શિપ બિલ્ડિંગ એન્ડ રીપેર પોલિસી-2026 લોન્ચ
IMSP સાથે ગુજરાત બનશે ભારતનું સૌથી મોટું શિપ બિલ્ડિંગ કેન્દ્ર
27 July 2026 Gujarat Updates Team: ગુજરાતને દેશનું અગ્રણી તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક શિપ બિલ્ડિંગ હબ બનાવવાના મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતે ‘ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રીપેર પોલિસી-2026’નું વિધિવત લોન્ચિંગ કર્યું. રાજ્યના લાંબા દરિયાકિનારા, વિકસિત બંદર માળખા અને મજબૂત ઔદ્યોગિક ક્ષમતાને આધારે ગુજરાતમાં આધુનિક શિપયાર્ડ, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ગ્રીન અને સ્માર્ટ શિપયાર્ડ્સનું વ્યાપક ઇકોસિસ્ટમ ઉભું કરવાનો આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ નીતિ કેન્દ્ર સરકારની Shipbuilding Financial Assistance Scheme (SBFAS)-2025, Shipbuilding Development Scheme (SbDS), Maritime Vision-2047 અને આત્મનિર્ભર ભારતના વિઝન સાથે સુસંગત છે.
ગુજરાત પાસે આશરે 2,340 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે. કંડલા, મુન્દ્રા, પિપાવાવ, દહેજ, હજીરા સહિતના અદ્યતન બંદરો અને મજબૂત લોજિસ્ટિક્સ નેટવર્ક રાજ્યને મેરિટાઇમ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન આપે છે. નવી નીતિ આ કુદરતી અને ઔદ્યોગિક શક્તિનો ઉપયોગ કરીને ગુજરાતને વૈશ્વિક શિપ બિલ્ડિંગ અને શિપ રિપેરિંગ ક્ષેત્રમાં અગ્રેસર બનાવવાનો માર્ગ તૈયાર કરે છે.
નવી પોલિસી હેઠળ રાજ્યમાં શિપયાર્ડ વિકાસ ઉપરાંત સહાયક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. મરીન મશીનરી, એન્જિન, પ્રોપલ્શન સિસ્ટમ, નેવિગેશન સાધનો, સ્ટીલ ફેબ્રિકેશન, પેઇન્ટિંગ, ઓટોમેશન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ અને અન્ય મરીન ઇક્વિપમેન્ટના સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે. તેનાથી આયાત પરની નિર્ભરતા ઘટશે અને સ્થાનિક MSME એકમોને નવી તકો મળશે.
IMSP બનશે સૌથી મોટું આકર્ષણ
આ નીતિનું સૌથી મોટું આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક (IMSP) છે. વિશ્વસ્તરીય દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવનાર આ પાર્કમાં આધુનિક શિપયાર્ડ, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર, ટેસ્ટિંગ સેન્ટર, R&D હબ, સ્કિલ ડેવલપમેન્ટ સંસ્થાઓ, લોજિસ્ટિક્સ સુવિધાઓ અને ડિજિટલ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થશે. કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ઉદ્યોગોનો પ્રારંભિક ખર્ચ ઘટશે અને વૈશ્વિક સ્પર્ધામાં ગુજરાત વધુ મજબૂત બનશે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પોરબંદરના કુછડી ખાતે આશરે 2,000 એકરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અહીં 1.2થી 1.5 મિલિયન ગ્રોસ ટનેજ વાર્ષિક ક્ષમતાવાળું આધુનિક ઉત્પાદન કેન્દ્ર ઉભું કરવાનું આયોજન છે. વાડીનારમાં અદ્યતન શિપ રિપેર સુવિધા પણ વિકસાવવામાં આવી રહી છે. આ બંને પ્રોજેક્ટ ગુજરાતની નવી નીતિને મજબૂત આધાર આપશે.
રોકાણકારો માટે આકર્ષક પ્રોત્સાહનો
રાજ્ય સરકાર દ્વારા મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યૂટી રિફંડ, વ્યાજ સહાય, ડ્રેજિંગ સહાય, વીજળી અને પાણી સબસિડી, MSME ખરીદી પ્રોત્સાહન તથા મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ માટે વિશેષ પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમયસર પ્રોજેક્ટ શરૂ કરનાર રોકાણકારોને ‘અર્લી બર્ડ’ લાભ પણ આપવામાં આવશે. ગુજરાત સરકાર કેન્દ્રની સહાય ઉપરાંત ટોપ-અપ ઇન્સેન્ટિવ આપવાની પણ જોગવાઈ કરી રહી છે, જેથી રોકાણ વધુ આકર્ષક બને.
સિંગલ વિન્ડો સિસ્ટમથી સરળતા
પોલિસીનો એક મહત્વપૂર્ણ પાસો એ છે કે તમામ મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ વિકસાવવામાં આવશે. સાથે જ સમર્પિત ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે જેથી રોકાણકારોને ઝડપી નિર્ણય, ઓછો વહીવટી સમય અને સમયસર પ્રોજેક્ટ અમલીકરણનો લાભ મળે.
ગ્રીન અને સ્માર્ટ શિપયાર્ડ પર વિશેષ ભાર
વિશ્વમાં ગ્રીન શિપિંગ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં વધી રહેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને ગુજરાતની નવી નીતિ ગ્રીન-સ્માર્ટ શિપયાર્ડ્સને પ્રોત્સાહન આપે છે. એનર્જી કાર્યક્ષમ ટેકનોલોજી, ડિજિટલ ઓટોમેશન, AI આધારિત મોનીટરીંગ, વેસ્ટ મેનેજમેન્ટ, રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણમૈત્રી ઉત્પાદન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
સ્કિલ ડેવલપમેન્ટ પર વિશેષ ફોકસ
રાજ્ય સરકાર આગામી વર્ષોમાં પાંચ લાખથી વધુ યુવાનોને મેરિટાઇમ, વેલ્ડિંગ, નેવલ આર્કિટેક્ચર, મરીન ડિઝાઇન, રોબોટિક્સ, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ અને શિપ રિપેરિંગ ક્ષેત્રે તાલીમ આપવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે ઉદ્યોગો, ટેકનિકલ સંસ્થાઓ અને તાલીમ કેન્દ્રો વચ્ચે સહયોગ વધારવામાં આવશે.
R&D અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન
પોલિસી અંતર્ગત મેરિટાઇમ સ્ટાર્ટઅપ્સ, નવી ટેકનોલોજી, ગ્રીન પ્રોપલ્શન, હાઇડ્રોજન અને ભવિષ્યની શિપિંગ ટેકનોલોજી માટે વિશેષ R&D કેન્દ્રો વિકસાવવામાં આવશે. યુનિવર્સિટી, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગ વચ્ચે સહયોગથી ઇનોવેશન ઇકોસિસ્ટમ મજબૂત બનશે.
2047 સુધીનું સ્પષ્ટ વિઝન
ગુજરાત સરકારનો લક્ષ્યાંક રાજ્યની શિપબિલ્ડિંગ ક્ષમતાને 50 લાખ DWTથી વધુ સુધી પહોંચાડવાનો, બે મેગા શિપબિલ્ડિંગ પાર્ક વિકસાવવાનો અને વૈશ્વિક રોકાણ માટે ગુજરાતને પ્રથમ પસંદગી બનાવવાનો છે. આ સાથે રાજ્યના બંદરોની કામગીરી, નિકાસ, ઉત્પાદન અને રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
ભારતના મેરિટાઇમ વિઝનને મળશે બળ
કેન્દ્ર સરકારે તાજેતરમાં લગભગ ₹69,725 કરોડના વ્યાપક પેકેજ દ્વારા દેશના શિપબિલ્ડિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા ચાર-સ્તરીય વ્યૂહરચના અમલમાં મૂકી છે. SBFAS, Maritime Development Fund, Shipbuilding Development Scheme અને National Shipbuilding Mission દ્વારા ભારતને વૈશ્વિક ટોચના શિપબિલ્ડિંગ દેશોમાં સ્થાન અપાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ગુજરાતની નવી નીતિ આ રાષ્ટ્રીય દિશાને રાજ્ય સ્તરે મજબૂત આધાર આપશે.
આર્થિક વિકાસને નવી ગતિ
શિપબિલ્ડિંગ ઉદ્યોગમાં ઉચ્ચ રોજગારી ક્ષમતા હોવાથી એક સીધી નોકરી સામે અનેક પરોક્ષ રોજગારી તકો ઊભી થાય છે. સ્ટીલ, સિમેન્ટ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, લોજિસ્ટિક્સ, એન્જિનિયરિંગ, ઓટોમેશન, IT અને સેવા ક્ષેત્રને પણ તેનો સીધો લાભ મળશે. રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસની નવી તકો સર્જાશે અને નિકાસમાં વધારો થશે.
‘ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રીપેર પોલિસી-2026’ માત્ર નવી ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ ગુજરાતને વૈશ્વિક મેરિટાઇમ અર્થતંત્રના કેન્દ્રસ્થાને પહોંચાડવાનો દીર્ઘકાલીન વિકાસ રોડમેપ છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકારમૈત્રી નીતિઓ, ગ્રીન ટેકનોલોજી, કુશળ માનવબળ અને સંશોધન આધારિત વિકાસના સમન્વયથી રાજ્ય આગામી દાયકાઓમાં ભારતના શિપબિલ્ડિંગ ક્ષેત્રનું નેતૃત્વ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
