ગુજરાતમુખ્ય સમાચારરાજનીતિ

BIG UPDATE: ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર

Gandhinagar, 01 April, 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નું ઐતિહાસિક રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1 એપ્રિલ, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યભરની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કેઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત 6 એપ્રિલથી થશે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 13 એપ્રિલે હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીઓ માટે મતદાન 26 એપ્રિલે યોજાશે.

આ વખતે રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકા (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય), 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત (જેમાં 17 નવી તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે) માટે ચૂંટણી યોજાશે. મતદારોની સંખ્યા આશરે 4 કરોડ 18 લાખ 91 હજાર 700 જેટલી છે, જે આ ચૂંટણીને વિશાળ લોકશાહી પ્રક્રિયા બનાવે છે.

કેટલી બેઠકો પર ચૂંટણી?
આ ચૂંટણીમાં કુલ 10,039 બેઠકો પર મતદાન યોજાશે. તેની વિગત નીચે મુજબ છે:

15 મહાનગરપાલિકા:1044 બેઠકો
84 નગરપાલિકા: 2632 બેઠકો
260 તાલુકા પંચાયત:5271 બેઠકો
34 જિલ્લા પંચાયત: 1092 બેઠકો
કુલ બેઠકો: 10,039 બેઠકો

ચૂંટણી કાર્યક્રમ (શેડ્યૂલ)
ચૂંટણી માટે જાહેર કરાયેલ સમયપત્રક મુજબ:

  • જાહેરનામું બહાર પાડવાની તારીખ: 6 એપ્રિલ, 2026
  • ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
  • ઉમેદવારી ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
  • ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ, 2026
  • મતદાન: 26 એપ્રિલ, 2026 (સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી)
  • રીપોલ (જરૂર પડે તો): 27 એપ્રિલ, 2026
  • મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026

ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચાર સંહિતા તાત્કાલિક અમલમાં આવી ગઈ છે.

નવા મહાનગરપાલિકાઓમાં પ્રથમ ચૂંટણી
ગુજરાત સરકારે તાજેતરમાં કેટલીક નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આ શહેરોમાં આ વખતે પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે ચૂંટણી યોજાશે. તેમાં સમાવેશ થાય છે:

  • આણંદ-કરમસદ
  • ગાંધીધામ
  • મહેસાણા
  • મોરબી
  • નડિયાદ
  • નવસારી
  • પોરબંદર
  • સુરેન્દ્રનગર
  • વાપી

આ શહેરોમાં આ ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

OBC અનામતનું નવું રોટેશન
આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી (OBC) અનામત બેઠકોમાં કરવામાં આવેલ નવું રોટેશન છે. ઝવેરી કમિશનની ભલામણો આધારે અમલમાં આવેલા નવા નિયમો મુજબ જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ બદલાવને કારણે રાજકીય પક્ષોને નવી રણનીતિ ઘડવી પડશે.

વહીવટદારોના શાસનનો અંત
છેલ્લા કેટલાક સમયથી સીમાંકન અને અનામત મુદ્દાઓને કારણે અનેક સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી યોજાઈ નહોતી અને ત્યાં વહીવટદારો કાર્યરત હતા. હવે ચૂંટણીની જાહેરાત થતાં લોકશાહી પ્રણાલી ફરી સક્રિય બનશે અને લોકો પોતાના પ્રતિનિધિઓને પસંદ કરી શકશે.

હવે સમગ્ર રાજ્યની નજર 26 એપ્રિલના મતદાન અને 28 એપ્રિલના પરિણામો પર ટકેલી છે, જ્યાંથી ગુજરાતની રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ સંકેતો મળશે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.