“ગુજરાતીઓ ક્યાં હતા?”—મહુઆ મોઇત્રાના નિવેદનથી સોશિયલ મીડિયા ગરમાયું
Ahmedabad 29 March, 2026: પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજકીય વાકયુદ્ધ દરમિયાન TMC સાંસદ મહુઆ મોઇત્રાના એક નિવેદને નવા વિવાદને જન્મ આપ્યો છે. મહુઆ મોઇત્રાનું નિવેદન 28 માર્ચ, 2026ના રોજ યોજાયેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપવામાં આવ્યું હતું, જે પછીથી સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
શું કહ્યું મહુઆ મોઇત્રાએ?
પ્રેસ કોન્ફરન્સમાં મહુઆ મોઇત્રાએ બંગાળના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “અમે અંગ્રેજો સામેના સ્વાતંત્ર્ય આંદોલનનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ ક્યાં હતા?” તેમણે દાવો કર્યો કે કાલાપાણીમાં કેદ થયેલા અને શહીદ થયેલા લોકોમાં મોટાભાગના નામ બંગાળીઓના હતા. તેનાથી પડકાર ઉભો કર્યો કે કોઈ એક ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાનીનું નામ આપી શકાય તો જણાવો. તેમણે વીર સાવરકરનો ઉલ્લેખ કરીને તેમને ગુજરાતી ગણાવ્યા, જ્યારે વાસ્તવમાં તેઓ મહારાષ્ટ્રના હતા. આ નિવેદનને લઈ લોકોએ સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ કર્યું.
સોશિયલ મીડિયા પર પલટવાર
મહુઆ મોઇત્રાના નિવેદન બાદ યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. ઘણા લોકોએ પૂછ્યું કે શું તેમણે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન ગુજરાતી નેતાઓની ભૂમિકા ભૂલી છે? યુઝર્સે દાદાભાઈ નૌરોજી, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા અને અનસૂયા સારાભાઈ સહિત 30થી વધુ ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી શેર કરી, જેનાથી મોઇત્રાના નિવેદનનો વિરોધ થયો સોશિયલ મીડિયામાં અનેક લોકોએ આ નિવેદન પ્રાદેશિક નફરત ફેલાવવાનો પ્રયાસ હોવાનું આક્ષેપ કર્યો છે. અનેક લોકોએ જણાવ્યું કે ભારતના સ્વાતંત્ર્ય માટે દરેક રાજ્ય અને સમુદાયે યોગદાન આપ્યું છે અને આ પ્રકારના નિવેદનો દેશના એકતા માટે ખતરનાક છે.
