લગ્ન નોંધણી ફરજિયાત, બહુવિવાહ પર સજા — UCCના કડક નિયમો
Ahmedabad 25 March 2026: ગુજરાત વિધાનસભામાં આજે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) 2026’ બિલ બહુમતીથી પસાર થતાં રાજ્યના કાનૂની અને સામાજિક માળખામાં એક મહત્વપૂર્ણ ફેરફારનો માર્ગ મોકળો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026’ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાયું હતું, જેના પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. લગભગ સાત કલાકથી વધુ સમય ચાલેલી ચર્ચા બાદ આ વિધેયક ગૃહમાં મંજૂર કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગને “ગુજરાત માટે ઐતિહાસિક દિવસ” ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હવે રાજ્યમાં તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાગત અને લિવ-ઇન સંબંધો અંગે એકસમાન કાયદો લાગુ થશે, જે ખાસ કરીને મહિલાઓના અધિકારોને મજબૂત બનાવશે.મુખ્યમંત્રીએ ગૃહમાં બિલ રજૂ કરતા જ સત્તાપક્ષના સભ્યો દ્વારા “જય શ્રી રામ”ના નારા લગાવવામાં આવ્યા હતા.આ બિલ પસાર થતા ગુજરાત, ઉત્તરાખંડ બાદ યુસીસી અમલમાં લાવનાર દેશનું બીજું રાજ્ય બની ગયું છે. હવે આ બિલ રાજ્યપાલની મંજૂરી બાદ કાયદાનું રૂપ ધારણ કરશે.
બિલના મુખ્ય મુદ્દા
યુસીસી બિલનો મુખ્ય હેતુ વિવિધ ધર્મ અને સમુદાયો માટે ચાલતા અલગ-અલગ વ્યક્તિગત કાયદાઓને બદલે એકરૂપ કાનૂની વ્યવસ્થા ઊભી કરવાનો છે. બિલમાં નીચે મુજબના મહત્વપૂર્ણ પ્રાવધાનોનો સમાવેશ થાય છે:
- લગ્નની ફરજિયાત નોંધણી: તમામ નાગરિકો માટે લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. નોંધણી ન કરાવનારને દંડની જોગવાઈ છે.
- એકપત્નીત્વ (Monogamy): એકથી વધુ લગ્ન કરનાર માટે સજા અને જેલની જોગવાઈ.
- છૂટાછેડા માટે સમાન નિયમો: દરેક ધર્મ માટે કોર્ટ દ્વારા જ છૂટાછેડા માન્ય રહેશે.
- લિવ-ઇન સંબંધોનું રજીસ્ટ્રેશન:લિવ-ઇન સંબંધમાં રહેનાર યુગલોએ નિર્ધારિત સમયમર્યાદામાં નોંધણી કરાવવી પડશે.
- સંતાનના અધિકારો: આવા સંબંધોમાં જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા અને તમામ અધિકારો મળશે.
મહિલાઓને પ્રાથમિકતા
બિલમાં મહિલાઓના અધિકારોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. છેતરપિંડી, બળજબરી અથવા ખોટી ઓળખથી થયેલા લગ્નના કિસ્સાઓમાં મહિલાઓને કાનૂની સુરક્ષા મળશે. છૂટાછેડા બાદ ભરણપોષણનો અધિકાર પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
સમિતિનો અહેવાલ આધારભૂત
આ બિલ તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાનૂની પાસાઓનો અભ્યાસ કરીને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
‘આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે’: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વિધાનસભામાં આશરે 25 મિનિટનું પ્રવચન આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, “આ બિલ કોઈ સંસ્કૃતિને મિટાવવા માટે નથી. આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે. મહિલાઓ અને બાળકોના ન્યાયને કેન્દ્રમાં રાખીને આ સંહિતા તૈયાર કરવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ જ આ બિલ લાવવામાં આવ્યું છે.” સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કાયદો અનુસૂચિત જનજાતિઓ (ST) અને કેટલાક પરંપરાગત અધિકારો ધરાવતા સમુદાયો પર લાગુ પડશે નહીં. સાથે જ કેટલીક પરંપરાગત લગ્ન પ્રથાઓને પણ મર્યાદિત છૂટ આપવામાં આવી છે.
ગૃહમાં ચર્ચા અને રાજકીય તણાવ
બિલ પર ચર્ચા દરમિયાન સત્તાપક્ષ અને વિરોધપક્ષ વચ્ચે તીવ્ર વાદ-વિવાદ જોવા મળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર બિલ ઉતાવળે લાવવાનો આરોપ લગાવ્યો અને મતદાન પહેલાં વોકઆઉટ કર્યું. ચર્ચા દરમિયાન હલાલા મુદ્દે શાબ્દિક ટકરાવ પણ થયો હતો.
