ખાંડ સહકારી મંડળીઓ માટે ઐતિહાસિક નિર્ણય
શેરડી ઉત્પાદક ખેડૂતોને મળશે સીધો લાભ, સહકારી ક્ષેત્રમાં ખુશીની લાગણી
26 May 2026 Gujarat Updates Team: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ અને શેરડી ઉત્પાદક ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2007-08 થી 2014-15 દરમિયાન સહકારી ખાંડ મંડળીઓએ શેરડી પકવતા ખેડૂતોને ચૂકવેલા વધારાના શેરડી ભાવોને રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપતા રાજ્યના સહકારી ક્ષેત્રમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. આ નિર્ણયથી રાજ્યની ખાંડ સહકારી મંડળીઓને અંદાજિત રૂ. 1,500 કરોડ જેટલો આર્થિક ફાયદો થશે અને તેનો સીધો લાભ બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને મળશે.
રાજ્ય સરકારના આ નિર્ણયને ખેડૂતો અને સહકારી ક્ષેત્ર માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. વર્ષોથી ચાલી રહેલા કરવેરા સંબંધિત વિવાદનો હવે અંત આવવાની શક્યતા ઉભી થઈ છે. ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓએ હંમેશા ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા એફ.આર.પી. (ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇઝ) કરતા વધુ ભાવ ચૂકવ્યા હતા.
ગુજરાતની ખાંડ મંડળીઓ માત્ર ખાંડ ઉત્પાદન પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ મોલાસીસ, ઇથેનોલ ઉત્પાદન અને કો-જનરેશનથી વીજળી ઉત્પન્ન કરીને વધારાની આવક પણ ઉભી કરી છે. આ વધારાની આવકનો મોટો હિસ્સો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. પરિણામે ગુજરાતના શેરડી ઉત્પાદક ખેડૂતોને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ વધુ વળતર મળતું રહ્યું છે.
પરંતુ ભૂતકાળમાં ઇન્કમટેક્સ વિભાગે એફ.આર.પી.થી વધુ ચૂકવાયેલા શેરડીના ભાવોને નફો ગણાવીને વિવિધ સહકારી ખાંડ મંડળીઓને ટેક્સ ડિમાન્ડ નોટિસો ફટકારી હતી. જેના કારણે રાજ્યની સહકારી ખાંડ મંડળીઓ પર આશરે રૂ. 1,500 કરોડ જેટલો વધારાનો આર્થિક બોજ આવવાની સ્થિતિ સર્જાઈ હતી.
આ મુદ્દે કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અલગ સહકાર મંત્રાલયની રચના થયા બાદ કેન્દ્રીય સહકારમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ વર્ષ 2023માં ઇન્કમટેક્સ કાયદામાં ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યા હતા. આ સુધારા મુજબ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા શેરડીના ભાવોને કાયદાકીય માન્યતા આપવામાં આવી હતી.
કેન્દ્રીય સ્તરે થયેલા આ સુધારા પછી ગુજરાત સરકાર દ્વારા પણ ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સ્તરે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને ચૂકવાયેલા શેરડીના ભાવો અંગે વિગતવાર અભ્યાસ કરીને સરકારને અહેવાલ સોંપ્યો હતો.
સમિતિની ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારીને વર્ષ 2007-08 થી 2014-15 દરમિયાન ખેડૂતોને ચૂકવાયેલા શેરડીના વધારાના ભાવોને સત્તાવાર મંજૂરી આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યની સહકારી ખાંડ મંડળીઓ સામે ઊભી થયેલી કરવેરાની મોટી મુશ્કેલી દૂર થશે.
સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સહકારી ક્ષેત્ર અને ખેડૂતોના હિતોની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. હાલમાં રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને સીધી ચૂકવણી કરીને ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવી રહી છે. સરકારનો આ નિર્ણય ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતનું સહકારી મોડલ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને સહકારી મંડળીઓ મજબૂત બને તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે હવે ખાંડ સહકારી મંડળીઓ વધુ મજબૂતી સાથે કાર્ય કરી શકશે. શેરડી ઉત્પાદક ખેડૂતોને પણ સમયસર અને વધુ વળતર મળવાની શક્યતા વધશે. ગ્રામિણ વિસ્તારોમાં આ નિર્ણયથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતો અને સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સહકારમંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ પગલાને ગુજરાતના સહકારી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે જોવામાં આવી રહ્યું છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
