સતાધાર ફ્લાયઓવર ખુલ્યો: અમદાવાદના ટ્રાફિકને મળશે મોટી રાહત
Ahmedabad 29 March, 2026: અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું રૂપે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સતાધાર જંક્શન પર નવનિર્મિત ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ આ ફ્લાયઓવર આશરે 975 મીટર લાંબો અને 16.5 મીટર પહોળો છે, જેમાં ચાર લેનની સુવિધા ઉપલબ્ધ છે. અંદાજે ₹100 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલ આ પ્રોજેક્ટનું કામ 2023માં શરૂ થયું હતું. આ ફ્લાયઓવર શરૂ થતાં ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી જેવા વિસ્તારો વચ્ચેની અવરજવર સરળ બનશે. ખાસ કરીને સતાધાર જંક્શન પર થતા ટ્રાફિક જામ અને ડાયવર્ઝન જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે. આ પ્રોજેક્ટથી દૈનિક આશરે 1.5 લાખથી વધુ વાહનચાલકોને લાભ મળશે. ફ્લાયઓવર સાથે સાથે માર્ગલાઇટિંગ, પેવમેન્ટ, મિડિયન જેવી જરૂરી સુવિધાઓ પણ પૂર્ણ કરવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનશે.
લાંબા સમયથી રાહ જોવાતો આ ફ્લાયઓવર શરૂ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. શહેરના વિકાસમાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ યોગદાન આપશે અને ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત લાવશે.
