સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ
Ahmedabad 09 April 2026 : ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ કાનૂની મુદ્દો ઉભો થયો છે. ચૂંટણી પ્રક્રિયાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેના પર 10 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. મળતી માહિતી મુજબ, પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા દિનેશ બાંભણિયાએ આ અરજી કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની હાલની ચૂંટણી રોકવા તથા અનામત નીતિને પડકારતી તેમની અરજી પર આવતીકાલે સુનાવણી થશે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં અમલમાં રહેલી અનામત વ્યવસ્થા સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને પડકારતી હોવાને કારણે તેની પુનઃ સમીક્ષા જરૂરી છે. આ મુદ્દે હવે રાજકીય તેમજ કાનૂની સ્તરે ચર્ચા તેજ બની છે.
બીજી તરફ, ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી પણ ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવાની તૈયારીમાં છે. ચૂંટણીની જાહેરાત બાદ આવી અરજી થવાને કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. હવે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણીમાં શું નિર્ણય આવે છે તે પર સૌની નજર ટકેલી છે.
www.gujaratupdates.com
