ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી
કોંગો-યુગાન્ડામાં ઇબોલાનો પ્રકોપ વધ્યો, ભારત સરકાર એલર્ટ મોડમાં
24 May 2026 Gujarat Updates Team :આફ્રિકાના દેશો Democratic Republic of the Congo અને Uganda માં ફરી એકવાર ઇબોલા વાયરસના ઝડપથી વધતા સંક્રમણને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતા વધી ગઈ છે. સતત વધી રહેલા કેસો અને મૃત્યુઆંકને ધ્યાનમાં રાખીને World Health Organization (WHO) એ આ પરિસ્થિતિને “પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન” એટલે કે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કરી છે.
આ ઘાતક વાયરસનો પ્રકોપ ખાસ કરીને કોંગોના ઇતુરી, નોર્થ કિવુ અને સાઉથ કિવુ પ્રાંતોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. World Health Organization (WHO)ના તાજેતરના આંકડા મુજબ 21 મે 2026 સુધીમાં કોંગોમાં 746 શંકાસ્પદ કેસો નોંધાયા છે, જ્યારે 176 શંકાસ્પદ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બંને દેશોમાં મળીને અત્યાર સુધી 85 કેસોની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે અને 10 લોકોના મોત નોંધાયા છે.
બુંદીબુગ્યો સ્ટ્રેનથી વધ્યો ખતરો : વિશ્વ આરોગ્ય નિષ્ણાતોને સૌથી વધુ ચિંતા “બુંદીબુગ્યો સ્ટ્રેન” ને લઈને છે. આ ઇબોલાનો એવો પ્રકાર છે જેના માટે હજુ સુધી કોઈ માન્ય રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. અગાઉ ઇબોલાના કેટલાક પ્રકારો સામે વેક્સિન વિકસાવવામાં આવી હતી, પરંતુ હાલ ફેલાતી બુંદીબુગ્યો પ્રજાતિ સામે વૈશ્વિક તબીબી વ્યવસ્થા હજુ મર્યાદિત છે.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇબોલા એક ગંભીર વાયરલ હેમરેજિક ફીવર છે, જેમાં દર્દીને ભારે તાવ, ઉલ્ટી, શરીરમાંથી રક્તસ્ત્રાવ, થાક અને અંગો નિષ્ફળ થવા જેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ વાયરસનો મૃત્યુદર 30થી 50 ટકા સુધી પહોંચી શકે છે.
World Health Organization (WHO)એ કેમ જાહેર કરી ઇમરજન્સી?
કોંગોમાં ફેલાતી ચેપજન્ય બિમારીને લઈને આરોગ્ય વ્યવસ્થા પર ભારે બોજો વધી રહ્યો છે. World Health Organization (WHO) મુજબ અનેક હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ છે, જ્યારે ઘણા આરોગ્યકર્મીઓ પણ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં હિંસા અને આંતરિક અશાંતિના કારણે સારવાર અને બચાવ કામગીરી અસરગ્રસ્ત બની છે.
બીજી તરફ, કોંગો અને યુગાન્ડા વચ્ચે લોકોની સતત અવરજવર થતી હોવાથી રોગના આંતરરાષ્ટ્રીય ફેલાવાનો ભય વધુ ગંભીર બન્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને World Health Organization (WHO)એ આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો (IHR-2005) હેઠળ વૈશ્વિક સ્તરે ચેતવણી જાહેર કરી છે.
યુગાન્ડામાં પણ ચેપના અનેક કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. તાજેતરમાં ત્રણ નવા દર્દીઓ મળી આવતા કુલ સંક્રમિતોની સંખ્યા વધી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે કેટલાક દર્દીઓ સીધા કોંગોથી આવ્યા હતા. હાલ તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તેમની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
પરિસ્થિતિની ગંભીરતા જોતા યુગાન્ડા સરકારે કોંગો સાથેની સરહદ પર દેખરેખ કડક બનાવી છે અને કેટલીક હલચલ પર નિયંત્રણ પણ મૂકવામાં આવ્યા છે.
ભારત સરકાર એલર્ટ મોડમાં
ઇબોલાના વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને Ministry of Health and Family Welfare દ્વારા ભારતીય નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સરકારએ લોકોને કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન જેવા ઇબોલા પ્રભાવિત વિસ્તારોમાં અતિ આવશ્યક ન હોય તો મુસાફરી ન કરવા માટે સ્પષ્ટ અપીલ કરી છે.
કેન્દ્ર સરકાર તરફથી તમામ એરપોર્ટ, સમુદ્રી બંદરો અને આંતરરાષ્ટ્રીય પ્રવેશ બિંદુઓ પર સ્ક્રીનિંગ અને દેખરેખ વધુ કડક બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારો સાથે સતત બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા અને વ્યવસ્થાનો આકલન કરવામાં આવી રહ્યો છે.
સરકારએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ભારતમાં ઇબોલાના Ebola virus disease (બુંદીબુગ્યો સ્ટ્રેન)નો કોઈ કેસ નોંધાયો નથી. તેમ છતાં, સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ જરૂરી પગલાં તૈયાર રાખવામાં આવ્યા છે.
કેવી રીતે ફેલાય છે ઇબોલા?
Ebola virus disease સામાન્ય રીતે સંક્રમિત વ્યક્તિના લોહી અથવા શરીરના પ્રવાહી સાથે સીધા સંપર્ક થવાથી ફેલાય છે. ઉપરાંત, મૃતદેહના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગવાનો જોખમ ઘણો વધે છે. ખાસ કરીને પરંપરાગત અંતિમવિધિ દરમિયાન જ્યાં મૃતદેહને નજીકથી સ્પર્શ કરવામાં આવે છે, ત્યાં સંક્રમણ ઝડપથી ફેલાવાની શક્યતા રહે છે.
World Health Organization (WHO) અનુસાર આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં સામાજિક અને ધાર્મિક પરંપરાઓને કારણે ચેપનો ફેલાવો વધુ ઝડપથી થઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે ઇબોલા વાયરસ સામાન્ય રીતે હવામાંથી ફેલાતો નથી. તે મુખ્યત્વે નજીકના અને સીધા શારીરિક સંપર્કથી જ ફેલાય છે, તેથી આરોગ્યકર્મીઓ માટે દર્દીઓની સારવાર દરમિયાન સંપૂર્ણ વ્યક્તિગત સુરક્ષા સાધનો (PPE) નો ઉપયોગ અત્યંત જરૂરી ગણવામાં આવે છે.
વિશ્વભરમાં વધતી ચિંતા
આફ્રિકા CDCએ પણ આ પરિસ્થિતિને “પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ કોન્ટિનેન્ટલ સિક્યોરિટી” જાહેર કરી છે. નિષ્ણાતો માને છે કે જો સમયસર નિયંત્રણ નહીં થાય તો આ સંક્રમણ બીજા દેશોમાં પણ ફેલાઈ શકે છે. World Health Organization (WHO)એ જણાવ્યું છે કે હાલમાં વૈશ્વિક સ્તરે જોખમ ઓછું છે, પરંતુ આફ્રિકન ક્ષેત્રમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત છે.
લોકો માટે શું સાવચેતી જરૂરી?
તબીબી નિષ્ણાતો લોકો માટે નીચેની સાવચેતીઓ સૂચવે છે:
- ઇબોલા પ્રભાવિત દેશોમાં મુસાફરી ટાળો
- તાવ, ઉલ્ટી કે રક્તસ્ત્રાવ જેવા લક્ષણો દેખાય તો તરત તપાસ કરાવો
- સંક્રમિત વ્યક્તિના સંપર્કથી દૂર રહો
- હાથની સ્વચ્છતા જાળવો
- આંતરરાષ્ટ્રીય મુસાફરી બાદ સ્વાસ્થ્ય પર નજર રાખો
વિશ્વ હાલમાં કોવિડ-19 પછી વધુ સતર્ક બન્યું છે અને ઇબોલાના વધતા કેસોને લઈને દરેક દેશ આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. World Health Organization (WHO)અને વિવિધ આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ સતત પરિસ્થિતિની મોનીટરીંગ કરી રહી છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
