ભારતમુખ્ય સમાચાર

NEET UG 2026 પેપર લીક વિવાદ બાદ NTAનો મોટો નિર્ણય

લાખો વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપશે : પેપર લીક વિવાદ બાદ NTAનો મોટો નિર્ણય, NEET UG 2026 કેન્સલ

12 May 2026 Gujarat Updates Team: દેશની સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા ગણાતી NEET UG 2026ને લઈને દેશભરમાં મોટો હંગામો મચ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવેલી 3 મે 2026ની NEET UG 2026 પરીક્ષા હવે સત્તાવાર રીતે રદ્દ કરવામાં આવી છે. પેપર લીક અને ગેરરીતિઓના ગંભીર આરોપો બાદ કેન્દ્ર સરકારની મંજૂરી સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

23લાખ જેટલા વિદ્યાર્થીઓ NEET UG 2026 પરીક્ષા આપી હતી હવે તમામ ને ફરીથી પરીક્ષા આપવી પડેશે.આ નિર્ણય બાદ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ઘણા વિદ્યાર્થીઓએ વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષા આપી હતી, પરંતુ હવે તેમને ફરીથી પરીક્ષા આપવાની તૈયારી કરવી પડશે. NTAએ જણાવ્યું છે કે પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

શું છે આખો વિવાદ?
તાજેતરમાં રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં NEET UG 2026ના પ્રશ્નપત્ર લીક થવાના આરોપો સામે આવ્યા હતા. તપાસ એજન્સીઓને મળેલા પ્રાથમિક પુરાવાઓમાં એવી માહિતી મળી કે કેટલાક “મોક ટેસ્ટ” પેપરમાં 120જેટલા પ્રશ્નો મૂળ પરીક્ષા સાથે મેળ ખાતા હતા. આ પછી રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન અનેક રાજ્યોમાં ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ ચેનલ્સ પર પ્રશ્નપત્ર વેચાતું હોવાના દાવાઓ બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે શરૂઆતમાં NTAએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને પરીક્ષા સંપૂર્ણ સુરક્ષા સાથે લેવાઈ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ બાદમાં કેન્દ્રિય એજન્સીઓ અને કાયદા અમલવારી વિભાગો પાસેથી મળેલી માહિતીના આધારે સરકાર અને NTAએ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ
પરીક્ષા રદ્દ થવાના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓની પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓએ લખ્યું કે તેઓ ફરીથી આખી તૈયારી કરવાની માનસિક સ્થિતિમાં નથી. કેટલાક વિદ્યાર્થીઓએ વર્ષો સુધી “ડ્રોપ” લઈને તૈયારી કરી હતી. હવે ફરી પરીક્ષા આપવાની ફરજ પડતા તેઓ નિરાશા અનુભવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ NTAની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. “દર વર્ષે કોઈ ને કોઈ પરીક્ષા વિવાદમાં કેમ ફસાય છે?” એવો સવાલ સોશિયલ મીડિયા પર સતત ઉઠી રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષા વધારવાની માંગ કરી છે.

NTAએ શું કહ્યું?
NTA દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષાની વિશ્વસનીયતા અને પારદર્શિતા જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે. એજન્સીએ જણાવ્યું કે તપાસ દરમિયાન મળેલા ઇનપુટ્સ અને કાયદા અમલવારી વિભાગોની માહિતીના આધારે હાલની પરીક્ષા પ્રક્રિયા યથાવત રાખવી યોગ્ય નહોતી. NTAએ વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવાની સલાહ પણ આપી છે અને માત્ર સત્તાવાર વેબસાઇટ તથા અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી જ માહિતી મેળવવા જણાવ્યું છે.

ફરી પરીક્ષા ક્યારે?
હાલ સુધી નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ શિક્ષણ મંત્રાલય અને NTA તરફથી ટૂંક સમયમાં નવી સમયસૂચિ જાહેર થવાની શક્યતા છે. રી-એગ્ઝામ માટે નવા એડમિટ કાર્ડ પણ બહાર પાડવામાં આવી શકે છે. શૈક્ષણિક નિષ્ણાતોના મતે, ફરી પરીક્ષા લેવાની પ્રક્રિયા કાઉન્સેલિંગ અને MBBS પ્રવેશ પ્રક્રિયામાં મોડું પાડી શકે છે. દેશભરના મેડિકલ કોલેજોના શૈક્ષણિક કેલેન્ડર પર પણ તેની અસર જોવા મળી શકે છે.

અગાઉ પણ થયો હતો વિવાદ
NEET પરીક્ષા છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિવાદોમાં રહી છે. અગાઉ પણ પેપર લીક, ગ્રેસ માર્ક્સ અને ગેરરીતિઓના મુદ્દે દેશભરમાં વિરોધ જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટએ પણ અગાઉ NTAને પરીક્ષા પ્રણાલીમાં સુધારા લાવવા માટે સૂચનાઓ આપી હતી. આ વખતે સમગ્ર પરીક્ષા રદ્દ થવાથી દેશની પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. લાખો વિદ્યાર્થીઓ હવે નવી તારીખની રાહ જોઈ રહ્યા છે અને સરકાર પાસેથી પારદર્શક તથા સુરક્ષિત પરીક્ષા પ્રણાલીની અપેક્ષા રાખી રહ્યા છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો ;

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.