7 ટર્મ બાદ બ્રેક!
Bharuch 13 April, 2026: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભરૂચ-નર્મદા લોકસભા બેઠક પરથી સાત વખત સતત ચૂંટાઈ આવેલા સાંસદ મનસુખ વસાવા ( Mansukh Vasava) એ આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. 12 એપ્રિલ 2026ના રોજ કરેલી આ જાહેરાત સાથે તેમણે પોતાની લાંબી અને પ્રભાવશાળી રાજકીય કારકિર્દીને નવા વળાંક પર લાવી છે. વસાવાએ જણાવ્યું કે તેઓ 1995માં રાજપીપળા બેઠક પરથી વિધાનસભ્ય બન્યા હતા અને ત્યારબાદ કેશુભાઈ પટેલ ની સરકારમાં મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. 1998થી સતત ભરૂચ લોકસભા બેઠક જીતતા આવ્યા છે, તેમ છતાં હવે તેઓ પક્ષના અન્ય કાર્યકરો માટે માર્ગ મોકળો કરવા માંગે છે.
વસાવાએ પોતાના નિર્ણય પાછળનું કારણ સમજાવતા કહ્યું કે હવે યુવા કાર્યકરોને આગળ લાવવાનો સમય આવી ગયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પક્ષે નવા અને ઊર્જાવાન ચહેરાઓને તક આપવી જોઈએ જેથી ભવિષ્યમાં મજબૂત નેતૃત્વ ઉભું થઈ શકે.તેમણે કહ્યું કે ભાજપ એક શિસ્તબદ્ધ અને કાર્યકર્તા આધારિત પાર્ટી છે, જ્યાં “હું નહીં, પણ તમે”નો ભાવ મહત્વનો છે. તેથી આગામી ચૂંટણીમાં નવા ઉમેદવારને તક આપવી પક્ષ માટે જરૂરી છે.
વસાવાએ ભાજપને ઉમેદવાર પસંદગી અંગે પણ મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે કહ્યું કે પક્ષે આગોતરા આયોજન કરવું જોઈએ અને વિકલ્પ રૂપે નવા નેતાઓ તૈયાર રાખવા જોઈએ. ચૂંટણી નજીક આવે ત્યારે અચાનક ફેરફારો કરવાથી યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
આ જાહેરાત તે સમયે આવી છે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમ છે. તાજેતરમાં કેતન ઇનામદાર (Ketan Inamdar) એ પણ આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી, જે રાજ્યની રાજકીય ગતિવિધિઓમાં મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે.
મનસુખ વસાવા પોતાના આક્રમક અંદાજ અને સ્પષ્ટ વક્તવ્ય માટે જાણીતા રહ્યા છે. તેઓ ઘણીવાર પોતાના પક્ષ સામે પણ ખુલ્લેઆમ બોલતા હતા. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તેમની અને Chaitar Vasava વચ્ચેની રાજકીય સ્પર્ધા ચર્ચાનો વિષય રહી છે.
જોકે વસાવાએ અગાઉ પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ ફરીથી ચૂંટણી લડી હતી, તેથી આ વખતની જાહેરાત કેટલા અંશે અમલમાં આવે છે તે જોવાનું રહેશે.
www.gujaratupdates.com
