ગરમી બાદ વાવાઝોડાનો કહેર: અમદાવાદમાં હવામાનનો યુ-ટર્ન
શહેરમાં ગુરુવારની વહેલી સવારે હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો હતો. તેજ પવન અને ધૂળના વાવાઝોડાએ શહેરના અનેક વિસ્તારોને ઝપેટમાં લીધા હતા, જેના કારણે દૃશ્યતા ઘટી ગઈ અને સામાન્ય જનજીવન પર અસર પડી હતી. પવનની ગતિ આશરે 15 થી 40 કિમી પ્રતિ કલાક સુધી નોંધાઈ હતી. તેજ પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક વૃક્ષો ઉખડી પડ્યા હતા. સિંધુ ભવન રોડ પર ઓછામાં ઓછા બે મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા, જ્યારે વસ્ત્રાપુર તળાવ આસપાસ પણ આવી ઘટનાઓ નોંધાઈ હતી.ગઈ રાતથી વહેલી સવાર સુધી શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો. હવામાન ભેજયુક્ત અને ધૂંધળું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે આ બનાવોને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તા પર પડેલા વૃક્ષો તથા કચરો દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત, વસ્ત્રાપુર નજીક એક ટ્રાફિક બૂથ પણ તેજ પવનના કારણે સંપૂર્ણપણે તૂટી પડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો, સાઇનબોર્ડ્સ અને હોર્ડિંગ્સ પણ ઉડી જતા મુસાફરો માટે જોખમજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. ધૂળના ઘેરા વાદળોના કારણે મુખ્ય માર્ગો પર દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ખાસ સાવચેતી રાખીને વાહન ચલાવવું પડ્યું હતું.
હવામાન વિભાગનો અંદાજ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ અચાનક હવામાન પરિવર્તન પાછળ પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) અને ઉપરના સ્તરે સર્જાયેલા ચક્રવાતી પરિસંચલન જવાબદાર છે. નિષ્ણાતોના મતે આ પરિસ્થિતિઓ પ્રી-મોન્સૂન જેવી પ્રવૃત્તિઓને પ્રેરિત કરે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આજે સાંજ અને રાત્રે પણ 40% થી 70% વરસાદી ઝાપટાં અને વીજળીવાળા વાદળછાયા માહોલની શક્યતા વ્યક્ત કરી છે.
