વિનેશ ફોગાટે શું મોટો ખુલાસો કર્યો ?
વિનેશ ફોગાટનો મોટો ખુલાસો: “હું પણ છ પીડિતોમાંની એક છું”
New Delhi , 03 May 2026 Gujarat Updates Team : ભારતીય કુસ્તી જગતમાં ફરી એકવાર ભારે ખળભળાટ મચી ગયો છે. ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટએ એક ભાવુક વિડિયો સંદેશ દ્વારા પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ તે છ મહિલા કુસ્તીબાજોમાંની એક છે જેમણે પૂર્વ ભારતીય કુસ્તી સંઘ (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા.
વિનેશે જણાવ્યું કે કેસ હાલ અદાલતમાં ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ અનુસાર પીડિતોની ઓળખ ગુપ્ત રાખવાની હતી. છતાં હાલની પરિસ્થિતિઓ અને પોતાના ખેલકૂદ કારકિર્દી પર પડતા પ્રભાવને કારણે તેમણે હવે પોતાની ઓળખ જાહેર કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું.વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો કે આવનારી 2026 એશિયન ગેમ્સ માટેના ટ્રાયલ્સ ઉત્તર પ્રદેશના ગોંડામાં આયોજિત કરવામાં આવી રહ્યા છે, જે બ્રિજભૂષણ શરણ સિંહનો પ્રભાવ વિસ્તાર માનવામાં આવે છે. તેમણે કહ્યું કે ખાનગી કોલેજમાં મેચો યોજાવાથી નિષ્પક્ષ પસંદગી પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન ઉભા થાય છે.
તેમના મુજબ, “રેફરીની પસંદગીથી લઈને સ્કોરિંગ સુધી અનેક બાબતો પર પ્રભાવ પાડવામાં આવી શકે છે,” જે ખેલાડીઓ માટે યોગ્ય વાતાવરણ નથી.
જૂનો વિવાદ ફરી સપાટી પર
આ સમગ્ર મુદ્દો 2023માં ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો હતો જ્યારે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિતના ટોચના કુસ્તીબાજોએ દિલ્હીના જંતર મંતર પર લાંબા સમય સુધી ધરણાં કર્યા હતા. આંદોલન દરમિયાન પોલીસ કાર્યવાહીને લઈને પણ ભારે ટીકા થઈ હતી, અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ પણ ચિંતા વ્યક્ત કરી હતી.
બ્રિજભૂષણ શરણ સિંહે તમામ આરોપોને સતત નકાર્યા છે. કેટલાક કેસોમાં તેમને રાહત મળી છે, પરંતુ મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડન અને પીછો કરવાના ગંભીર આરોપો પરની સુનાવણી હજી પણ ચાલુ છે.
વિનેશના આ તાજેતરના નિવેદન બાદ ભારતીય રમતગમત ક્ષેત્રમાં ફરી એકવાર પારદર્શિતા, શાસન અને ખેલાડીઓની સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા તેજ બની છે. હવે નજર કાયદાકીય પ્રક્રિયા અને રમતગમત સંસ્થાઓની આગળની કાર્યવાહી પર છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
