અમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

લક્ઝરી કારમાં દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો

પાયલોટિંગ, પાર્કિંગ લાઇટ અને સ્પીડનો ખેલ નિષ્ફળ: PCBએ બૂટલેગિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો

21 June 2026 Gujarat Updates Team: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર તત્વો સતત નવા-નવા રસ્તા શોધી રહ્યા છે. પરંતુ અમદાવાદ શહેર પોલીસની પ્રોહિબિશન કંટ્રોલ બ્રાન્ચ (PCB)એ એક સુનિયોજિત અને સાહસિક ઓપરેશન હાથ ધરીને કુખ્યાત બૂટલેગર સલીમ ઉર્ફે તોતો અંસારી સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન 15.21 લાખ રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ત્રણ લક્ઝરી કાર સહિત કુલ 73.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ અને બૂટલેગરો વચ્ચે ગોતા-ઓગણજ રોડથી લઈને શાહઆલમ વિસ્તાર સુધી ફિલ્મી સ્ટાઇલનો પીછો જોવા મળ્યો હતો. ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે અને દારૂની ગેરકાયદેસર હેરાફેરી પાછળના મોટા નેટવર્ક અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.

બાતમીના આધારે ગોઠવાઈ હતી પોલીસની ટીમ
PCBના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે રામોલનો કુખ્યાત બૂટલેગર સલીમ ઉર્ફે તોતો કડીમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અમદાવાદમાં લાવી રહ્યો છે. મળેલી માહિતી મુજબ આ જથ્થો શહેરના પૂર્વ વિસ્તારમાં કાર્યરત અનેક બૂટલેગરો સુધી પહોંચાડવાનો હતો. બાતમી મળતાં PCBના PI જે.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ 10થી વધુ પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો ગોતા-ઓગણજ રોડ પર ગોઠવવામાં આવી હતી. પોલીસને આશા હતી કે દારૂ ભરેલી ગાડીઓ પાયલોટિંગ સાથે શહેરમાં પ્રવેશ કરશે.

પોલીસને જોઈ ગાડીઓ દોડાવી મૂકી
મોડી રાત્રે શંકાસ્પદ ક્રેટા અને બે ફોર્ચ્યુનર કારો દેખાતાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની હાજરી જોતા આરોપીઓએ ગાડીઓ પૂરઝડપે દોડાવી મૂકી હતી.પોલીસે પણ જીવના જોખમે પીછો શરૂ કર્યો હતો. ચાંદલોડિયા સિનિયર સિટીઝન પાર્ક નજીક એક ફોર્ચ્યુનર કારને રોકવામાં સફળતા મળી હતી. આ દરમિયાન કારના બમ્પર, કાચ અને લાઇટને નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ દારૂ ભરેલી ક્રેટા કારના ચાલકે અચાનક બ્રેક મારતાં વાહન ડિવાઇડર સાથે અથડાઈ પલટી મારી ગયું હતું. અકસ્માતમાં કારનું ટાયર અને એક્સલ અલગ થઈ જતાં વાહન આગળ જઈ શક્યું નહોતું અને પોલીસે ત્યાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી લીધો હતો.

એક કાર ભાગી, પણ અંતે કાગડાપીઠમાં ઝડપાઈ
ઓપરેશન દરમિયાન એક ફોર્ચ્યુનર કાર પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહી હતી. જોકે PCBની ટીમોએ હાર માની નહોતી. ચાંદલોડિયા બ્રિજથી શરૂ થયેલો પીછો જૂના વાડજ, પાલડી, અંજલિ ચાર રસ્તા, ખોડિયારનગર થઈને શાહઆલમ વિસ્તાર સુધી પહોંચ્યો હતો. અંતે કાંકરિયા તરફ જતા માર્ગ પર આવેલા એપલ સિનેમા નજીક પોલીસે ભાગતી કારને ઝડપી લીધી હતી.

કારની તલાશી લેતાં 2152 બોટલ દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. આ સાથે ધંધુકાના મહંમદ સાકીર પીરજાદાની ધરપકડ કરવામાં આવી હતી.

ચાર આરોપીઓ ઝડપાયા, 15 સામે ગુનો નોંધાયો
આ સમગ્ર કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં રામોલના સલીમ ઉર્ફે તોતો અંસારી અને ફિરોજ મલેક, વટવાના સાજીદ વોરા તેમજ ધંધુકાના મહંમદ સાકીર પીરજાદાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘાટલોડિયા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કુલ 15 વ્યક્તિઓ સામે અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હવે દારૂના સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. સપ્લાયરથી લઈને રિટેલ સ્તર સુધી સંકળાયેલા તમામ લોકોની ભૂમિકા તપાસવામાં આવી રહી છે, જેથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.

પાર્કિંગ લાઇટથી આપતો હતો ગુપ્ત સંકેત
તપાસમાં એક રસપ્રદ મોડસ ઓપરેન્ડી પણ સામે આવ્યો છે. સલીમ તોતો પોતાની ફોર્ચ્યુનર કારમાં આગળ પાયલોટિંગ કરતો હતો જ્યારે દારૂ ભરેલી ગાડીઓ થોડા અંતરે પાછળ આવતી હતી. જો રસ્તામાં પોલીસ દેખાય તો સલીમ પોતાની કારની પાર્કિંગ લાઇટ ચાલુ કરીને પાછળની ગાડીઓને સંકેત આપતો હતો. ત્યારબાદ દારૂ ભરેલી ગાડીઓ જુદા રસ્તે ભાગી જતી હતી. આ કામ માટે સલીમે કેટલાક ડ્રાઇવરોને પ્રતિ ટ્રિપ રૂ.4,000ના ભથ્થા પર રાખ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

12થી વધુ વખત ઝડપાયેલો છે સલીમ તોતો
સલીમ ઉર્ફે તોતો અંસારી અમદાવાદના દારૂના ગેરકાયદેસર વેપારમાં જાણીતું નામ માનવામાં આવે છે. પોલીસ રેકોર્ડ મુજબ તે અગાઉ 12થી વધુ વખત વિવિધ પોલીસ સ્ટેશનો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાઈ ચૂક્યો છે. તેની સામે અનેક પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે અને ત્રણ વખત પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. તેમ છતાં તે ફરીથી દારૂના ધંધામાં સક્રિય હોવાનું બહાર આવ્યું છે.

સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નો
આ સમગ્ર ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા કર્યા છે. લક્ઝરી કારોમાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી શહેરની હદ સુધી પહોંચી જાય અને સ્થાનિક સ્તરે કોઈ માહિતી ન મળે તે ચર્ચાનો વિષય બન્યો છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. PCB અને SMC દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડી કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. એપ્રિલ 2026માં રામોલ ટોલ નાકા નજીક થયેલી કાર્યવાહીમાં 1.3 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉપરાંત નારોલ અને સોલા વિસ્તારમાં પણ લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે અનેક શખ્સોને પોલીસ દ્વારા કાયદાની ઝપેટમાં લેવામાં આવ્યા હતા.

તપાસનો વ્યાપ વધારાયો
PCB હવે મોબાઇલ કોલ ડિટેઇલ્સ, વાહનોના રૂટ, નાણાકીય વ્યવહારો અને સપ્લાય ચેઇનની તપાસ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ માત્ર એક કડી છે અને સમગ્ર નેટવર્કમાં અનેક મોટા સપ્લાયરો તથા શહેરના બૂટલેગરો સંડોવાયેલા હોઈ શકે છે.અમદાવાદમાં દારૂબંધીના કાયદાને પડકારતી આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે ગેરકાયદેસર દારૂના વેપાર સામે સતત અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સ આધારિત કાર્યવાહી જરૂરી બની ગઈ છે.