27 એપ્રિલે જ કેમ થઈ SBIમાં લૂંટ?
સુરત SBI લૂંટકાંડનું માસ્ટરમાઇન્ડ બિહાર જેલમાં બેઠો હતો
Surat 07 May 2026 Gujarat Updates Team :સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી State Bank of India (SBI) શાખામાં થયેલી 52 લાખ રૂપિયાની સશસ્ત્ર લૂંટની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. હવે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. સુરત ક્રાઇમ બ્રાંચે ઉત્તર પ્રદેશમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ થયેલી પૂછપરછમાં ખુલ્યું છે કે સમગ્ર લૂંટનું કાવતરું બિહારની બેઉર સેન્ટ્રલ જેલમાં ઘડાયું હતું.
પોલીસ તપાસ અનુસાર, આ આંતરરાજ્ય ગેંગનું નેતૃત્વ કુખ્યાત ગુનેગાર કુંદન ભગત કરી રહ્યો હતો, જે હાલ બિહારની જેલમાં બંધ છે. જેલમાં બેઠા બેઠા તેણે ગેંગના સભ્યોને સ્પેશિયલ એપ્લિકેશન મારફતે સૂચનાઓ આપી હતી.
27 એપ્રિલનો દિવસ કેમ પસંદ કરાયો?
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોતના જણાવ્યા મુજબ, લૂંટ માટે 27 એપ્રિલનો દિવસ ખૂબ જ વિચારીને પસંદ કરવામાં આવ્યો હતો. 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી જ્યારે 28 એપ્રિલે મતગણતરી હતી. ગેંગને લાગ્યું હતું કે ચૂંટણી બંદોબસ્ત અને ગણતરીને કારણે શહેરમાં પોલીસની વ્યસ્તતા વધારે રહેશે અને સુરક્ષા વ્યવસ્થા નબળી રહેશે.આ ઉપરાંત, વરાછા વિસ્તારમાં મેટ્રો રેલના કામને કારણે રસ્તાઓ ખોદકામ હેઠળ હતા અને ટ્રાફિક ઓછો હતો. ગેંગને લાગ્યું કે આવી સ્થિતિમાં ભાગી છૂટવું વધુ સરળ રહેશે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ બે મહિના સુધી સુરતમાં રહીને સમગ્ર વિસ્તારનું બારીક નિરીક્ષણ કર્યું હતું.
બે મહિના સુધી સુરતમાં રહી કરી રેકી
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ સુરતમાં પહેલા જહાંગીરપુરા વિસ્તારમાં ભાડે રહેતા હતા. બાદમાં સ્થાનિક લોકોને શંકા જતા તેઓ વેડ રોડ વિસ્તારમાં શિફ્ટ થયા હતા. ગેંગે માત્ર SBI જ નહીં પરંતુ સુરતની 10થી વધુ બેંકોની રેકી કરી હતી. દરેક બેંકમાં ગ્રાહક બનીને પ્રવેશવું, કર્મચારીઓની કામગીરી જોવી, કેશ મૂવમેન્ટ સમજવી અને CCTV કેમેરાની સ્થિતિ તપાસવી – આ બધું ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.
લૂંટના દિવસે પણ આરોપીઓ લગભગ 45 મિનિટ પહેલા ગ્રાહક બનીને બેંકમાં પ્રવેશ્યા હતા. તેમણે મોબાઇલ ફોનમાં વાત કરવાનો ડોળ કરીને બેંકની અંદરની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ અત્યંત પ્રોફેશનલ રીતે કામ કરતા હતા.
નકલી આધાર કાર્ડ અને અનેક ઉપનામોનો ઉપયોગ
આ ગેંગે પોતાની ઓળખ છુપાવવા માટે મધ્ય પ્રદેશના બનાવટી આધાર કાર્ડ અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગેંગના સભ્યો એકબીજાના અસલી નામ પણ જાણતા નહોતા.દરેક આરોપીને ચારથી પાંચ ઉપનામો આપવામાં આવ્યા હતા જેથી ધરપકડ થાય તો સાચી ઓળખ બહાર ન આવે. કુંદન ભગત પોતાના સાથીઓને સંપૂર્ણ ફોટા પણ મોકલતો નહોતો. માત્ર શરીરના ભાગ કે કપડાંના કલર પરથી ઓળખ કરવામાં આવતી હતી.
કેવી રીતે અંજામ અપાયો બેંક લૂંટને?
27 એપ્રિલે બપોરે લગભગ 1 વાગ્યે પાંચથી છ સશસ્ત્ર લૂંટારૂઓ વરાછાની SBI શાખામાં પ્રવેશ્યા હતા. તેઓએ પિસ્તોલ બતાવીને બેંક સ્ટાફ અને ગ્રાહકોને બંદી બનાવી દીધા હતા.આરોપીઓએ સૌના મોબાઇલ ફોન છીનવી લીધા હતા જેથી કોઈ પોલીસને જાણ ન કરી શકે. સાથે જ ઇમર્જન્સી એલાર્મની વાયર પણ કાપી નાખવામાં આવી હતી. લગભગ 50 મિનિટ સુધી લૂંટારૂઓ બેંકની અંદર રહ્યા હતા અને શાંતિથી રોકડ ભેગી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કુલ 52 લાખ રૂપિયામાંથી 40 લાખ રૂપિયા કેશ મેનેજમેન્ટ કંપનીના હતા જ્યારે 12 લાખ રૂપિયા બેંકના હતા. ઘટનાના સમયે બેંકમાં કોઈ સુરક્ષા ગાર્ડ હાજર નહોતો, જેને લઇને પણ અનેક સવાલો ઊભા થયા છે.
કર્મચારીની સતર્કતાથી બચ્યું 2 કરોડનું સોનું
પોલીસ તપાસમાં એક મહત્વપૂર્ણ ખુલાસો એ પણ થયો છે કે ગેંગનો મૂળ પ્લાન માત્ર રોકડ લૂંટવાનો નહોતો. તેઓ બેંકના લોકરમાં રહેલું અંદાજે 2 થી 3 કરોડ રૂપિયાનું સોનું પણ લૂંટવા માંગતા હતા.આ માટે તેઓ પાંચ મોટી બેગ લઈને આવ્યા હતા. પરંતુ એક સતર્ક બેંક કર્મચારીએ તેમને જણાવ્યું કે લોકરની ચાવી મેનેજર પાસે છે અને મેનેજર હાલમાં હાજર નથી. કર્મચારીની આ સમયસૂચકતા અને હાજરજવાબીને કારણે કરોડો રૂપિયાનું સોનું બચી ગયું હતું. જો લૂંટારૂઓને લોકર સુધી પહોંચ મળી હોત તો નુકસાન અનેક ગણું વધી શકે તેમ હતું.
યુપીમાંથી બે આરોપીઓ ઝડપાયા
સુરત ક્રાઇમ બ્રાંચે સતત ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે ઉત્તર પ્રદેશમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની ઓળખ શુભમ ઠાકુર અને વિકાસ સિંહ રાજપૂત તરીકે કરી છે.બંને આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિગતો બહાર આવી છે. પોલીસે અત્યાર સુધી માત્ર 93 હજાર રૂપિયા જ રિકવર કર્યા છે. બાકીની રકમ અને અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો કાર્યરત છે. હાલમાં પાંચથી વધુ આરોપીઓ ફરાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બિહારનો કુખ્યાત ગુનેગાર કુંદન ભગત કોણ?
પોલીસ અનુસાર કુંદન ભગત બિહારનો કુખ્યાત ગુનેગાર છે અને તેની સામે હત્યા, ખંડણી, લૂંટ, AK-47 સ્મગલિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.તે અગાઉ દહેરાદૂનમાં થયેલી 14 કરોડ રૂપિયાની જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ માને છે. તે જેલમાં હોવા છતાં બહારના ગુનેગારો સાથે સંપર્કમાં રહી ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો.સુરત પોલીસ હવે કુંદન ભગતને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવા માટે કાર્યવાહી કરી રહી છે.
પોલીસ માટે મોટો પડકાર
સુરત SBI લૂંટકાંડ હવે માત્ર સ્થાનિક નહીં પરંતુ આંતરરાજ્ય ગેંગ અને જેલમાંથી સંચાલિત ક્રાઇમનું મોટું ઉદાહરણ બની ગયું છે.પોલીસ માટે હવે ફરાર આરોપીઓને ઝડપવા સાથે લૂંટની બાકી રકમ રિકવર કરવી અને ગેંગના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવો સૌથી મોટો પડકાર છે. આ ઘટનાએ બેંકોની સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને દિવસના સમયે સુરક્ષા ગાર્ડ વગર બેંક કાર્યરત હોવી અને એલાર્મ સિસ્ટમ સરળતાથી નિષ્ક્રિય થવી જેવી બાબતો ચિંતાજનક માનવામાં આવી રહી છે.
વાંચો : સુરતમાં બેંકમાં ફિલ્મી લૂંટ
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
