મુખ્ય સમાચારઅર્થતંત્રગુજરાતભારત

જાણો અમદાવાદ-સુરતના નવા ભાવ

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવથી પરિવહન અને મોંઘવારી પર પડશે અસર

15 May 2026 Gujarat Updates Team: શભરમાં ચાર વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં સામાન્ય નાગરિકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે. તાજેતરમાં અમૂલ દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે ઈંધણના વધેલા દરોએ લોકોની ચિંતામાં વધુ વધારો કર્યો છે. કેન્દ્ર સરકાર અને સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા દર આજથી અમલમાં આવી ગયા છે. નવા ભાવ મુજબ પેટ્રોલમાં પ્રતિ લિટર ₹3.14 અને ડીઝલમાં ₹3.11નો વધારો કરવામાં આવ્યો છે.

નવી કિંમતો અનુસાર હવે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ₹97.77 પ્રતિ લિટર અને ડીઝલ ₹90.67 પ્રતિ લિટરના દરે મળશે. આ વધારો છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત નોંધાયો છે, જેના કારણે મધ્યમ વર્ગ અને વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ
ગુજરાતના વિવિધ શહેરોમાં પણ નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય શહેરોમાં હવે પેટ્રોલ અને ડીઝલના દર નીચે મુજબ રહેશે:

  • અમદાવાદમાં અંદાજે પેટ્રોલ ₹94.49 રૂપિયાની નજીક પહોંચ્યું છે
  • વડોદરા : પેટ્રોલ ₹97.10 અને ડીઝલ ₹92.79 પ્રતિ લિટર
  • સુરત : પેટ્રોલ ₹97.40 અને ડીઝલ ₹93.17 પ્રતિ લિટર
  • રાજકોટ : પેટ્રોલ ₹97.27 અને ડીઝલ ₹93.60 પ્રતિ લિટર

વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થવાને કારણે સરકારી તેલ કંપનીઓ પર ભારે આર્થિક દબાણ સર્જાયું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝની ખાડી વિસ્તારમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે ભારત જેવી આયાત આધારિત અર્થવ્યવસ્થાને સીધી અસર પહોંચી છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ અગાઉ જ સંકેત આપ્યા હતા કે જો ઈંધણના ભાવમાં સુધારો નહીં કરવામાં આવે તો સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીઓનું નુકસાન લાખો કરોડ રૂપિયાની સપાટીએ પહોંચી રહ્યું હતું, જેના કારણે ભાવ વધારો અનિવાર્ય બન્યો હતો.

રાજ્યમાં વાહનચાલકો માટે આ વધારો સીધી અસરકારક સાબિત થશે. ખાસ કરીને રોજિંદા વાહનનો ઉપયોગ કરતા લોકો, ટેક્સી ચાલકો, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ ખેડૂતો માટે ખર્ચમાં વધારો થશે.

મોંઘવારીમાં વધુ વધારો થવાની શક્યતા
અર્થશાસ્ત્રીઓના મત અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાથી માત્ર વાહનચાલન જ નહીં પરંતુ સમગ્ર બજાર વ્યવસ્થા પર અસર પડશે. પરિવહન ખર્ચ વધતાં શાકભાજી, દૂધ, અનાજ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

ખાસ કરીને ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે ડીઝલ મુખ્ય ઈંધણ હોવાથી માલવહન ખર્ચમાં વધારો થશે. જેના કારણે આગામી દિવસોમાં મોંઘવારીનો દર વધુ વધી શકે છે. વેપારીઓનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નહીં થાય તો આગામી સમયમાં વધુ ભાવ વધારો પણ થઈ શકે છે.

સામાન્ય લોકોમાં નારાજગી

સોશિયલ મીડિયા પર પણ ઈંધણના વધેલા ભાવને લઈને લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અનેક લોકોનું કહેવું છે કે પહેલેથી જ મોંઘવારીના માર વચ્ચે હવે પેટ્રોલ-ડીઝલના વધેલા દરોએ ઘરખર્ચ પર વધુ બોજ વધાર્યો છે.

કેટલાક યુઝર્સે એવો પણ દાવો કર્યો કે આગામી સમયમાં ભાવમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે સરકાર તરફથી હાલ માટે કોઈ વધુ વધારો અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વાહન ઉદ્યોગ પર પણ અસર

ઈંધણના વધેલા ભાવનો સીધો પ્રભાવ ઓટોમોબાઈલ ઉદ્યોગ પર પણ પડી શકે છે. ટાટા મોટર્સ સહિતની અનેક કંપનીઓએ કોમોડિટી ખર્ચમાં વધારો થવાને કારણે વાહનોના ભાવમાં વધારો કરવાની સંભાવના વ્યક્ત કરી છે. ઓટો એક્સપર્ટ્સનું કહેવું છે કે ઈંધણ મોંઘું બનતાં લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વધુ આકર્ષાઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઈલેક્ટ્રિક સ્કૂટર અને કારની માંગમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.

વિશ્લેષકોનું માનવું છે કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટ પર આગામી ભાવ નિર્ભર રહેશે. જો વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ સ્થિર રહેશે તો સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહી શકે છે. પરંતુ જો યુદ્ધ જેવી પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો ભારતમાં ફરી ઈંધણના દરમાં વધારો થવાની શક્યતા છે.

હાલ માટે સામાન્ય નાગરિકો માટે વધેલા પેટ્રોલ-ડીઝલના ભાવ ચિંતાનો વિષય બન્યા છે. વધતી મોંઘવારી વચ્ચે હવે લોકો પોતાના માસિક બજેટમાં ફરી ફેરફાર કરવા મજબૂર બન્યા છે.

દેશમાં ઈંધણના ભાવમાં થયેલા આ મોટા વધારાએ રાજકીય અને આર્થિક ચર્ચાઓને પણ વેગ આપ્યો છે. આગામી દિવસોમાં સરકાર તરફથી કોઈ રાહત જાહેર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.