એક જ ઉમેદવાર: ત્રણેય પાર્ટીના ઉમેદવારી ફોર્મ ભર્યા!
Dahod , 12 April, 2026 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દાહોદ અને અરવલ્લી જિલ્લામાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક જ ઉમેદવારે એકથી વધુ રાજકીય પક્ષોમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાના બનાવે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ચૂંટણીના નિયમો અનુસાર, કોઈ ઉમેદવાર એકથી વધુ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવે તો સૌથી પહેલા ભરાયેલું ફોર્મ જ માન્ય ગણાય છે. આવી સ્થિતિમાં ચૂંટણી અધિકારીઓ માટે યોગ્ય નિર્ણય લેવાનો પડકાર ઉભો થાય છે.
દાહોદમાં ત્રણ પક્ષમાંથી એક જ ઉમેદવાર
દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર ભારતસિંહ વાખળાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી – ત્રણેય પક્ષમાંથી ઉમેદવારી પત્રો ભર્યા છે. ચૂંટણી અધિકારીએ આ તમામ ફોર્મ સ્વીકારી લીધા હોવાની માહિતી સામે આવી છે, જેનાથી રાજકીય ગૂંચવણ સર્જાઈ છે. વિશેષ વાત એ છે કે, એક જ ઉમેદવારને ત્રણેય પક્ષોએ ટિકિટ આપતા પક્ષોની આંતરિક વ્યવસ્થાપન અને સંકલન પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નિયમ અનુસાર સૌથી પહેલા ભરાયેલું ઉમેદવારી ફોર્મ જ માન્ય ગણાશે. હાલ આ ઉમેદવાર ગાયબ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, જેના કારણે મામલો વધુ રસપ્રદ બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, પીપેરો બેઠક પૂર્વ મંત્રી બચુ ખાબડનો ગઢ માનવામાં આવે છે, જેથી આ બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે.
ધનસુરામાં બે પક્ષના મેન્ડેટ સાથે ઉમેદવાર
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા પંચાયતની રમોશ બેઠક પર ભીખુસિંહ અર્જુનસિંહ ચૌહાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી – બંને પક્ષમાંથી મેન્ડેટ મેળવી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન તેમણે બંને પક્ષના ફોર્મ ચૂંટણી અધિકારીને સોંપ્યા હતા.
ધનસુરા તાલુકો પહેલેથી જ પેપર લીક, છેતરપિંડી અને જમીન સંબંધિત વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો છે. હવે આ નવી ઘટના એ ચર્ચાને વધુ વેગ આપતી જોવા મળી રહી છે.
રાજ્યભરમાં અંતિમ દિવસે ધસારો અને ગૂંચવણ
ગુજરાતમાં કુલ 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત, 84 નગરપાલિકા અને 15 મહાનગરપાલિકાની લગભગ 10,000 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે રાજ્યભરમાં ભારે ધસારો જોવા મળ્યો હતો.
ખાસ કરીને ભાજપે અંતિમ દિવસે હજારો ઉમેદવારો જાહેર કરતાં ઘણા સ્થળોએ છેલ્લી ઘડીએ ફેરફાર કરવાના પડ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ મેન્ડેટ બદલવાની સ્થિતિ ઊભી થઈ હતી. ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકર્તાઓએ અપક્ષ તરીકે કે પક્ષપલટો કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરવાના બનાવો પણ સામે આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, પક્ષોની આંતરિક સંકલન ક્ષમતા અને પારદર્શિતાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે ચૂંટણી પંચ શું નિર્ણય લે છે તે તરફ સૌની નજર ટકેલી છે.
www.gujaratupdates.com
