ચોકલેટની લાલચમાં અપહરણ!
Banaskantha, 07 April 2026: બનાસકાંઠા જિલ્લોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ ચોકલેટની લાલચ આપી શ્રમિકના માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું. આ ઘટના પાલનપુર–અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીક બની હતી. જોકે, પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને સતર્કતાને કારણે થોડા જ કલાકોમાં બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો.
ચોકલેટની લાલચથી અપહરણ
માહિતી મુજબ, શ્રમિક પરિવારનું બાળક રસ્તા પાસે રમતું હતું ત્યારે એક અજાણ્યો ઈસમ કાર લઈને ત્યાં આવ્યો હતો. તેણે બાળકને ચોકલેટ આપવાની લાલચ આપી ગાડીમાં બેસાડ્યો અને ઝડપથી હાઈવે પરથી ફરાર થઈ ગયો. બાળક ગાયબ થતાં જ પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી હતી.
પોલીસનું તાત્કાલિક ઓપરેશન
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ. LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમોએ સંયુક્ત રીતે તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને નાકાબંધી દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ.
દાંતામાંથી આરોપીની ધરપકડ
પોલીસની ચુસ્ત કામગીરીને કારણે આરોપી લાંબા સમય સુધી ફરાર રહી શક્યો નહોતો. દાંતા નજીકના નારગઢ વિસ્તારમાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરી તેના પરિવારને સોંપવામાં આવ્યો. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને અપહરણ પાછળના હેતુ વિશે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
