નિકોલમાં ‘શોર્ટકટ કમાણી’નો કૌભાંડ
ગોડાઉન કર્મચારીએ જ માલિકને લગાવ્યો લાખોનો ચૂનો
Ahmedabad 23 April, 2026″ અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં નોકરી સાથે સાથે ઝડપી કમાણી કરવાની લાલચમાં ત્રણ શખ્સોએ પોતાના જ માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. હોન્ડાના શોરૂમના ગોડાઉનમાંથી 31 એક્ટિવા અને 2 બાઈક ગાયબ થવાની ઘટનાએ વેપારીઓમાં ચિંતા ફેલાવી દીધી છે. પોલીસએ મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડીને કેસનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી શાહિદ શેખ ગોડાઉનમાં જ કામ કરતો હતો. ગોડાઉનથી શોરૂમમાં વાહનો લઈ જવાના બહાને તે દરેક વખતે એક-બે એક્ટિવા વધુ બહાર કાઢી લેતો હતો. આ વાહનો તે પોતાના સાથી દિગુરાજ રાઠોડને માત્ર ₹25,000 થી ₹30,000માં આપી દેતો હતો. ત્યારબાદ દિગુરાજ આ વાહનોને ધંધુકા, માંડલ અને વિરમગામ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ₹35,000 થી ₹40,000માં વેચી નાખતો હતો. આ ગેરકાયદેસર કારસ્તાનમાં ગોડાઉનમાં કામ કરતો એક કિશોર પણ સહભાગી હતો.
આરોપીઓએ ખૂબ જ ચાતુર્યથી મોટાભાગે બ્લેક કલરના એક્ટિવા જ ચોર્યા હતા. ગોડાઉનમાં આવા વાહનોની સંખ્યા વધુ હોવાથી કોઈને શંકા ન થાય એ માટે આ રીત અપનાવવામાં આવી હતી. લગભગ ત્રણ મહિના સુધી ચાલતી આ ચોરીનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે વાર્ષિક ઓડિટ દરમિયાન સ્ટોકમાં ઘટાડો જણાયો.
શોરૂમ મેનેજમેન્ટે 1 જાન્યુઆરીએ 1200 એક્ટિવાનો સ્ટોક નોંધાવ્યો હતો, પરંતુ 1 એપ્રિલે ગણતરી કરતાં 31 એક્ટિવા ઓછા જોવા મળ્યા. તપાસ કરતા જણાયું કે ગોડાઉનમાં વાહનોમાં ચાવી લગાડેલી જ રહેતી હતી, જેના કારણે અંદરના માણસે સરળતાથી ચોરીને અંજામ આપ્યો હતો.
ફરિયાદ મળતાં જ નિકોલ પોલીસે ઝોન-5ની ટીમ સાથે તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ સામે આવી અને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી. પૂછપરછમાં સમગ્ર ગોટાળો બહાર આવ્યો અને પોલીસે 26 એક્ટિવા કબજે કરી લીધા છે. બાકીના મુદ્દામાલની શોધખોળ ચાલુ છે.
આ ઘટનાથી વેપારીઓમાં ચિંતા સાથે રાહતની લાગણી પણ જોવા મળી છે. પોલીસે ખાસ કરીને ગોડાઉન સુરક્ષા અને સ્ટોક મેનેજમેન્ટ વધુ મજબૂત બનાવવા માટે અપીલ કરી છે.
આ બનાવ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે અંદરના માણસ પર અંધ વિશ્વાસ રાખવો જોખમી સાબિત થઈ શકે છે. યોગ્ય દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા વગર મોટું નુકસાન થઈ શકે છે.
www.gujaratupdates.com
