મુખ્ય સમાચારગુજરાતભારત

બાલાજી ટ્રાવેલ્સની બસે સર્જ્યો અકસ્માત

રાજસ્થાનના બાડમેરથી સુરત જતી હતી બસ

17 June 2026 Gujarat Updates Team: વડોદરા શહેરના જરોદ-કોટમ્બી રોડ પર આવેલા કોટમ્બી સ્ટેડિયમ નજીક મંગળવારે વહેલી સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 9 વર્ષીય બાળક સહિત 7 લોકોના મોત થયા છે, જ્યારે 28થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી માટે અનેક એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત તરફ જઈ રહી હતી. વહેલી સવારે અંદાજે 4 વાગ્યાના સુમારે બસ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ નજીક રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો.

અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા, જેના કારણે જાનહાનિનું પ્રમાણ વધુ રહ્યું હતું. ટક્કર બાદ બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસોચીસ મચી ગઈ હતી. અનેક મુસાફરો બસની સીટો અને લોખંડના ભાગોમાં ફસાઈ ગયા હતા.

બચાવ માટે SDRF, NDRF અને ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી
અકસ્માતની જાણ થતાં જ SDRF, NDRF, વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન આધુનિક કટીંગ સાધનોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

NDRFની 6મી બટાલિયનના કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં માહિતી મળ્યા બાદ સવારે 4:40 વાગ્યે ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન 24 મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

SSG હોસ્પિટલમાં ઇમરજન્સી એલર્ટ
અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું.ગંભીર રીતે ઘાયલ મુસાફરોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે સામાન્ય ઇજાઓ ધરાવતા લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હોસ્પિટલમાં બ્લડ બેંક, દવાઓ અને સર્જિકલ સાધનોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

“અચાનક જોરદાર ઝટકો લાગ્યો”
અકસ્માતમાં ઘાયલ બનેલા બાંસીલાલ નામના મુસાફરે જણાવ્યું કે તે રોજગાર માટે રાજસ્થાનથી સુરત જઈ રહ્યો હતો. અકસ્માત સમયે તે ઊંઘમાં હતો. તેણે જણાવ્યું કે, “અચાનક એટલો જોરદાર ઝટકો લાગ્યો કે મને લાગ્યું જાણે કરંટ લાગ્યો હોય. આંખ ખુલતા આસપાસ ચીસો સંભળાઈ રહી હતી. બસનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા.”

સારવાર દરમિયાન વધુ એકનું મોત
અકસાન બાદ શરૂઆતમાં મૃત્યુઆંક ઓછો હતો, પરંતુ સારવાર દરમિયાન 30 વર્ષીય હરજીંગ કટારાનું મોત થતાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો. મૃતકોમાં એક 9 વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. મોટાભાગના મુસાફરો રાજસ્થાનના હોવાના કારણે રાજ્ય બહારના અધિકારીઓ સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

અકસ્માતનું કારણ શોધવા તપાસ શરૂ
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બસના ચાલકને ઊંઘ આવી જવી, વધુ ઝડપ અથવા રસ્તા પર પાર્ક કરાયેલી ટ્રક જેવા વિવિધ પાસાઓની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક રીતે એવું માનવામાં આવી રહ્યું છે કે બસના ચાલકે આગળ ઊભેલી ટ્રકને સમયસર જોઈ ન શકતા અકસ્માત સર્જાયો હોઈ શકે છે. જોકે, સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાના આધારે સાચું કારણ બહાર આવશે.

માર્ગ સુરક્ષા અંગે ફરી ઉઠ્યા સવાલ
આ અકસ્માત બાદ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને હાઈવે પર પાર્ક થતાં ભારે વાહનો અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રસ્તા પર બેદરકારીપૂર્વક પાર્ક કરાયેલા વાહનો અનેક વખત અકસ્માતનું કારણ બને છે. લોકોએ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા અને લાંબા રૂટ પર ચાલતા વાહનચાલકો માટે સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની માંગ કરી છે.

આ દુર્ઘટનાએ અનેક પરિવારોને શોકમાં મૂકી દીધા છે. સમગ્ર ગુજરાતમાંથી મૃતકો પ્રત્યે શોક અને ઘાયલો માટે પ્રાર્થનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.