ભારતમુખ્ય સમાચાર

બર્ગી ડેમમાં ક્રૂઝ કેમ ડૂબી ગયો?

Jabalpur , 01 May, 2026 Gujarat Updates Team: મધ્યપ્રદેશના જબલપુર સ્થિત નર્મદા નદીના બેકવોટર વિસ્તારમાં આવેલા બર્ગી ડેમમાં ગુરુવારે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક આવેલા તોફાન અને તેજ પવનના કારણે પ્રવાસીઓથી ભરેલો ક્રૂઝ જળાશયમાં ડૂબી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 28 લોકોને જીવતા બચાવવામાં આવ્યા છે. હજુ પણ 6 લોકો લાપતા છે અને તેમની શોધખોળ ચાલુ છે.

મળતી માહિતી મુજબ, સાંજના સમયે અચાનક હવામાન બદલાયું અને 60–70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે ઊંચી લહેરો ઊઠી હતી. આ પરિસ્થિતિમાં ક્રૂઝ સંતુલન ગુમાવી બેસ્યું અને પાણીમાં પલટી ગયું.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક માછીમારો, નાવિકો અને પ્રશાસન દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ SDRF, NDRF અને સેનાની ટીમો પણ સ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધી અનેક લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કેટલાક મૃતદેહો પાણીમાંથી મળી આવ્યા છે. પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા મુજબ, દ્રશ્યતા ઓછી હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. લાપતા લોકોની શોધ માટે ડાઈવિંગ ટીમો સતત કામ કરી રહી છે અને ક્રૂઝને બહાર કાઢવાની કામગીરી પણ ચાલુ છે.

ઘટનામાં બચેલા કેટલાક પ્રવાસીઓએ જીવનરક્ષક જાકેટ પૂરતા ન હોવાનો આક્ષેપ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગે પણ દુર્ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. પર્યટન સ્થળ તરીકે જાણીતા બર્ગી ડેમમાં બનેલી આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઉભા થયા છે.

www.gujaratupdates.com