મુખ્ય સમાચારWorldઆંતરરાષ્ટ્રીયગુજરાતટેકનોલોજીભારત

લોથલથી કલ્પસર સુધી ગુજરાતને વૈશ્વિક સહયોગ

ગુજરાતના વિકાસને મળ્યો યુરોપનો સાથ

18 May 2026 Gujarat Updates Team: ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગુજરાતના મહત્ત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે ટેકનિકલ સહકારનું ઐતિહાસિક કરાર થતા રાજ્યના જળસંચય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ મળવાની શક્યતા ઊભી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ્સ મુલાકાત દરમિયાન બંને દેશોએ ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ (LoI) પર હસ્તાક્ષર કર્યા, જે ગુજરાત માટે લાંબા ગાળે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

નેધરલેન્ડ્સના પ્રખ્યાત અફસ્લુઈટડાઈક ડેમ(Afsluitdijk Dam) ની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ પાણી વ્યવસ્થાપન અને દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે ડચ ટેકનોલોજીની પ્રશંસા કરી હતી. 32 કિલોમીટર લાંબો આ ડેમ વિશ્વભરમાં ફ્લડ કંટ્રોલ, દરિયાઈ સુરક્ષા અને ફ્રેશ વોટર સ્ટોરેજ માટે પ્રેરણારૂપ માનવામાં આવે છે.

ગુજરાતના ખંભાતના અખાત ઉપર કલ્પસર ડેમ બાંધવાની કલ્પના વર્ષો જૂની છે, પરંતુ હવે નેધરલેન્ડ્સની ટેકનિકલ મદદથી આ પ્રોજેક્ટને વાસ્તવિક સ્વરૂપ મળવાની આશા વધી છે. કલ્પસર યોજના હેઠળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડવાનો મહત્ત્વાકાંક્ષી પ્લાન છે. સાથે જ દરિયાના પાણીમાંથી વિશાળ મીઠાશ રહિત જળાશય ઉભો કરવાનો પણ હેતુ છે.

અફસ્લુઈટડાઈક ડેમ (Afsluitdijk Dam) થી શું શીખશે ગુજરાત?
નેધરલેન્ડ્સ વર્ષોથી દરિયાઈ પૂર અને પાણી સંચાલન માટે વિશ્વનું મોડલ ગણાય છે. અફસ્લુઈટડાઈક ડેમે (Afsluitdijk Dam) સમુદ્રના ખારા પાણી સામે રક્ષણ આપીને લાખો લોકોને સુરક્ષા આપી છે. ગુજરાતના ખંભાતના અખાતમાં પણ દરિયાઈ પ્રવાહ અને જ્વારભાટાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કલ્પસરનું ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

વિશેષજ્ઞો માને છે કે જો કલ્પસર સફળ બને તો ગુજરાતમાં પાણીની અછતનો મોટો પ્રશ્ન હળવો થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે મોટી રાહત મળી શકે છે.

આ પ્રોજેક્ટ દ્વારા:

  • લાખો ક્યુબિક મીટર તાજા પાણીનો સંગ્રહ થશે
  • સિંચાઈ વિસ્તાર વધશે
  • રોડ અને રેલ કનેક્ટિવિટી મજબૂત બનશે
  • જ્વારભાટા ઊર્જા ઉત્પાદન શક્ય બનશે
  • ઉદ્યોગોને પાણી પુરવઠો મળશે

મોદી-રોબ જેટન બેઠકમાં જળસહકાર પર ભાર
નેધરલેન્ડ્સના વડાપ્રધાન રોબ જેટન સાથેની બેઠક દરમિયાન બંને નેતાઓએ જળસંચય, ક્લાઈમેટ રેઝિલિયન્સ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂક્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને દેશો વચ્ચેનું આ સહકાર કરાર ભવિષ્યમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પણ જણાવ્યું કે નેધરલેન્ડ્સે પાણી સંચાલનમાં વિશ્વને માર્ગદર્શન આપ્યું છે અને ભારત આ ટેક્નોલોજીમાંથી ઘણું શીખી શકે છે.

ગુજરાત માટે કેમ મહત્વપૂર્ણ છે કલ્પસર?
ગુજરાત વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરે છે. સરદાર સરોવર અને નર્મદા યોજના બાદ કલ્પસરને રાજ્યની સૌથી મોટી જળયોજનામાં ગણવામાં આવે છે.

કલ્પસર પૂર્ણ થવાથી:

  • ખંભાતના અખાત ઉપર વિશાળ ડેમ ઉભો થશે
  • સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત વચ્ચે મુસાફરી સમય ઘટશે
  • પાણી સંગ્રહ ક્ષમતા વધી જશે
  • ખેતી અને ઉદ્યોગોને લાંબા ગાળે ફાયદો થશે

રાજ્ય સરકાર વર્ષોથી આ પ્રોજેક્ટ પર સર્વે અને ફીઝીબિલિટી અભ્યાસ કરી રહી છે. હવે ડચ ટેક્નિકલ સહકાર મળતા પ્રોજેક્ટની પ્રક્રિયા વધુ ઝડપી બની શકે છે.

પર્યાવરણ અને પડકારો પણ મહત્વના
જોકે કલ્પસરને લઈને અનેક આશાઓ છે, પરંતુ પર્યાવરણવિદો કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. દરિયાઈ જૈવિવિવિધતા, મરીન ઈકોસિસ્ટમ અને સિલ્ટેશન જેવી સમસ્યાઓ પર ઊંડો અભ્યાસ જરૂરી ગણાય છે. વિશેષજ્ઞો માને છે કે નેધરલેન્ડ્સની ટેકનોલોજી અને અનુભવથી પર્યાવરણીય જોખમો ઘટાડવામાં મદદ મળી શકે છે. ડચ મોડલ ખાસ કરીને દરિયાઈ પાણી નિયંત્રણ અને ફ્લડ મેનેજમેન્ટમાં સફળ માનવામાં આવે છે.

લોથલ માટે પણ મોટું સહયોગ
માત્ર કલ્પસર જ નહીં, પરંતુ ગુજરાતના ઐતિહાસિક લોથલને વૈશ્વિક દરિયાઈ વારસા કેન્દ્ર તરીકે વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ સહકાર મળ્યો છે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) માટે એમ્સ્ટરડેમના નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમ અને ભારતના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય વચ્ચે MoU કરવામાં આવ્યું છે.લોથલ વિશ્વની સૌથી પ્રાચીન બંદર સંસ્કૃતિઓમાંનું એક માનવામાં આવે છે. હવે આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતનું ઐતિહાસિક ગૌરવ વૈશ્વિક સ્તરે વધુ ઉજાગર થવાની આશા છે.

વિશેષજ્ઞોના મત અનુસાર NMHC પ્રોજેક્ટથી:

  • ટૂરિઝમમાં વધારો થશે
  • સ્થાનિક રોજગારી ઊભી થશે
  • દરિયાઈ ઇતિહાસનું વૈશ્વિક પ્રદર્શન થશે
  • ગુજરાતને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ઓળખ મળશે

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને લાભ
મોદીની નેધરલેન્ડ્સ મુલાકાત દરમિયાન સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ મોટું સહયોગ સામે આવ્યું છે. Eindhoven University of Technology અને University of Twente સાથે ભારતની અગ્રણી સંસ્થાઓ — IISc Bangalore, IIT Bombay, IIT Delhi, IIT Gandhinagar, IIT Guwahati અને IIT Madras વચ્ચે Memorandum of Cooperation થયું છે. આ પહેલમાં ASML, NXP, Tata અને CG Semi જેવી વૈશ્વિક કંપનીઓ ભાગીદાર છે. IIT ગાંધીનગર માટે આ મોટું અવસર ગણાઈ રહ્યું છે.

આ ‘બ્રેઈન બ્રિજ’ પહેલ દ્વારા:

  • સેમિકન્ડક્ટર રિસર્ચ મજબૂત બનશે
  • સ્ટુડન્ટ એક્સચેન્જ વધશે
  • નવી ટેક્નોલોજી વિકસશે
  • ઈન્ડસ્ટ્રી-એકેડેમિયા સહકાર વધશે
  • ભારતમાં ચિપ મેન્યુફેક્ચરિંગને ગતિ મળશે

ધોલેરામાં ભારતની પ્રથમ 300mm ફેબ
ટાટા ઇલેક્ટ્રોનિક્સે ધોલેરામાં ₹91,000 કરોડ (~11 અબજ USD)ના રોકાણ સાથે ભારતની પ્રથમ 300mm સેમિકન્ડક્ટર ફેબ સ્થાપિત કરવાની યોજના તૈયાર કરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને નેધરલેન્ડની અગ્રણી સેમિકન્ડક્ટર ટેક્નોલોજી કંપની ASML વચ્ચે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણા કરવામાં આવી છે.

ભારત-નેધરલેન્ડ્સ સંબંધોને નવી ઊંચાઈ
મોદીની આ મુલાકાત માત્ર ડિપ્લોમેટિક ઇવેન્ટ નથી, પરંતુ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેના ટેક્નોલોજી, પાણી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન સહકારનો નવો અધ્યાય છે.જળસંચયથી લઈને સેમિકન્ડક્ટર સુધી અને દરિયાઈ વારસાથી લઈને ક્લાઈમેટ રેઝિલિયન્સ સુધી બંને દેશો હવે લાંબા ગાળાના ભાગીદાર તરીકે આગળ વધી રહ્યા છે. ગુજરાત માટે ખાસ કરીને આ મુલાકાત વિકાસના અનેક નવા દરવાજા ખોલે છે. જો કલ્પસર યોજના વાસ્તવિકતા બને તો તે રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસમાં ઐતિહાસિક યોગદાન આપી શકે છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.