સાબરમતી ખાલી થશે!
Ahmedabad, Gujarat 04 April, 2025 Gujarat Updates Team : અમદાવાદ શહેર માટે મહત્વપૂર્ણ ગણાતી સાબરમતી નદી પર ૧૫ એપ્રિલથી મહત્વપૂર્ણ કામગીરી શરૂ થવા જઈ રહી છે. વાસણા બેરેજના ૩૦ દરવાજામાંથી ૧૮ દરવાજાઓના રિપેરિંગ અને બદલાવ માટે નદીનું પાણી આંશિક રીતે ખાલી કરવામાં આવશે. મ્યુનિસિપલ સત્તાધીશો દ્વારા ગેટ રિપેરિંગનું કામ ૧૫ એપ્રિલથી શરૂ કરી ૬૦ દિવસમાં પૂર્ણ કરવાની યોજના છે. કારણ કે દર વર્ષે લગભગ ૧૫ જૂન આસપાસ ચોમાસું શરૂ થઈ જાય છે, જેના કારણે તે બાદ આવી કામગીરી નિયમ મુજબ કરી શકાતી નથી. આ કામ માટે અંદાજે ₹૯ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા પહેલાથી જ ૬ ગેટ સાઇટ પર ઉતારી દેવામાં આવ્યા છે, બેરેજના ૧૮ દરવાજા રિપેર કરનાર કોન્ટ્રાક્ટરે ૬ દરવાજા સ્થળ પર ઉતારી દીધા છે,જ્યારે બાકી સામાન ૧૦ એપ્રિલ પછી લાવવામાં આવશે.
નદી ખાલી કરવા માટે ૧૨ થી ૧૫ એપ્રિલ દરમિયાન ૯૦ લાખથી ૧ કરોડ લીટર પાણી downstream છોડવામાં આવશે. મૂળ આયોજન મુજબ નદી ૧ એપ્રિલે ખાલી થવાની હતી, પરંતુ ફતેહવાડી વિસ્તારના ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને સમયમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.જ્યારે નદીનું પટ્ટું ખુલ્લું રહેશે, ત્યારે ૨ થી ૩ કિમી વિસ્તારના રહેવાસીઓને દુર્ગંધ અને અન્ય અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને આ વખતે મોટા પાયે નદી સફાઈ અભિયાન હાથ ધરવાની શક્યતા ઓછી છે.
સુભાષ બ્રિજના કામમાં વિલંબ
આ સાથે સુભાષ બ્રિજ ના તૂટેલા સ્પાનનું રિપેરિંગ કામ પણ શરૂ થવાનું હતું. પરંતુ નદી ખાલી કરવાની તારીખ આગળ ધપતાં હવે આ કામગીરીમાં વિલંબ થશે.
