સૂકી સાબરમતીમાં ફરી જીવનધારા
નદીથી રિવરફ્રન્ટ સુધી નવી રોનક: સાબરમતીમાં પાણીની આવક શરૂ
24 June 2026 Gujarat Updates Team: રથયાત્રા પૂર્વે યોજાનારી પરંપરાગત જળયાત્રાને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીમાં ફરી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનાથી વાસણા બેરેજના સમારકામ અને ગેટ બદલવાની કામગીરીને કારણે મોટા ભાગે સૂકી દેખાતી સાબરમતી હવે ફરી જળમય બની છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રથયાત્રા પૂર્વેની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જુલાઈમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પહેલા 29 જૂને યોજાનારી જળયાત્રા માટે સાબરમતી નદીમાં પૂરતું પાણી ઉપલબ્ધ રહે તે માટે સિંચાઈ વિભાગને અગાઉથી પાણી છોડવાની વિનંતી કરવામાં આવી હતી. આ આયોજનના ભાગરૂપે નદીમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. આગામી દિવસોમાં સાબરમતીનું જળસ્તર સતત વધશે અને રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે.
વાસણા બેરેજના ગેટોના સમારકામ અને જાળવણી કાર્યને કારણે એપ્રિલ મહિનાથી સાબરમતી નદીનો મોટો ભાગ ખાલી કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન નદીપટમાં વ્યાપક સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં કચરો દૂર કરવાની સાથે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી. નદીમાં પાણી ન હોવાથી શહેરવાસીઓને સાબરમતીનું અનોખું અને ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય જોવા મળ્યું હતું. જોકે, કેટલાક વિસ્તારોમાં પાણીના અભાવે દુર્ગંધ ફેલાવા અને પર્યાવરણીય પડકારો પણ સર્જાયા હતા.
હવે વાસણા બેરેજના સમારકામનું મુખ્ય કામ પૂર્ણ થતાં નર્મદા નદીનું પાણી ફરીથી સાબરમતીમાં છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના જણાવ્યા મુજબ, 21 જૂનથી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં જળસ્તર ધીમે ધીમે વધશે. પાણીની આવક વધતા રિવરફ્રન્ટ વિસ્તાર ફરી એકવાર જળમય બનશે અને તેની આકર્ષક સુંદરતા પુનઃસ્થાપિત થશે.
પાણી છોડવાની પ્રક્રિયા શરૂ થતાં તંત્ર દ્વારા સલામતીને લઈને ખાસ સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. હાલમાં કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ઓછું હોવા છતાં તેમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી નદીપટ, ઘાટ વિસ્તાર, નીચાણવાળા ભાગો અને પાણીના પ્રવાહમાં અચાનક ફેરફાર થઈ શકે તેવા સ્થળોએ અનાવશ્યક અવરજવર ટાળવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બાળકો અને યુવાનોને સેલ્ફી કે મનોરંજન માટે જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા સૂચન કરવામાં આવ્યું છે.
શહેરવાસીઓ માટે આ માત્ર ધાર્મિક પ્રસંગ પૂરતો મુદ્દો નથી, પરંતુ રિવરફ્રન્ટના સૌંદર્ય, પર્યાવરણ અને નાગરિક જીવન સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. . સાબરમતી રિવરફ્રન્ટ માત્ર અમદાવાદનું ઓળખચિહ્ન નથી, પરંતુ શહેરના સામાજિક અને આર્થિક જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. પાણી ફરી આવતાં રિવરફ્રન્ટના બગીચા, પ્રોમેનેડ, અટલ બ્રિજ આસપાસનો વિસ્તાર તેમજ અન્ય જાહેર સ્થળો પર ફરીથી ચહલપહલ વધવાની શક્યતા છે. ઉનાળાના લાંબા સમયગાળા બાદ પાણીથી ભરાયેલી નદીનું દ્રશ્ય શહેરના સૌંદર્યમાં પણ વધારો કરશે.
ધાર્મિક પરંપરા, શહેરની ઓળખ અને રિવરફ્રન્ટના સૌંદર્યને જાળવવા માટે હાથ ધરાયેલા આ પગલાં અમદાવાદ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જોકે તંત્રે નાગરિકોને નદીકાંઠે જતા સમયે સાવચેતી રાખવા અને જાહેર કરાયેલી સલામતી સૂચનાઓનું પાલન કરવા ખાસ અપીલ કરી છે.
