ભારતીય T20 ટીમ જાહેર, વૈભવને મોટો મોકો
ભારતીય ક્રિકેટમાં નવા યુગની શરૂઆત, વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સ્થાન
06 June 2026 Gujarat Updates Team :ભારતીય ક્રિકેટમાં નવા યુગની શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. BCCIએ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમ જાહેર કરી છે, જેમાં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પ્રથમ વખત સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. તેની આક્રમક અને નિર્ભય બેટિંગના કારણે ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટીમમાં નેતૃત્વમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યરને T20 ટીમનો નવો કપ્તાન બનાવવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્માને ઉપકપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે.
આયરલેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરૂણ ચક્રવર્તી, વૈભવ સૂર્યવંશી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ
વૈભવની પહેલી મેચ કોની સામે?
ભારતીય ટીમનો આયર્લેન્ડ પ્રવાસ 26 જૂનથી શરૂ થશે. પ્રથમ T20 મેચ બેલફાસ્ટ ખાતે રમાશે. જો ટીમ મેનેજમેન્ટ વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપે છે, તો તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત આયર્લેન્ડ સામે થઈ શકે છે. આ રીતે આયર્લેન્ડ વૈભવના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પ્રથમ પ્રતિસ્પર્ધી તરીકે નોંધાઈ શકે છે.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે T20 મેચોની શ્રેણી રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વપૂર્ણ T20 શ્રેણી રમશે. યુવા ખેલાડીઓ માટે આ પ્રવાસ પોતાની પ્રતિભા સાબિત કરવાની શ્રેષ્ઠ તક ગણાશે.
ભારતનો આયર્લેન્ડ પ્રવાસ (જૂન)
પહેલી T20: 26 જૂન, બેલફાસ્ટ
બીજી T20: 28 જૂન, બેલફાસ્ટ
ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ (જુલાઈ)
1 જુલાઈ: પહેલી T20, ચેસ્ટર લે સ્ટ્રીટ
4 જુલાઈ: બીજી T20, માન્ચેસ્ટર
7 જુલાઈ: ત્રીજી T20, નોટિંગહામ
9 જુલાઈ: ચોથી T20, બ્રિસ્ટલ
11 જુલાઈ: પાંચમી T20, સાઉધેમ્પટન
શ્રેયસ અય્યર પર રહેશે મોટી જવાબદારી
ભારતીય T20 ટીમના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી સાથે ટીમમાં નવા નેતૃત્વ યુગની શરૂઆત થઈ છે. પોતાના સતત સારા પ્રદર્શન અને નેતૃત્વ કૌશલ્યના આધારે અય્યરને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. હવે તેમની પાસે યુવા અને અનુભવી ખેલાડીઓના સંયોજન સાથે ટીમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો પડકાર રહેશે. સાથે જ, તિલક વર્માની ઉપકપ્તાન તરીકેની નિમણૂક ભારતીય ક્રિકેટના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ નિર્ણય દ્વારા BCCI યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાનો સ્પષ્ટ સંદેશ આપી રહી છે, ખાસ કરીને 2028 ઓલિમ્પિક્સ અને આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને.
એશિયન ગેમ્સ સ્કવૉડ
આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા જાપાનમાં સપ્ટેમ્બર 2026માં રમાનારી એશિયન ગેમ્સ માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષીત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી
વૈભવ સૂર્યવંશીની એશિયન ગેમ્સ ટીમમાં પણ સ્થાન
વૈભવ સૂર્યવંશીની પ્રતિભા પર પસંદગીકારોએ મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી ઉપરાંત તેને સપ્ટેમ્બર 2026માં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું છે. આ પસંદગી દર્શાવે છે કે વૈભવને ભારતીય ક્રિકેટના લાંબા ગાળાના આયોજનનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે. એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. ટીમમાં જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓની સાથે વૈભવ સહિત અનેક યુવા પ્રતિભાઓને પણ તક આપવામાં આવી છે, જેથી અનુભવ અને યુવાનીનું સંતુલન જાળવી શકાય.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો લાંબા સમયથી અડગ રહેલો રેકોર્ડ હવે ખતરામાં છે.
શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી ભારતીય ટીમમાં વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું છે. જો તેને આ પ્રવાસમાં પ્લેઇંગ ઇલેવનમાં તક મળે, તો તે ભારત માટે સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે. સચિને 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું, જ્યારે વૈભવ હાલ માત્ર 15 વર્ષનો છે.
ચાહકોની નજર રહેશે વૈભવ પર
ભારતીય ક્રિકેટમાં ઉગતા તારાઓની યાદીમાં હવે વૈભવ સૂર્યવંશીનું નામ પણ ઝડપથી જોડાઈ રહ્યું છે. માત્ર 15 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી તેણે પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો છે. ક્રિકેટ જાણકારો માને છે કે યોગ્ય માર્ગદર્શન અને સતત તક મળે તો તે ભવિષ્યમાં ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે.
આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન તમામની નજર વૈભવના પ્રદર્શન પર રહેશે. ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી તેની ડેબ્યૂ મેચની રાહ જોઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે તે પોતાની પ્રતિભાની ઝલક આંતરરાષ્ટ્રીય મંચ પર પણ દેખાડશે. હાલ માટે એટલું કહી શકાય કે ભારતીય ક્રિકેટને એક નવી આશા અને ભવિષ્યનો સંભવિત સ્ટાર મળ્યો છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
