Trendingઅમદાવાદગુજરાતભારતમુખ્ય સમાચારરાજનીતિ

“UCC હટાવો, દેશ બચાવો”: જુમ્મા મસ્જિદ બહાર ગરમાયો માહોલ

અમદાવાદ, 21 માર્ચ, 2026: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની પ્રક્રિયા તેજ બની રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં તેનો વિરોધ જોવા મળ્યો છે. રમજાન ઈદના પવિત્ર દિવસે જ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના કાર્યકરો દ્વારા જુમ્મા મસ્જિદ બહાર ભેગા થઈને UCC વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરો હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને મસ્જિદની બહાર ઉતરી આવ્યા હતા અને “UCC હટાવો, દેશ બચાવો”, “UCC રદ કરો” તથા “શરિયત વિરોધી કાયદો નામંજૂર” જેવા નારા લગાવ્યા હતા. દેખાવકારોનો આક્ષેપ છે કે યુનિફોર્મ સિવિલ કોડ દેશના સામાજિક અને ધાર્મિક માળખાને નુકસાન પહોંચાડે છે અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા પર અસર કરે છે.પ્રદર્શનકારોએ જણાવ્યું કે UCC તેમના ધાર્મિક કાયદાઓમાં દખલ કરે છે. “અમારી શરિયત અમને જે કહે છે તે પ્રમાણે જીવન જીવવાનો અમારો અધિકાર છે. અમે સરકારને UCC રદ કરવાની માંગ કરીએ છીએ અને ગુજરાતભરમાં તેનો વિરોધ ચાલુ રાખીશું,” એમ એક કાર્યકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ કાયદો સમાજમાં વિભાજન ઊભું કરી શકે છે અને પરંપરાગત મૂલ્યોને નુકસાન પહોંચાડી શકે છે.

પરવાનગી વિના પ્રદર્શન, પોલીસ હરકતમાં
મળતી માહિતી અનુસાર, આ પ્રદર્શન માટે પોલીસની કોઈ પૂર્વ પરવાનગી લેવામાં આવી નહોતી. જેના કારણે મસ્જિદ વિસ્તારની બહાર પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમ જ પ્રદર્શન શરૂ થયું તેમ જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ દેખાવકારોની અટકાયત કરી હતી. ઈદનો તહેવાર હોવાને કારણે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે અને કોઈપણ પ્રકારની અશાંતિને સહન કરવામાં આવશે નહીં.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એ એવો પ્રસ્તાવિત કાયદો છે જે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે એકસરખા નાગરિક કાયદા લાગુ કરવાની વાત કરે છે. હાલ ભારતમાં વિવિધ ધર્મો માટે અલગ-અલગ પર્સનલ કાયદાઓ લાગુ છે, જેમ કે લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસાગત હકો. ભારતના બંધારણની કલમ 44 મુજબ રાજ્યએ દેશના તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. UCCનો મુખ્ય હેતુ સમાનતા સ્થાપિત કરવાનો છે, જેથી જાતિ, ધર્મ અથવા પરંપરા આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન રહે.

ગુજરાતમાં UCC અમલની તૈયારી
તાજેતરમાં ગુજરાતમાં UCC અમલ માટે રચાયેલી સમિતિએ પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો. આ સમિતિનું નેતૃત્વ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈએ કર્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં આ અહેવાલને સ્વીકારવામાં આવ્યો હતો.આના આધારે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026’ વિધેયકને વિધાનસભામાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ કાયદો અમલમાં આવે તો લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતના મુદ્દાઓ માટે એકસરખા નિયમો લાગુ પડશે.

મુખ્ય જોગવાઈઓ શું હોઈ શકે?
પ્રસ્તાવિત કાયદા મુજબ:

  • એક પુરુષ એક જ પત્ની રાખી શકશે, બહુવિવાહ પર પ્રતિબંધ લાગશે.
  • લગ્ન અને છૂટાછેડાની નોંધણી ફરજિયાત રહેશે.
  • લિવ-ઈન રિલેશનશીપમાં રહેનાર દંપતીએ પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • છેતરપિંડી અથવા બળજબરીથી થયેલા લગ્નને રદ કરવાની જોગવાઈ રહેશે.
  • મહિલાઓને વધુ કાનૂની સુરક્ષા અને હકો મળશે.

અમદાવાદમાં ઈદના દિવસે થયેલા આ પ્રદર્શનને લઈને શહેરમાં થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિ કાબૂમાં રહી. હવે નજર આગામી વિધાનસભા સત્ર પર છે, જ્યાં UCC બિલ પર ચર્ચા બાદ તેની આગળની દિશા નક્કી થશે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.