દારૂબંધીવાળા ગુજરાતમાં ચૂંટણી ટાણે ક્યાં જિલ્લા માં ‘ડ્રાય ડે’ જાહેર!
Dang 20 April 2026 : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારો નિર્ભયતાપૂર્વક મતદાન કરી શકે તે હેતુથી જિલ્લામાં દારૂ અને નશાકારક પદાર્થોના વેચાણ તથા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ તા. 24ના સાંજના 6 વાગ્યાથી તા. 26ના સાંજના 6 વાગ્યા સુધી 48 કલાક માટે “ડ્રાય ડે” જાહેર કરવામાં આવ્યો છે. જો પુનઃમતદાન યોજાય તો તે દિવસ પણ આ પ્રતિબંધ હેઠળ રહેશે. ઉપરાંત, મતગણતરીના દિવસે તા. 28ને મંગળવારે, મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી દારૂના વેચાણ અને પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આ નિર્ણય મુંબઈ પ્રોહિબીશન અધિનિયમ, 1949ની કલમ 142(1) હેઠળ લેવામાં આવ્યો છે. જિલ્લા મેજીસ્ટ્રેટ શાલિની દુહાને આ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે યોજાય તે મુખ્ય હેતુ દર્શાવવામાં આવ્યો છે.
જાહેરનામાનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 135 હેઠળ ગુનો નોંધાશે અને કાર્યવાહી માટે જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને તેથી ઉપરના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં ચૂંટણી સમયગાળા દરમિયાન ડ્રાય ડે જાહેર થવાથી લોકોમાં ચર્ચા પણ જાગી છે. તેમ છતાં વહીવટી તંત્રનું કહેવું છે કે મતદાન પ્રક્રિયા દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ પગલું જરૂરી છે.
www.gujaratupdates.com
