મુખ્ય સમાચારઅર્થતંત્રબિઝનેસભારત

સોનાં-ચાંદીના ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કેન્દ્રનો મોટો વધારો

સોનાં-ચાંદીના ઈમ્પોર્ટ ડ્યૂટી માં કેન્દ્રનો મોટો વધારો

13 May 2026 Gujarat Updates Team: દેશના વધતા ગોલ્ડ આયાત બિલ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાની વચ્ચે કેન્દ્ર સરકારે સોનાં, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની આયાત પર કસ્ટમ ડ્યૂટીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સૂચનાઓ મુજબ 13 મે મધરાતથી અમલમાં આવેલા આ નિર્ણયથી બુલિયન માર્કેટ, જ્વેલરી ઉદ્યોગ અને કિંમતી ધાતુઓના વેપારીઓ પર સીધી અસર જોવા મળશે.

કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર હવે 10 ટકા બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી (BCD) અને 5 ટકા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લાગુ કર્યો છે. આ નવા નિર્ણય બાદ સોના-ચાંદી પરનો કુલ અસરકારક આયાત કર 6 ટકાથી વધીને સીધો 15 ટકા થઈ ગયો છે. સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરતાં જ કિંમતી ધાતુઓના ભાવમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે. MCX પર આજે સોનું અને ચાંદી બંનેમાં જબરદસ્ત તેજી જોવા મળતાં વેપારીઓ, રોકાણકારો અને સામાન્ય ગ્રાહકોમાં ચિંતા વધી ગઈ છે

કિંમતી ધાતુઓના આયાત ખર્ચમાં થશે મોટો વધારો
નવા શુલ્ક વધારાના કારણે હવે ભારત માટે વિદેશમાંથી સોનું અને ચાંદી મંગાવવું વધુ મોંઘું બનશે. વેપારીઓના મતે આયાત ખર્ચમાં સીધી વૃદ્ધિ થતાં સ્થાનિક બજારમાં સોનાના ભાવ વધુ ઉંચા જઈ શકે છે. ખાસ કરીને લગ્ન સીઝન અને તહેવારો દરમિયાન તેની અસર ગ્રાહકોની ખરીદી પર સ્પષ્ટ જોવા મળશે.

ભારત વિશ્વમાં ચીન પછી સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. દેશમાં સોનાની માંગનો મોટો હિસ્સો જ્વેલરી અને ઘરેલુ બચત તરીકે થાય છે. આવી સ્થિતિમાં કસ્ટમ ડ્યૂટી વધતા સામાન્ય ગ્રાહકો માટે સોનાની ખરીદી વધુ ખર્ચાળ બનશે.

સરકાર કેમ લાવી આ મોટો નિર્ણય?
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ભારતનું સતત વધી રહેલું આયાત બિલ અને વિદેશી ચલણ ભંડાર પર વધતો દબાણ માનવામાં આવી રહ્યો છે. 2025-26 દરમિયાન ભારતની સોનાની આયાત 71.98 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે, જે અગાઉના વર્ષ કરતાં વધુ છે. વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા વધી છે. આવી પરિસ્થિતિમાં ભારત સરકાર વિદેશી ચલણ બચાવવા અને આયાત ઘટાડવા માટે સક્રિય બની છે.

અહેવાલો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નાગરિકોને અનાવશ્યક સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવા અપીલ કરી છે.

જ્વેલરી ઉદ્યોગમાં ચિંતા
કસ્ટમ ડ્યૂટી વધારાની સીધી અસર જ્વેલરી ઉદ્યોગ પર પડી શકે છે. જ્વેલર્સ અને બુલિયન વેપારીઓનું માનવું છે કે પહેલેથી જ ઊંચા ભાવ વચ્ચે વધુ ટેક્સ લાગવાથી ગ્રાહકો ખરીદીમાં ઘટાડો કરી શકે છે.સ્ટોક માર્કેટમાં પણ તેની અસર જોવા મળી હતી. જાણીતી જ્વેલરી કંપનીઓના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ અને અન્ય કંપનીઓના શેરોમાં 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. જ્વેલરી ઉત્પાદકો માટે ઉત્પાદન ખર્ચ વધતા હવે તૈયાર આભૂષણો વધુ મોંઘા બનવાની શક્યતા છે. ખાસ કરીને નાના અને મધ્યમ વેપારીઓ માટે આ નિર્ણય પડકારરૂપ બની શકે છે.

સોનાના ભાવમાં આવી શકે વધુ તેજી
સરકારના આ નિર્ણય બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાં અને ચાંદીના ફ્યુચર્સમાં તેજી જોવા મળી હતી. ચાંદીના ભાવમાં તો જાણે આગ લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક જ દિવસમાં ચાંદી ₹21,395 જેટલી મોંઘી બની ગઈ છે, જે લગભગ 7.67 ટકાનો ઉછાળો દર્શાવે છે. હાલ ચાંદીનો ભાવ ₹3,00,457 સુધી પહોંચી ગયો છે, જ્યારે દિવસ દરમિયાન તે ₹3,01,429 ની સપાટી સુધી ગયો હતો. ગઈકાલે બંધ ભાવ ₹2,79,062 હતો. સોનામાં પણ ભારે તેજી નોંધાઈ છે. આજે સોનાના ભાવમાં ₹10,554 નો વધારો થતાં ભાવ ₹1,63,996 સુધી પહોંચી ગયા છે. દિવસ દરમિયાન સોનું ₹1,64,497 ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. અગાઉ તેનો બંધ ભાવ ₹1,53,442 હતો. સોનાના ભાવમાં 7 ટકા કરતાં વધુ અને ચાંદીમાં 8 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
બજાર નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં સોનાના રિટેલ ભાવમાં વધુ વધારો થઈ શકે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતોમાં વધારો ચાલુ રહેશે તો ભારતીય ગ્રાહકોને ડબલ અસરનો સામનો કરવો પડી શકે છે.

જાણો આજના સોના ચાંદી ના ભાવ

24 કેરેટ સોનાનો ભાવ ₹1.63 લાખ પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગયો છે, જ્યારે ચાંદીના ભાવ પણ ₹3 લાખ પ્રતિ કિલોની નજીક પહોંચ્યા છે.

આજના સોનાના ભાવ (13 મે 2026)
24 કેરેટ સોનું (10 ગ્રામ): ₹1,54,010 થી ₹1,67,890
22 કેરેટ સોનું (10 ગ્રામ): ₹1,41,176 થી ₹1,53,950
18 કેરેટ સોનું (10 ગ્રામ): ₹1,15,508 થી ₹1,25,920

આજના ચાંદીના ભાવ
ચાંદી (1 કિલો): ₹2,79,570 થી ₹3,10,000
ચાંદી (10 ગ્રામ): ₹3,100

શહેરવાર 24 કેરેટ સોનાનો ભાવ (10 ગ્રામ)
મુંબઈ / કોલકાતા / બેંગલુરુ: ₹1,67,890
દિલ્હી: ₹16,804 પ્રતિ ગ્રામ
ચેન્નઈ: ₹1,56,340
અમદાવાદ / વડોદરા: ₹1,67,940

*આ ભાવ અંદાજિત છે. આ ભાવ માર્કેટ પરિબળો તથા લોકેશનને આધારિત બદલાઈ શકે છે.
સ્મગલિંગ વધવાની પણ આશંકા
વિશેષજ્ઞો માને છે કે આયાત શુલ્કમાં આટલો મોટો વધારો ગોલ્ડ સ્મગલિંગને ફરી પ્રોત્સાહન આપી શકે છે. અગાઉ જ્યારે સરકારે આયાત ડ્યૂટી ઘટાડેલી ત્યારે ગેરકાયદેસર સોનાની હેરાફેરીમાં ઘટાડો નોંધાયો હતો. હવે ફરી ઊંચા ટેક્સના કારણે ગેરકાયદેસર રસ્તાઓ સક્રિય થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિસાયક્લિંગ અને પ્રેશિયસ મેટલ વેસ્ટ પર પણ નવા નિયમ
સરકારે કિંમતી ધાતુ ધરાવતા સ્પેન્ટ કેટાલિસ્ટ અને ઔદ્યોગિક કચરાના આયાત નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. હવે આવા આયાત પર 10 ટકા કસ્ટમ ડ્યૂટી લાગશે અને સાથે પર્યાવરણ મંત્રાલયની મંજૂરી સહિતના કડક નિયમોનું પાલન ફરજિયાત રહેશે. આ નિર્ણયનો હેતુ કિંમતી ધાતુઓના રિસાયક્લિંગ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવાનો અને ગેરરીતિઓ રોકવાનો હોવાનું માનવામાં આવે છે.

સામાન્ય ગ્રાહકો માટે શું બદલાશે?
નવી કસ્ટમ ડ્યૂટી લાગુ થતાં હવે સોનાની જ્વેલરી ખરીદવી સામાન્ય પરિવારો માટે વધુ ખર્ચાળ બની શકે છે. ખાસ કરીને લગ્ન પ્રસંગો અને તહેવારો દરમિયાન ખરીદી કરનારાઓએ વધુ ખર્ચ માટે તૈયાર રહેવું પડશે.જ્વેલર્સના મતે ઘણા ગ્રાહકો હવે જૂના સોનાના એક્સચેન્જ તરફ વળી શકે છે. નવી ખરીદી કરતાં જૂના દાગીનાની બદલીમાં ઓછો ખર્ચ થાય છે, તેથી બજારમાં એક્સચેન્જ ડીલ્સની માંગ વધી શકે છે.

અર્થતંત્ર માટે શું અર્થ?
સરકારનો મુખ્ય હેતુ ગોલ્ડ આયાત ઘટાડીને ટ્રેડ ડેફિસિટ અને રૂપિયા પરનો દબાણ ઘટાડવાનો છે. સોનાની આયાત ભારત માટે મોટા વિદેશી ચલણ ખર્ચનું કારણ બને છે. જો આયાતમાં ઘટાડો થશે તો દેશના કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં રાહત મળી શકે છે.પરંતુ બીજી તરફ ગ્રાહક માંગ ઘટવાથી જ્વેલરી ઉદ્યોગ અને સંબંધિત વેપારો પર નકારાત્મક અસર થવાની શક્યતા પણ છે.

હાલ માટે બજારની નજર હવે સોનાના ભાવ, ગ્રાહક માંગ અને સરકારના આગામી આર્થિક પગલાં પર રહેશે.

આ પણ વાંચો :

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.