ચૈત્રી પૂનમ: ચામુંડા માતાના આશીર્વાદ માટે ભક્તોનો ભીડ
Chotila, Surendranagar, 03 March, 2026: ચૈત્રી પૂનમ (02 April,2026) ના પવિત્ર અવસરે ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના મંદિર પર ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાંથી આશરે ૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા, જેના કારણે ડુંગરના પગથિયાં પણ જવાની જગ્યા ન હતી.
મંદિર ટ્રસ્ટે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી વિશેષ વ્યવસ્થાઓ કરી હતી. ડુંગરના પગથિયાનો દ્વાર રાત્રે ૧:૩૦ વાગ્યે ખોલી દેવામાં આવ્યો હતો, જ્યારે મંગળા આરતી પણ વહેલી યોજાઇ હતી. ભક્તોની સુવિધા માટે પ્રસાદ અને ભોજનાલયની વ્યવસ્થા સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી હતી. સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, વિરમગામ, કડી અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાંથી પદયાત્રી સંઘો પગપાળા દર્શન માટે પહોંચ્યા હતા. ભીડમાં વિખૂટા પડેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવા માટે ટ્રસ્ટની ઓફિસ દ્વારા સતત જાહેરિતો કરવામાં આવી હતી.
ડુંગર અને તળેટી ‘ચામુંડા માત કી જય’ના નાદથી ગુંજી ઉઠ્યાં હતા. આ ખૂબ મોટી ભીડ હોવા છતાં પોલીસ અને મંદિર ટ્રસ્ટના સંચાલનમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી પોતાના હૃદયમાં માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો. ચોટીલા માતાજીનું ચૈત્રી પૂનમ પરનું આ મેળો ભક્તિ અને સમર્પણની એક અનોખી દ્રષ્ટાંત તરીકે યાદ રહેશે.
