સુરત: મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટના
Surat, Gujarat 24 March,2026: સુરતના રીંગ રોડ પર આવેલા મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરીથી આગ ફાટી નીકળી છે. આ દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ બીજીવાર છે કે 23 દિવસની અંદર આ માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આ ઘટના માટે જાણકારી અનુસાર, આજે રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ‘કપૂર લહેંગા અને શૂટ’ નામની કાપડની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગની લહેરો વચ્ચે દુકાનમાં રહેલા લહેંગા અને શૂટનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતા જ, માર્કેટમાં હાજર વેપારીઓ અને શ્રમિકોએ પોતાનું માલસામાન બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આગની જાણ થતાની સાથે જ સુરત ફાયર વિભાગ તાત્કાલિક સક્રિય થયું હતું. શહેરના ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનોની 5 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સે પાણીના મારો ચલાવી ખૂબ જ જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.સદનસીબે, આ આગમાં કોઈ જાનહાનીની ઘટના ઘટી નથી, પરંતુ કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. હાલ સુધી આગ લાગવાના ચોક્કસ કારણ વિશે સ્પષ્ટતા મળી નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગવી હોઈ શકે છે.
આના પહેલા 23 દિવસ પહેલા પણ આ જ મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગેલી હતી, જેના પગલે ઘણા વેપારીઓ અને સ્થાનિકોને નુકસાન થયું હતું.
