મોદી-ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની મહત્વપૂર્ણ ફોન વાતચીત
New Delhi, 14 April,2026 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે આશરે 40 મિનિટ સુધી લાંબી ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ વૈશ્વિક પરિસ્થિતિ, દ્વિપક્ષીય સંબંધો તેમજ મિડલ ઈસ્ટના તાજા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે અલગ અલગ વિસ્તારોમાં પોતાના દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં પોતાની વ્યાપક વૈશ્વિક વ્યૂહનીતિક ભાગીદારીને વધુ સુદૃઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર પણ ભાર આપ્યો.’
આ વાતચીત એવા સંવેદનશીલ સમયમાં થઈ છે જ્યારે મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે અને હોર્મુઝ સ્ટ્રેટને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. ચર્ચા દરમિયાન બંને નેતાઓએ હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો.
મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને આ વાતચીતને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં આ ચર્ચા વધુ ચર્ચામાં આવી છે.
માહિતી મુજબ, આ વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ ત્રીજી વખત વાતચીત થઈ છે. તેમજ મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ આ બીજી વખત બંને નેતાઓ વચ્ચે સંપર્ક થયો છે.
વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું હતું કે, “ભારતના લોકો તમને પ્રેમ કરે છે,” જે નિવેદન રાજનૈતિક વર્તુળોમાં ખાસ ચર્ચાનો વિષય બન્યું છે.
વિશ્વભરમાં વધતા તણાવ અને જિયોપોલિટિકલ બદલાવ વચ્ચે ભારત અને અમેરિકાની નજીક આવતી ભાગીદારી ભવિષ્યમાં વૈશ્વિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ બની શકે છે.
