ભારતમુખ્ય સમાચાર

CJPનું અલ્ટીમેટમ

સરકાર નહીં માને તો દેશવ્યાપી મહાઆંદોલનની ચેતવણી, બેઠક છતાં કોઈ નિર્ણય નહીં

22 July 2026 Gujarat Updates Team: દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા પ્રક્રિયા અને NEET સહિતના મુદ્દાઓને લઈને ચાલી રહેલા Cockroach Janta Party (CJP)ના આંદોલને હવે વધુ રાજકીય અને રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું છે. કેન્દ્ર સરકાર સાથે પ્રથમ સત્તાવાર ચર્ચા થયા પછી પણ કોઈ સ્પષ્ટ ખાતરી ન મળતાં CJPએ સરકાર સામે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 20 જુલાઈના રોજ થયેલું પ્રદર્શન માત્ર “ટ્રેલર” હતું અને જો સરકા માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં લાખો યુવાનો દિલ્હીમાં એકત્ર થશે.

દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ અને યુવાનો વિવિધ માંગણીઓ સાથે સતત ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી હતી. તે વચ્ચે કેન્દ્ર સરકારે પ્રથમ વખત CJPના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, પરંતુ બેઠકમાંથી કોઈ નિર્ણાયક પરિણામ બહાર આવ્યું નથી.

આજે સંસદમાં વિરોધ પક્ષો અને CJPના આંદોલનને લઈને રાજકીય ગરમાવો યથાવત રહ્યો છે. દિલ્હીમાં સુરક્ષાની દૃષ્ટિએ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સંસદ તેમજ મહત્વના વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

જંતર-મંતર ખાતે કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળ દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે થયેલી કથિત પોલીસ કાર્યવાહી વિરુદ્ધ દાખલ થયેલી જનહિત અરજી (PIL) પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. અરજીમાં 18 જુલાઈની પોલીસ કાર્યવાહીની સ્વતંત્ર તપાસ, તમામ પુરાવા સુરક્ષિત રાખવા અને શાંતિપૂર્ણ વિરોધના બંધારણીય અધિકારના રક્ષણ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે આ મુદ્દે રાજકીય ટકરાવ પણ વધુ તેજ બન્યો.

દિલ્હી પોલીસે સમગ્ર ઘટનાક્રમને લઈને અત્યાર સુધીમાં કુલ 10 FIR નોંધાવી છે. જેમાં સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ચાર, કનોટ પ્લેસમાં ત્રણ તેમજ મંદિર માર્ગ, બરખંભા રોડ અને કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં એક-એક FIRનો સમાવેશ થાય છે. પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.

દિલ્હી મેટ્રોની નીચેની સ્ટેશનો આગામી સૂચના સુધી બંધ રહેશે: લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારાખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ, મંડી હાઉસ, સેન્ટ્રલ સચિવાલય, આઈટીઓ, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોર બાગ અને શિવાજી સ્ટેડિયમ.

મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી પહેલાં વૈકલ્પિક માર્ગની યોજના બનાવે અને નવીનતમ માહિતી માટે દિલ્હી મેટ્રોની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખે.

સરકાર સાથે પ્રથમ સત્તાવાર બેઠક
વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ CJPના પ્રતિનિધિઓ આશુતોષ રંકા અને સૌરવ દાસ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન CJPએ પોતાનું લેખિત માંગપત્ર સરકારને સુપરત કર્યું હતું.

બેઠકમાં ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.

  • શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અથવા હટાવવાની કાર્યવાહી.
  • સોનમ વાંગચુકને તાત્કાલિક મુક્ત કરવાની માંગ.
  • NEET સંબંધિત ઘટનામાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર.

સરકાર તરફથી માંગણીઓ પર ચર્ચા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ કોઈપણ માંગ સ્વીકારવામાં આવી હોવાનો સંકેત આપવામાં આવ્યો નહોતો. સરકારે વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવાની અપીલ કરી હતી જ્યારે CJPએ સ્પષ્ટ કર્યું કે ખાતરી વગર આંદોલન સમાપ્ત નહીં થાય.

આજે સરકાર-CJP વચ્ચે વધુ એક બેઠકની ચર્ચા, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નહીં.

“આ તો માત્ર ટ્રેલર હતું”
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં આશુતોષ રંકાએ કહ્યું કે અત્યાર સુધી જે કંઈ બન્યું તે માત્ર શરૂઆત છે.તેમણે દાવો કર્યો કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ સૌથી મોટું યુવા આંદોલન બની રહ્યું છે અને જો સરકાર હાલ પણ માંગણીઓને અવગણશે તો આગામી દિવસોમાં લાખો લોકો દિલ્હી તરફ કૂચ કરશે. રંકાના જણાવ્યા અનુસાર, “આ વખતે અમે પાછળ નહીં હટીએ અને મૌન પણ નહીં રહીએ. સરકાર સમયસર નિર્ણય નહીં લે તો દેશના યુવાનો લોકશાહી માધ્યમથી સરકારને કડક જવાબ આપશે.”

“અમે શાંતિપૂર્ણ આંદોલનમાં માનીએ છીએ”
વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા અને અરાજકતાના આરોપો અંગે પૂછવામાં આવતા આશુતોષ રંકાએ જણાવ્યું કે સમગ્ર આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહ્યું છે.તેમણે આરોપ લગાવ્યો કે જ્યાં પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો ત્યાં જ પરિસ્થિતિ બગડી હતી. તેમના કહેવા મુજબ છેલ્લા ઘણા દિવસોથી હજારો યુવાનો શાંતિપૂર્ણ રીતે પોતાના અધિકારો માટે બેઠા છે. રંકાએ જણાવ્યું કે તેમનું આંદોલન મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના અહિંસાના સિદ્ધાંતો પર આધારિત છે અને તેઓ આગળ પણ શાંતિપૂર્ણ વિરોધ જ ચાલુ રાખશે.

FIR અને કડક કાયદાથી નહીં ડરીએ
CJPએ સરકાર સામે વધુ એક સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારની FIR અથવા ભવિષ્યમાં થનારી કાર્યવાહીથી ડરવાના નથી.આશુતોષ રંકાએ જણાવ્યું કે જો જરૂરી બનશે તો UAPA કે NSA જેવા કડક કાયદા હેઠળ ધરપકડ આપવા પણ તેઓ તૈયાર છે. જેલ જવું તેમના માટે આંદોલનની કિંમતનો એક નાનો ભાગ હોવાનું તેમણે જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે વિરોધ પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી કાર્યવાહી પાછી લેવામાં આવે તે પણ તેમની મહત્વની માંગણીઓમાં સામેલ છે.

દરેક રાજકીય પક્ષને આમંત્રણ
CJPએ આંદોલનને કોઈ એક રાજકીય પક્ષ સુધી મર્યાદિત ન રાખવાની જાહેરાત કરી છે.રંકાના જણાવ્યા મુજબ, ભાજપ સહિત કોઈપણ રાજકીય પક્ષના લોકો જો વિદ્યાર્થીઓની માંગણીઓને યોગ્ય માને તો તેઓ આંદોલનને સમર્થન આપી શકે છે. તેમણે કહ્યું કે આ લડાઈ કોઈ પક્ષ વિરુદ્ધ નહીં પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે છે અને તેથી તમામ રાજકીય પક્ષોએ આગળ આવવું જોઈએ.

વિરોધ પ્રદર્શનને મળતું રાજકીય સમર્થન
આંદોલન દરમિયાન અનેક વિરોધ પક્ષોએ પણ સરકાર સામે મોરચો ખોલ્યો છે. સંસદ બહાર વિરોધ પ્રદર્શન યોજાયા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠી.વિપક્ષે સરકાર પર આરોપ મૂક્યો કે વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી અને ચર્ચા ટાળવામાં આવી રહી છે.

સરકારનું વલણ શું?
સરકારે CJP સાથે ચર્ચા શરૂ કરીને સંવાદનો માર્ગ ખુલ્લો રાખવાનો પ્રયાસ કર્યો છે.કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ બેઠક બાદ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવી ધરણાં સમાપ્ત કરવાની અપીલ કરી હતી. જોકે સરકાર તરફથી માંગણીઓ અંગે કોઈ જાહેર પ્રતિબદ્ધતા આપવામાં આવી નહોતી. બીજી તરફ આજે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની ખાતરી આપતાં સંસદમાં ચર્ચા માટે પણ તૈયારી દર્શાવી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં CJP પોતાની મૂળ માંગણીઓ પર અડગ છે અને આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

પેપર લીક મુદ્દે પ્રથમવાર વડાપ્રધાન મોદીનું નિવેદન
પરીક્ષા પેપર લીકના વધતા બનાવો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે પ્રશ્નપત્ર લીક કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને કેન્દ્ર સરકાર પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે અસરકારક પગલાં લઈ રહી છે. સાથે જ તેમણે પેપર લીકના મુદ્દાને રાજકીય રંગ ન આપવાની અપીલ કરતાં તેને સમગ્ર દેશની જવાબદારી ગણાવી હતી.

વિદ્યાર્થીઓના આંદોલનને પ્રિયંકા ગાંધીનો ટેકો, પેપર લીક મુદ્દે સરકાર પર સાધ્યા નિશાન

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વિદ્યાર્થીઓના આંદોલનને ખુલ્લો ટેકો આપતાં જણાવ્યું કે તેમની માંગણીઓ ન્યાયસંગત છે અને લોકશાહીમાં દરેક નાગરિકને પોતાના અધિકારો માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે. પ્રિયંકા ગાંધીએ પેપર લીક જેવા ગંભીર મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્નોને ગંભીરતાથી ઉકેલવા જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને દબાવવાના પ્રયાસો લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે

આગળ શું?
સરકાર અને CJP વચ્ચે પ્રથમ સત્તાવાર સંવાદ શરૂ થવો મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે, પરંતુ બંને પક્ષો વચ્ચે હજુ પણ મોટું અંતર જોવા મળી રહ્યું છે.સરકાર એક તરફ શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માંગે છે, જ્યારે CJPનું કહેવું છે કે સ્પષ્ટ નિર્ણય વિના તેઓ પાછા નહીં ફરે. આગામી દિવસોમાં સરકાર કોઈ મોટો નિર્ણય લે છે કે નહીં અને CJP દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરે છે કે કેમ તેના પર સમગ્ર દેશની નજર રહેશે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.