળી રહે. આ ઉપરાંત, પાર્કિંગ અને અલગ પ્રવેશ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી લોકો સરળતાથી આવી-જઈ શકે.
કોને મળશે લાભ?
આ સુવિધાનો લાભ માત્ર હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓને મળશે. રહેવા માટે તેમને દર્દીની દાખલાની પુરાવા તરીકે દસ્તાવેજ બતાવવા પડશે. આથી સુવિધાનો યોગ્ય ઉપયોગ થાય અને જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિકતા મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ દર્દીઓ આવે છે. લાંબા સમય સુધી સારવાર માટે આવતા દર્દીઓ સાથે તેમના સગાઓને પણ રહેવાની જરૂર પડતી હોય છે. આ પરિસ્થિતિમાં ‘રેન બસેરા’ તેમની માટે એક આશીર્વાદ સમાન બની રહેશે.
ભાડું કેટલું રહેશે?
હાલમાં આ સુવિધા માટે કેટલું ભાડું લેવામાં આવશે તે અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી.વધારે માહિતી માટે સિવિલ હોસ્પિટલ ના હેલ્પડેસ્ક નો સંપર્ક કરવો.
