આરોપીઓની કાનૂની સ્થિતિ શું કહે છે?
રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટના : બે વર્ષ પછી પણ ન્યાયની રાહમાં પરિવારો
25 May 2026 Gujarat Updates Team: 25 મે 2024… રાજકોટના ઈતિહાસમાં ક્યારેય ન ભૂલાય એવી આ તારીખ આજે પણ લોકોના હૃદયમાં દાઝી રહી છે. કાલાવડ રોડ નજીક આવેલા TRP ગેમઝોનમાં લાગેલી ભયાનક આગે પળવારમાં 27 નિર્દોષ જિંદગીઓને ભસ્મ કરી દીધી હતી. હાસ્ય અને મોજમસ્તીથી ગૂંજી રહેલું ગેમઝોન થોડા જ સમયમાં ચીસો, દોડધામ અને આક્રંદથી ગુંજી ઉઠ્યું હતું. બે વર્ષ બાદ પણ આ ઘટનાના ઘા તાજા છે. અનેક પરિવારો આજે પણ પોતાના સંતાનો અને સ્વજનોની યાદમાં આંસુ વહાવી રહ્યા છે. રાજકોટ માટે આ માત્ર અકસ્માત નહોતો, પરંતુ સમગ્ર શહેરને હચમચાવી નાખનાર માનવસર્જિત દુર્ઘટના હતી.
બેદરકારી બની મોતનું કારણ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે ગેમઝોનમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નહોતા. ફાયર NOC વગર જ ગેમઝોન વર્ષોથી ધમધમતું રહ્યું હતું. ટીનના પતરાં અને જ્વલનશીલ સામગ્રીથી બનેલું માળખું આગ માટે જાણે બારૂદ સમાન બન્યું હતું.વેલ્ડિંગ દરમિયાન નીકળેલી ચીંગારીથી આગ ફાટી નીકળી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. અંદર પેટ્રોલ-ડીઝલનો જથ્થો સંગ્રહિત હોવાને કારણે આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર એક જ એક્ઝિટ હોવાથી લોકો બહાર નીકળી શક્યા નહોતા.
હાઈકોર્ટની કડક ટિપ્પણી
ઘટનાની ગંભીરતા જોતા Gujarat High Courtએ સુઓમોટો કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટે આ સમગ્ર ઘટનાને “મેનમેઇડ ડિઝાસ્ટર” ગણાવી તંત્ર સામે કડક વલણ દાખવ્યું હતું. ગેરકાયદેસર રીતે ચાલતા ગેમઝોન સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ તે અંગે પણ સવાલો ઉઠાવાયા હતા.આ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી ચેકિંગ શરૂ કરાયું હતું. અનેક ગેમઝોન, મોલ અને કોમર્શિયલ એકમો સામે કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.
DNA ટેસ્ટથી થઈ ઓળખ
આગ એટલી વિકરાળ હતી કે ઘણા મૃતદેહોની ઓળખ શક્ય રહી નહોતી. અનેક પરિવારોને પોતાના સંતાનોની ઓળખ માટે DNA ટેસ્ટનો સહારો લેવો પડ્યો હતો. એ ક્ષણો આજે પણ પરિવારજનોને હચમચાવી નાખે છે. ઘણા માતા-પિતા હજુ પણ માનસિક આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. કેટલાક ઘરોમાં બાળકોના રૂમ આજે પણ જેમના તેમ જ રાખવામાં આવ્યા છે.
SIT તપાસ અને કોર્ટ કાર્યવાહી
ઘટના બાદ રાજ્ય સરકારે SITની રચના કરી હતી. ગેમઝોનના સંચાલકો, મેનેજરો તેમજ મ્યુનિસિપલ અને ફાયર વિભાગના કેટલાક અધિકારીઓ સામે ગુનાઓ નોંધાયા હતા. અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. તાજેતરમાં આરોપીઓ દ્વારા કરાયેલી ડિસ્ચાર્જ અરજીઓ કોર્ટએ ફગાવી દીધી હતી. કોર્ટએ સ્પષ્ટ કર્યું હતું કે કેસમાં ગંભીર બેદરકારી અને ફરજમાં નિષ્ફળતા દેખાઈ આવે છે.
આરોપીઓની કાનૂની સ્થિતિ શું કહે છે?
રાજકોટના TRP Game Zone અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ થયા છતાં કેસ હજુ ન્યાયિક પ્રક્રિયામાં છે. 27 નિર્દોષ લોકોના જીવ લેનારી આ દુર્ઘટનામાં ગેમઝોન સંચાલકો ઉપરાંત સરકારી તંત્રની ભૂમિકાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા હતા. હાલ કેસમાં કુલ 15 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહ્યો છે. આ તમામ આરોપીઓ સામે IPC કલમ 304, 308, 337, 338 અને 114 સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. કોર્ટના મત મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીઓની બેદરકારી અને ફરજમાં નિષ્ફળતા સામે પૂરતા પુરાવા જોવા મળે છે.
કોર્ટમાં આરોપીઓએ પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. તેમની તરફથી દલીલ કરવામાં આવી રહી છે કે આ ઘટના અકસ્માત હતી અને ઇરાદાપૂર્વક કોઈ ગુનો કરવામાં આવ્યો નથી. જોકે, પ્રોસિક્યુશનનો દાવો છે કે ફાયર સેફ્ટીના નિયમોની અવગણના અને ગેરકાયદેસર મંજૂરીઓના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હતી.
સેશન કોર્ટ અને બાદમાં Gujarat High Courtએ ઘણા આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. એટલે કે કોર્ટએ માન્યું હતું કે કેસ ટ્રાયલ લાયક છે અને આરોપીઓને સીધા મુક્ત કરી શકાય નહીં. કેટલાક આરોપીઓએ Supreme Courtમાં પણ અરજી કરી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે પણ ટ્રાયલ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. આથી સ્પષ્ટ થયું કે કોર્ટ આ કેસને અત્યંત ગંભીરતાથી જોઈ રહી છે.
જામીન પર બહાર આરોપીઓ
શરૂઆતમાં ઘણા આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, સમય જતાં અને લાંબી ટ્રાયલની દલીલોના આધારે મોટાભાગના આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. કોર્ટએ parityના આધારે પણ કેટલાક આરોપીઓને રાહત આપી હતી.
મનસુખ સાગઠિયા સામે અલગ તપાસ
પૂર્વ Town Planning Officer મનસુખ સાગઠિયા સામે ACB અને Enforcement Directorate (ED) દ્વારા અલગ તપાસ ચાલી રહી છે. તેમના પર ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર સંપત્તિ અને money launderingના આરોપો છે. EDએ કરોડોની મિલકતો અંગે કાર્યવાહી પણ કરી છે.
300થી વધુ સાક્ષીઓ
કેસમાં 300થી વધુ સાક્ષીઓની જુબાની નોંધાવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં ડોક્ટરો, ફાયર અધિકારીઓ, બચી ગયેલા લોકો અને મૃતકોના પરિવારજનોનો સમાવેશ થાય છે. આ કારણે કેસ લાંબો ચાલે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
એક આરોપીનું મોત
કેસના આરોપી નિતિન લોઢાનું 2025 દરમિયાન હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમના અવસાન પછી તેમની સામેની કાર્યવાહી બંધ થઈ ગઈ હતી.
હજુ પણ ન્યાયની રાહ
અગ્નિકાંડમાં પોતાના સંતાનો અને સ્વજનો ગુમાવનાર પરિવારો હજુ પણ ઝડપી ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે માત્ર ગેમઝોન સંચાલકો જ નહીં, પરંતુ બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. હાલ સમગ્ર કેસ ટ્રાયલ સ્ટેજ પર છે અને અંતિમ ચુકાદો હજુ આવ્યો નથી. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોની જુબાની લેવામાં આવી રહી છે. પરિવારો આજે પણ આશા રાખી રહ્યા છે કે જવાબદારોને કડક સજા મળશે. પરંતુ સવાલ માત્ર સજાનો નથી. સવાલ એ છે કે શું આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે તંત્ર મૂળભૂત બદલાવ લાવશે?
રાજકોટ માટે ક્યારેય ન ભૂલાય એવી સાંજ
25 મે 2024ની એ સાંજ આજે પણ રાજકોટના મનમાં ધુમાડા જેવી ફેલાયેલી છે. બાળકોની ચીસો, ધગધગતી આગ અને સ્વજનોની તલાશ… આ બધું આજે પણ શહેરની યાદોમાં જીવંત છે. TRP ગેમઝોન હવે માત્ર એક સ્થળ નથી, પરંતુ બેદરકારી, ભ્રષ્ટાચાર અને માનવજીવન પ્રત્યેની ઉદાસીનતાનું પ્રતિક બની ગયું છે. બે વર્ષ પછી પણ આ ઘા હજુ રુઝાયો નથી… અને કદાચ ક્યારેય રુઝાશે પણ નહીં.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
